આ સમયે બીમારીની સૌથી વધુ શક્યતા…

ભાગમભાગભર્યાં જીવનચક્રમાં સંસારચક્ર અને શરીરચક્ર એકસાથે સમર્થતાથી ન વર્તે ત્યારે મનુષ્યમાત્રને વ્યાધિનો સામનો કરવાનો થાય છે. વાત કરીએ બહેનોની તો, આજના જમાનામાં એક નહીં બે નહીં ત્રણ ઘોડે સવારી થતી હોય તેવું ધ્યાનથી જોઇએ તો લાગે. સ્વાસ્થ્ય સંભાળીને કામ કરવું બહેનો માટે ખૂબ જ જરુરી છે નહીં તો પોતાના ઉપરાંત, પારિવારિક અને વ્યાવસાયિક પાસાંઓ પર અસર પડતી હોય છે. ખાસ કરીને બહેનોએ સમયાંતરે પીરીયડઝની જે પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે ત્યારે તેઓ હાઈ રિસ્ક પર હોય છે. કેવું છે તે રિસ્ક આવો જાણીએ….

સ્ત્રીઓ ઈંડાં છૂટાં પડતાં હોય ત્યારે બીમાર પડવાની સંભાવના વધુ હોય છે તેમ સ્પેનમાં થયેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે. આ વખતે અંતઃસ્ત્રાવ ઍસ્ટ્રૉજન ઉચ્ચ સ્તરમાં હાજર હોય છે જે રોગપ્રતિરોધક માટેની પ્રવૃત્તિ ઘટાડી નાખે છે.

ઈંડાં જ્યારે છૂટાં પડતાં હોય ત્યારે મહિલાનું શરીર ગર્ભવતી બનવા માટે તૈયાર હોય છે. જ્યારે ઈંડું છૂટું પડે છે ત્યારે ગર્ભાશય પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે અને ઍસ્ટ્રૉજન ઉચ્ચ સ્તરમાં હોય છે. અગાઉના સંશોધનમાં કહેવાયું હતું કે આ સમય દરમિયાન સ્ત્રીને હર્પ્સ, એચઆઈવી અને હ્યુમન પપિલોમાવાઇરસ (એચપીવી) વગેરેથી ચેપ લાગવાની વધુ સંભાવના હોય છે.

મેડ્રિડમાં કમ્પ્યુલ્ટેન્સ યુનિવર્સિટીના માઇગ્યુએલ રેલ્લોસો જે નવા સંશોધનપત્રના પ્રથમ લેખક છે તેમણે કહ્યું હતું કે “રોગપ્રતિરોધક તંત્રની પ્રવૃત્તિ ઘટી જાય છે અને તેના લીધે જ મહિલાના આ પ્રજનન અંગમાં વીર્ય જીવી શકે છે. અને તેથી મહિલા ગર્ભવતી બની શકે છે.”

નવા સંશોધનમાં આ સંબંધે અણુઓની વિગતો પણ જાહેર કરાઈ છે. તે લ્યુકૉસાઇટ બાયૉલૉજીની જર્નલમાં પ્રકાશિત કરાયું હતું.પુરાવા એવું કહે છે કે મહિલાઓને ફળદ્રુપતા દરમિયાન ચેપ લાગવાની વધુ સંભાવના હોય છે. વૈજ્ઞાનિકોએ ઉંદરડી પર એ અભ્યાસ કર્યો હતો કે જ્યારે ઍસ્ટ્રૉજન સ્તર ઉચ્ચ હોય ત્યારે રોગપ્રતિકારક પ્રણાલિ કઈ રીતે બદલાય છે. તેમણે ઉંદરડીને ઍસ્ટ્રૉજન આપ્યું અને પછી કસોટી કરી કે તેને કેટલો ચેપ લાગે છે. ધારણા મુજબ, જે ઉંદરડીને ઍસ્ટ્રૉજન અપાયું તેમને, જેને નહોતું અપાયું તેના કરતાં ચેપ લાગવાની વધુ સંભાવના હતી. વધુમાં સંશોધકોને જણાયું કે ટીએચ૧૭ નામના રોગપ્રતિકારક તંત્રના અણુનું સ્તર આવી ઉંદરડીઓમાં ખૂબ જ નીચું હતું.

આ સંશોધન પાછળનું કારણ એ હતું કે ઍસ્ટ્રૉજન રોગપ્રતિકારક શક્તિને કઈ રીતે અસર કરે છે તે જાણવા મળે તો પેથોજનની સામે લડાઈ માટે નવા રસ્તાઓ ખુલી શકે, દા.ત. એવી ઔષધિઓ બનાવી શકા જેનાથી સ્ત્રીઓને એચઆઈવી થવાની સંભાવના ઓછી રહે.

ઉલ્લેખનીય છે કે ઑટૉઇમ્યૂન ડિસઑર્ડર થવાની સંભાવના પુરુષો કરતાં મહિલાઓમાં વધુ હોય છે અને સેક્સ હૉર્મોન આ ડિસઑર્ડરમાં એક ભૂમિકા ભજવે છે તેવી ધારણા છે.

માસિક ધર્મમાં પણ નાકમાં દુઃખાવો, ચક્કર, તાવ, માથાનો દુઃખાવો, શરીરમાં કળતર, અને નાક બંધ થઈ જવું જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે જેના લીધે સ્ત્રીને ક્યાંય મજા ન આવે તેવું બની શકે. આના માટે પણ અંતઃસ્ત્રાવો જવાબદાર છે તેમ આરોગ્ય નિષ્ણાતો માને છે. એનવાયયુ લૅંગૉન મેડિકલ સેન્ટરમાં જૉન. એચ. ટિસ્ક સેન્ટર ફૉર વીમેન્સ હૅલ્થના મેડિકલ ડિરેક્ટર ડૉ. નિએસા ગૉલ્ડબર્ગ કહે છે કે “તમારા માસિક ધર્મ પહેલાં અંતઃસ્ત્રાવોમાં થતા ફેરફારોના લીધે થાક, પેટમાં દુઃખાવો, ગઠ્ઠા થવા, વાંસામાં દુઃખાવો અને શરીરના અન્ય ભાગોમાં દુઃખાવો વગેરે લક્ષણો થઈ શકે છે. બીજા શબ્દોમાં, આ બધું જોડાયેલું છે.”

ડૉ. મોલી ઑશીયા માને છે કે “પ્રૉસ્ટાગ્લાન્ડિસના લીધે પેટમાં દુઃખાવો, ઝાડા, ઉબકા, ઉલટી, અને કળતર જેવાં લક્ષણો સ્ત્રી અનુભવી શકે છે.” આ રસાયણ શરીરના તાપમાન પર પણ અસર પાડે છે તેથી સ્ત્રીને તાવ પણ લાગી શકે છે.

આ માટે જ માસિક વખતે સ્ત્રીએ આરામ કરવાની જરૂર રહે છે અને પરિવારના સભ્યોએ તેને આરામ મળી રહે તે જોવું જોઈએ.