મુંબઈ: સાહિત્ય ભાવકો અને પરિવારે મીનાક્ષી બહેનને સર્જનની વાતોથી આપી અંજલિ

મુંબઈનાં વાર્તાકાર, નિબંધકાર અને વરિષ્ઠ સાહિત્યકાર મીનાક્ષી દીક્ષિતનું 24 એપ્રિલના રોજ અવસાન થયું હતું. મીનાક્ષી બહેનને સાહિત્ય જગત તથા પરિવારે એમનાં સર્જનની વાતોથી અંજલિ આપી હતી. આ અંજલિ કાર્યક્રમમાં મુંબઈના અનેક જાણીતા લેખકો અને સાહિત્યકારો હાજર રહ્યાં હતાં.

લેખિકા મીનાક્ષી દીક્ષિતે ૬૦ વર્ષની ઉંમર બાદ કલમ હાથમાં લીધી હતી. તેઓ મુંબઈના દરેક સાહિત્યિક કાર્યક્રમમાં હાજરી આપતાં. એમના વડીલ બંધુ બકુલ ત્રિપાઠી પણ સાહિત્ય જગતનું મોટા ગજાનું નામ તે છતાં કેટલીક પારિવારિક જવાબદારીઓને કારણે એમનું સર્જનાત્મક લખાણ ઘણું મોડું શરૂ થયું. મુંબઈનાં યુવાન વાર્તાકાર ‘વાર્તા રે વાર્તા’ કે ગદ્યસભાની બેઠકો માટે ભેગાં થાય તો મીનાક્ષી બહેનની મોટે ભાગે હાજરી હોય જ. ઘણી બેઠકો તો ખાસ એમનાં ઘરે યોજાય એવો સ્નેહપૂર્વક એમનો આગ્રહ રહેતો. એમની ઉપલબ્ધિથી સાહિતિક પ્રવૃત્તિ શરૂ રહેતી.મીનાક્ષી બહેનનું બાળપણ કલોલ તથા નડિયાદમાં વીત્યું. સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત સંસ્મરણકથા ‘ અંજની, તને યાદ છે? ‘ માં આ બે સ્થળે વીતાવેલા બાળપણના રસપ્રદ કિસ્સાઓ છે.

ઉપસ્થિત તમામ સાહિત્યમર્મીઓએ રચનાઓની રજૂઆત કરી મીનાક્ષી બહેનને શ્રદ્ધાંજલિ આપી હતી. જાણીતા વાર્તાકાર તથા કવિ સંદીપ ભાટિયાએ મીનાક્ષી બહેનની વાર્તાકળાની માંડીને વાત કરી.એમની વાર્તામાં ક્યાંય નકામો શબ્દ ન આવે એવી ચુસ્ત એમની શૈલી હતી એવું એમણે જણાવ્યું. એમની વખણાયેલી ‘હીંચકો’ વાર્તામાં સ્ત્રીએ પોતાની ઓળખ મેળવવા કેટલું ઝઝૂમવું પડે છે એ મુદ્દા પર સંદીપ ભાટિયાએ આંગળી ચીંધી આપી હતી. એ અગાઉ કવયિત્રી પ્રતિમા પંડ્યાએ ‘હીંચકો’ વાર્તા ભાવકો સમક્ રજૂ કરી હતી.

જાણીતા વાર્તાકાર કિશોર પટેલે મીનાક્ષીબહેનની ‘અજંપો ‘ નામની વાર્તા વિશે રસ‌ પડે એવી રજૂઆત કરી હતી. વાર્તામાં સસ્પેન્સ ઘૂંટીને જકડી રાખે એવી વાર્તા કઈ રીતે બને છે એના ઉપર એમણે પ્રકાશ પાડ્યો હતો. જ્યારે કવિ સંજય પંડ્યાએ જાણીતાં સર્જક વર્ષા અડાલજાના વિધાનને યાદ કર્યું હતું કે લેખિકાએ એક હાથમાં કડછો અને બીજા હાથમાં કલમ પકડીને સર્જન કરવાનું હોય છે. ‘અંજની તને યાદ છે ‘ના રમતિયાળ તથા સંવેદનાસભર પ્રસંગો એમણે ટાંક્યા હતા. કવયિત્રી મીતા ગોર મેવાડાએ સાડા ચાર દાયકાના દીક્ષિત પરિવાર સાથેના સંબંધની વાત કરી પોતાને સાહિત્યમાં આ સ્થાને પહોંચાડનાર મીનાક્ષી બહેનનો ભાવવાહી સ્વરે ઋણસ્વીકાર કર્યો હતો.

