બાગી 2: રૅમ્બો સરકસ

0
4977

ફિલ્મઃ બાગી 2

કલાકારોઃ ટાઈગર શ્રોફ, દિશા પટની, મનોજ બાજપાઈ

ડિરેક્ટરઃ એહમદ ખાન

અવધિઃ આશરે 145 મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ 1/2

“દિલ ઔર દિમાગ મેં સે હમેશાં દિલ કી સૂનો… ક્યોંકિ દિમાગ કા હોતા દહીં, લેકિન દિલ હોતા હૈ સહી.”… બિચારો હીરો (ટાઈગર શ્રોફ) ઈન્ડિયન આર્મીમાં છે ને એણે છેલ્લાં ચાર વર્ષમાં એક પણ રજા નથી લીધી એટલે દિમાગનું દહીં તો થાય જ… અને પ્રેક્ષકનાં દિમાગનું પણ. ખરેખર, 2016માં આવેલી ‘બાગી’ની સિક્વલ ‘બાગી 2’ જાણે વિવિધ સીનના ટુકડા જોડીને બનાવેલી, બુદ્ધિ-તર્ક વિનાની, નબળા લેખનવાળી ફિલ્મ છે. જરા આ સૅમ્પલ જુઓઃ ગોવાના ડ્રગ્ઝ બિઝનેસનો એક વચેટિયો ઉસ્માન લંગડા (દીપક ડોબ્રિયાલ) હીરોને પહેલી વખતે મળે છે ને સ્વગત બબડે છેઃ ‘લાઈફ મેં બહોત સી ચીઝોં સે ગુઝરા હૈ વો.’ એમ કે? મિયાં, તેરે કૂ કૈસે માલૂમ?

તો, એહમદ મિયાંની ‘બાગી 2’ બની છે 2016માં આવેલી તેલુગુ ફિલ્મ ‘ક્ષણમ’ પરથી, જેમાં એક એનઆરઆઈ ઈન્વેસ્ટમેન્ટ બૅન્કર પોતાની ભૂતપૂર્વ પ્રેમિકાની પાંચ વર્ષની અપહૃત બાળકીને શોધવા હૈદરાબાદ આવે છે… રણબીર પ્રતાપ અથવા રૉની (ટાઈગર શ્રોફ) અને નેહા (દિશા પટની) કૉલેજ ફ્રેન્ડ્સ-કમ-લવર છે, રાધર હતાં. કન્યાના પિતાશ્રીને ઉનકા રિશ્તા મંજૂર ન થા એટલે નેહાનાં લગ્ન ગોવાના બિઝનેસ ટાઈકૂન શેખર (દર્શન કુમાર) સાથે થઈ ગયાં છે, બન્ને લાંબા સમયથી મળ્યાં નથી. એક દિવસ રૉનીને નેહાનો સંદેશો મળે છે કે મને તારી જરૂર છે. મળવા આવ. રૉની ગોવા પહોંચે છે. નેહા કહે છે કે બે મહિના પહેલાં એની બચ્ચી રેહા કિડનૅપ થઈ ગઈ છે, પોલીસ કંઈ કરતી નથી, પતિ સાવ ડિપ્રેસ્ડ છે. કોઈ માનવા તૈયાર નથી કે નેહાને કોઈ દીકરી હતી. ગોવાવાસી એમ જ કીધે રાખે છે કે નેહાનું માનસિક સંતુલન ઠીક નથી. હવે, ભારતીય લશ્કરમાં મેજર એવો બાવડાંબાજ રૉની એકમાત્ર આશરો છે. એ જ રિયાને શોધી શકશે. એ પછી, એક કે બાદ એક એવી ઘટના બને છે કે રૉનીને યકીન થઈ જાય છે કે સાલું, આ લાગે છે એના કરતાં મોટું કાવતરું છે. કેમ કે ડ્રગ્ઝ, ડ્રગિસ્ટના સ્વર્ગ સમા ગોવામાં એને ઈન્ડિયન્સ ઉપરાંત રશિયન-નાઈજિરિયન ચરસના બંધાણી, વેપારી મળે છે.

ખરેખર, ત્રણ જણ (જોજો ખાન-અબ્બાસ હીરાપુરવાલા-નીરજકુમાર મિશ્રા) મળીને લખેલી પટકથામાં મસમોટાં બાકોરાં છે. નેહાના પિતા શા માટે રૉનીનો વિરોધ કરે છે ત્યાંથી લઈને પાંચ વર્ષની બાળકીનું જે કારણસર અપહરણ થાય છે એ તથા ક્લાઈમેક્સમાં ખૂબ બધા લોચા છે. બાકી, ડિરેક્ટર એહમદ ખાન ઘણી બધી હોલિવૂડની ઍક્શન ફિલ્મો જોતા હશે. ખાસ કરીને ‘રૅમ્બો’ સિરીઝ,’ ‘ફર્સ્ટ બ્લડ’ ને એવી બધી. વચ્ચે વચ્ચે એમણે ‘દમ મારો દમ’ ને ‘કમાન્ડો’ સિરીઝની જેવી બોલિવૂડ ફિલ્મ પણ જોઈ હશે, કેમ કે આ બધી ફિલ્મોની ‘બાગી 2’ પર ભારોભાર અસર વરતાય છે. રોહન સિપ્પીની ગોવામાં ઊતરેલી ‘દમ મારો દમ’માં આરડી બર્મનના ક્લાસિક ‘દમ મારો દમ, મિટ જાયે ગમ’નું રિમિક્સ વર્ઝન હતું, અહીં માધુરી દીક્ષિતવાળા ‘એક-દો-તીન’નું, પણ અહીં ન તો જેકલીન ફર્નાન્ડિસ જામે છે, ન એની પર ચિત્રિત થયેલું રિમિક્સ ગીત.

ટાઈગર શ્રોફની આ પહેલી ફિલ્મ છે, જેમાં મનોજ બાજપાઈ (ગોવાનો ડીઆઈજી), રણદીપ હૂડા (સાજિદ નડિયાદવાલાનો ફેવરીટ… જે અહીં પંજાબથી ટ્રાન્સફર થઈને ગોવા આવેલો એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ બન્યો છે)-દીપક ડોબ્રિયાલ-દર્શન કુમાર (અનુષ્કા શર્માવાળી ‘એનએચ ટુ’માં એ વિલન, ઑનર કિલર હોય છે) અને પ્રતીક બબ્બર (ચરસી, ચરસનો વેપારી, નેહાનો દિયર) એના સહકલાકાર છે. આ તમામ સશક્ત, નીવડેલા કલાકારોની હાજરીથી (ખાસ તો મનોજ બાજપાઈ-રણદીપ હૂડા) અને થાઈલૅન્ડના જંગલમાં ભજવાતી ઍક્શનથી પ્રેક્ષકનો થોડોઘણો રસ ફિલ્મમાં જળવાઈ રહે છે. રેટિંગમાં અડધો સ્ટાર પણ એનો જ આપ્યો છે. બાકી….. ટાઈગર-દિશા? ઓફ્ફો નો નો.

(જુઓ ‘બાગી 2’નું ટ્રેલર)