રાજસ્થાનમાં કોંગ્રેસ કે ભાજપ? જાણો સટ્ટા બજારનો ટ્રેન્ડ

જયપુર- રાજસ્થાનમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓએ તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, જેને લઈને હવે સટ્ટા બજારમાં પણ ભવિષ્યવાણીનો દોર શરુ થઈ ગયો છે. સટ્ટેબાજોનું માનીએ તો, રાજસ્થાનમાં બીજેપી સામે કોંગ્રેસનું પલડું ભારે દેખાઈ રહ્યું છે, અને તેમને લગભગ 128 સીટો મળે તેવી શક્યતા જોવાઈ રહી છે.

સટ્ટા બજાર અનુસાર આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ હોટ ફેવરિટ છે. બીજેપીને માત્ર 54-56 સીટો મળે તેવી શક્યતા છે. સટ્ટેબાજો કોંગ્રેસને 128 થી વધુ સીટો અને બીજેપી 54થી વધુ સીટો પર જીત મેળવશે તેવા ટાર્ગેટ પર સટ્ટો લગાવી રહ્યાં છે.

સટ્ટાબજાર અનુસાર જો કોઈ વ્યક્તિ એમ કહે કે, કોંગ્રેસ 128 અથવા તેનાથી વધારે સીટો નહીં જીતે અને કોંગ્રેસ ચૂંટણીમાં 128થી ઓછી સીટો પર જીત મેળવે તો સટ્ટો લગાવનારને ડબલ પૈસા મળશે. તો બીજી તરફ કોંગ્રેસ 128 કે તેથી વધુ સીટો જીતશે તો સટ્ટાબાજે લગાવેલા તમામ નાણાં હારી જશે. તેવી જ રીતે કોઈ સટ્ટાબાજ એમ કહે કે, ભાજપ 54 સીટો નહીં જીતે અને ચૂંટણીમાં ભાજપ 54 અથવા તો તેનાથી વધુ સીટો પર જીત મેળવે તો તે સટ્ટાબાજ હારી જશે.

જ્યાં સુધી બંન્ને પાર્ટીઓએ તેમના ઉમેદવારોની યાદી જાહેર ન હતી કરી, ત્યાં સુધી સટ્ટા બજારમાં નરમાઈ જોવા મળી રહી હતી, પરંતુ ઉમેદવારોની યાદી જાહેર થયાં બાદ ક્રિકેટથી પણ વધુ વિધાનસભા ચૂંટણી પર સટ્ટો રમાઈ રહ્યો છે. અને ભર શિયાળે સટ્ટા બજાર ગરમ બન્યું છે. સુત્રના જણાવ્યા અનુસાર શરુઆતથી જ રાજસ્થાનમાં કોંગ્રેસ સૌ કોઈની પંસદીદા પાર્ટી બની છે. શરુઆતના તબક્કામાં કોંગ્રેસને 132-134 અને બીજેપીને 50-52 સીટો મળવાની સંભાવના દર્શાવવામાં આવી રહી હતી. પરંતુ ઉમેદવારોની યાદી જાહેર થતાં સટ્ટા બજારના ટ્રેન્ડમાં પરિવર્તન જોવા મળ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]