કવયિત્રી વાર્તાકાર પ્રીતિ જરીવાલાએ મીનાક્ષી બહેનના ‘લેખિની ‘સાથેના દાયકાઓ જૂના સંબંધની વાત કરી એમના હાસ્યલેખના અંશ રજૂ કર્યા હતા. મીનાક્ષીબહેનનાં પુત્રી મીતા બહેન સાહિત્યમર્મી છે. સાહિત્યના કાર્યક્રમમાં છેલ્લા દસ પંદર વર્ષથી તેઓ મીનાક્ષી બહેનની સાથે જ હોય. એમણે મીનાક્ષીબહેનનાં માતા પિતા તથા નાનાની વાત કરી તથા ધીરુબહેન પટેલ, બકુલ ત્રિપાઠી તથા ડૉ.ગૌતમ પટેલને પણ યાદ કર્યાં. ‘અંજની તને યાદ છે? ‘માંથી કવિ, નાટ્યકાર, અભિનેતા દિલીપ રાવલે કેટલાક ગદ્યખંડની અફલાતુન રજૂઆત કરી હતી. યુવાન વાર્તાકાર સમીરા પત્રાવાલા, કવિ વાર્તાકાર સતીશ વ્યાસ તથા નેહા યાજ્ઞિકે વાચિકમ દ્વારા મીનાક્ષી બહેનના સર્જનનો ભાવકોને પરિચય કરાવ્યો.

જાણીતા નાટ્યલેખક તથા અભિનેતા પ્રણવ ત્રિપાઠીએ બેફામસાહેબના મા વિશેનાં કાવ્યની ભાવસભર રજૂઆત કરી ભાવકોનાં દિલ જીતી લીધાં.મીનાક્ષીબહેનનાં સૌથી નાનાં દીકરી પૂર્વીબહેને કેટલાંક સંસ્મરણોનો ઉલ્લેખ કરી સહુનો આભાર માન્યો હતો. કેટલાક ભક્તિગીત તથા સાહિત્યનાં મુખ્ય પ્રવાહનાં ગીતોની રજૂઆત જાણીતાં ગાયિકા શ્રદ્ધા શ્રીધરાણી તથા દીપેશ ચંદારાણાએ કરી હતી તથા સંચાલન કવિ તથા હાસ્યકલાકાર નીતિન દેસાઈએ કર્યું હતું.મીનાક્ષીબહેનનાં પુત્રી સૌમ્યા દીક્ષિતે આયોજનમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

મીનાક્ષીબહેનનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે. એમાંથી ‘અંજની તને યાદ છે?’ સ્મરણકથાને ગુજરાત સાહિત્ય પરિષદનું શ્રી ભગિની નિવેદિતા પારિતોષિક અને શ્રી તખ્તસિંહજી પરમાર પારિતોષિક મળ્યાં છે. આ સિવાય ‘ઘેર ઘેર લીલા લહેર’ નામે હળવા નિબંધોનો સંગ્રહ અને ‘એક નવો જ વળાંક’ નામે કમલેશ બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓનો અનુવાદ પ્રકાશિત થયા છે. એમની વાર્તા ‘હીંચકો’ અનેક સામયિકોમાં પોંખાઈ છે. એમના નિબંધો, ટૂંકી વાર્તાઓ , અને લલિત લેખો લગભગ દરેક અગ્રણી સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે. જાણીતા લેખક ડૉ.પ્રદીપ સંઘવી, પત્રકાર તથા તંત્રી નીલા સંઘવી, લેખિકા મીનાક્ષી વખારિયા, વાર્તાકાર રાજુ પટેલ, વાર્તાકાર મમતા પટેલ, સ્મિતા શુક્લ તથા પરિવારના મિત્રો અને સાહિત્યના ભાવકો દ્વારા મીનાક્ષી બહેનને અંજલિ આપવામાં આવી.