ગાંધીનગરમાં ત્રિદિવસીય REFCOLD, કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા વધારાશે

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આજે મહાત્મા મંદિર ખાતે આયોજિત ઈન્ટરનેશનલ એક્ઝીબિશન એન્ડ કોન્ફરન્સ ઓન કોલ્ડ ચેઈન, ઈન્ડસ્ટ્રીયલ રેફ્રીજરેશન અને રીફર ટ્રાન્સપોર્ટને ખૂલ્લુ મુક્યું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોની ખેતપેદાશો અને બાગાયતી પાકોના સંગ્રહની ક્ષમતા વર્ધન માટે રાજ્યમાં ર૦રર સુધીમાં હાલની કોલ્ડ સ્ટોરેજ સંગ્રહ ક્ષમતા વધારીને ૩૦ લાખ મેટ્રીક ટન કરવાની નેમ વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ સેવ્યો છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબધ્ધ છે. વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં મલ્ટી કોમોડીટી કન્ટ્રોલ એટમોસ્ફીઅર ટેકનોલોજી સાથેના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા રૂ. પ૦ કરોડનું પ્રાવધાન રાજ્યના બજેટમાં કરવામાં આવ્યું છે.

આ ત્રિદિવસીય રેફકોલ્ડ REFCOLD પ્રદર્શનીમાં ભારતના રાજ્યો ઉપરાંત દુનિયાના વિવિધ દેશોના ૧૦૦થી વધુ એકઝીબીટર્સ ભાગ લઇ રહ્યા છે. મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું કે, ખેડૂતની ખેતપેદાશથી લઇને ફૂડ પ્રોડકટ ઇન્ડસ્ટ્રીઝ સુધીની સમગ્ર વેલ્યુચેઇનમાં આજે રેફ્રીજરેશન ફેસેલીટીઝ અને કોલ્ડ સ્ટોરેજની ભૂમિકા સતત વધતી રહી છે. અગાઉ આવી સુવિધાઓના અભાવે ખેડૂતને પોતાના ઉત્પાદનો બહુ નજીવા ભાવે વેચી દેવા પડતા અને આર્થિક નુકશાન વેઠવા વારો આવતો એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યપ્રધાને જણાવ્યું કે હવેનો સમય બદલાયો છે. કેન્દ્રની વર્તમાન NDA સરકાર કિસાનોની આવક ર૦રર સુધીમાં બમણી કરવાના ધ્યેય મંત્ર સાથે પ્રોડકટીવીટી સાથોસાથ પ્રોફિટેબિલીટીને પણ અહેમિયત આપે છે.આ સંપૂર્ણ પ્રક્રિયામાં કોલ્ડ ચેઇન અને રેફ્રિજરેશન ફેસેલીટીઝ મહત્વનું પરિબળ છે, એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યપ્રધાને જણાવ્યું કે ગુજરાત દુધ, ફળ-ફળાદી, શાકભાજી અને સી-પ્રોડકટસ જેવી હાઇલી પેરીશેબલ ફૂડપ્રોડકટના ઉત્પાદનમાં અગ્રણી છે. તેની ભૂમિકા આપતાં કહ્યું કે, રાજ્ય સરકાર કોલ્ડ સ્ટોરેજ ફેસેલીટીઝને પ્રોત્સાહન માટે આગળ વધી રહી છે.

મુખ્યપ્રધાને રાજ્યમાં ૩૭પ થી વધુ પોટેટો કોલ્ડ સ્ટોરેજ તેમજ ૧૪૦થી વધારે મિકસ કોમોડીટી કોલ્ડ સ્ટોરેજ છે તેની છણાવટ કરતાં કહ્યું કે, કોલ્ડ સ્ટોરેજ, પેક હાઉસ, ઇરેડીયેશન પ્લાન્ટ સ્થાપવા રૂ. પ કરોડ સુધીની સબસીડી તેમજ કૃષિ ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય નિકાસને વેગ આપવા એર કાર્ગો-સી.કાર્ગો માટે રૂ. ૧૦ લાખ સુધીની ટ્રાન્સપોર્ટેશન સબસીડી પણ આપવામાં આવે છે.

આ કોન્ફરન્સ-એકઝીબિશનમાં સહભાગી થયેલા એકઝીબીટર્સને રાજ્યના ૧૬૦૦ કિ.મી. દરિયાકાંઠે કોલ્ડ ચેઇન વૃધ્ધિનો તેમજ સૌર ઊર્જાના વિનિયોગથી કોલ્ડ સ્ટોરેજ-રેફ્રિજરેશન સુવિધાઓના ખર્ચને ઓછો કરવાની વ્યૂહાત્મકતાનો પણ લાભ લેવા ગુજરાતમાં આવવા આહવાન કર્યુ હતું.  તેમણે આગામી જાન્યુઆરી-ર૦૧૯ની વાયબ્રન્ટ સમિટમાં પણ આ એકઝીબિટર્સ મૂલાકાત લઇ નેટવર્કીંગનો વ્યાપક લાભ લે તેવી અપrલ કરાઇ હતી.

આ કોન્ફરન્સ અને પ્રદર્શની નવિનત્તમ ટેકનોલોજી, ભવિષ્યના પડકારોને પહોચી વળવાના નવા આયામોના વિચાર મંથનનું સક્ષમ પ્લેટફોર્મ બનશે તેવો વિશ્વાસ દર્શાવાયો હતો. કેન્‍દ્રીય કૃષિ કલ્યાણ અને પંચાયત રાજ્ય પ્રધાન પુરુષોત્તમભાઇ રૂપાલાએ દેશ-વિદેશમાંથી રેફ કોલ્ડ-૨૦૧૮ ઇન્ડીયામાં ભાગ લેવા આવેલા પ્રતિનિધિઓને આવકારતા કહ્યું કે, ખેતીની સાથે-સાથે ડેરી ઉદ્યોગ પણ આ ક્ષેત્રે વધુ બળવત્તર બને તે માટે આપણે પ્રયાસો કરવા પડશે. ગુજરાતનું અમૂલ ડેરી પ્રોડક્ટ ટેસ્‍ટ ઓફ ઇન્ડીયા બની ગયું છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]