કેવા હોય આજ્ઞાપથના પથિક?

હમણાં એકાદ દિવસ પહેલાં ઈન્ટરનેશનલ ડે ઓફ ફેમિલી અર્થાત્ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ગયો. એ જ દિવસે મારી પાસે એક હરિભક્ત આવ્યા. મને કહે, “સ્વામી, ગઈ કાલે હું ઑફિસથી થાક્યો પાક્યો રાતે 12 વાગ્યે ઘરે ગયો ત્યારે સૌ સૂઈ ગયેલા, પણ કોલેજમાં ભણતો દીકરો સોનૂ જાગતોતો. એ ટીવી પર ફિલ્મ જોઈ રહ્યો હતો. મેં એને એક ગ્લાસ પાણી લઈ આવવા કહ્યું તો એ કહે, પપ્પા, અત્યારે મારી મૂવીનો ક્લાઈમૅક્સ ચાલી રહ્યો છે. પ્લીઝ, તમે જાતે લઈ લોને હું કંઈ કહું તે પહેલાં એ ફરી કાનમાં હેડફોન લગાવી ટીવીમાં ઘૂસી ગયો. મારે શું કરવું?”

મેં એ હરિભક્તના ખભે હાથ મૂકી મારે એમને જે કહેવાનું હતું તે કહ્યું ને એમણે વિદાય લીધી, આજના આધુનિક રંગમાં રંગાયેલા યુવાનોનાં આવા વાગ્બાણ ઘણાં માવતરે ઝીલ્યાં હશેઃ

“તમે જાતે કરી લો.. મને ટાઈમ નથી. મને નહીં ફાવે…આ કામ મારું છે કે તમારું?”

આજના વડીલો આવા સંવાદ દરરોજ સાંભળે છે અને પ્રત્યુત્તરમાં બસ નિઃસાસો નાખે છે. મહાન આદર્શોથી દૂર આજની આ પેઢીને વચનપાલનનું મહત્વ કોણ સમજાવશે? કોણ કહેશે એમને કે આ એ ભારત ભૂમિ છે. જ્યાં પિતાના એક વચન માટે શ્રી રામચંદ્ર ભગવાને 14 વર્ષનો વનવાસ સ્વીકારી લીધો. આ એ ભારતભૂમિ છે. જ્યાં પિતા ઉદ્દાલકના એક વચને બાળક નચિકેતા યમસદન જવા તૈયાર થઈ ગયો. વળી એકલવ્યે તો ધનુર્વિદ્યાના પ્રાણસમો જમણો અંગૂઠો જ ગુરુવચનની વેદીમાં હોમી દીધો. શું આ લોકોને મનગમતા વિષયો કે પ્રવૃત્તિમાં રોકાઈને આનંદ-મોજ નહીં માણવી હોય?

નિસંદેહ, કોઈના વચનના આધારે પોતાની મનગમતી વસ્તુ કે પ્રવૃત્તિ છોડવી એ અગ્નિપથ પર ચાલવા જેવું કઠણ છે. પરંતુ કહેવાયું છેને કે ઈફ યુ વોન્ટ ટુ ફલાય ઈન ધી સ્કાય, યુ હેવ ટુ લીવ ધી અર્થ ઊંચાઈ પર પહોંચવું હોય તો પછી નીચી વસ્તુનો ત્યાગ અનિવાર્ય છે.

 

આજ્ઞાના અગ્નિપથ પર ચાલવું કંઈ ચીઝ પિઝાની સ્લાઈસ મોંમાં મૂકવા જેવું સહેલું નથી. આ તો ફૂલોની બિછાવેલી પથારી છોડીને આજ્ઞાપથના ધગધગતા અંગારા પર ચાલવાની જેની તૈયારી હોય, કોઈ મહાન બાબત માટે પોતાના ક્ષુલ્લક સ્વાર્થોને હોમવાની તત્પરતા હોય, તો જ તેની ઈતિહાસમાં નોંધ લેવાય છે, કેમ કે જ્યારે હૈયું વિપ્લવની અવસ્થામાં હોય, મન માનતું ન હોય, આંખોમાં સુરક્ષિત ભવિષ્યના સપનાં સળવળતાં હોય ત્યારે વડીલ, ગુરુ કે ઇષ્ટદેવની આજ્ઞામાં ગભરુ પારેવાંની જેમ ઝંપલાવવું એ આ અગ્નિપથિકોની વિશેષતા છે.

આજથી આશરે 110 વર્ષ પહેલાં સારંગપુરમાં સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ ચાલતું હતું. એક વાર સાત દોરડે બાંધેલો દોઢસો મણનો પથ્થર મંદિરના ઘુમ્મટ તરડી રહેલો. અચાનક દોરડાં તૂટ્યાં ને તડાતડ પથ્થર માત્ર એક જ દોરડાના આધારે ૪૦ ફૂટ જેટલી ઊંચાઈ પર લટકી રહ્યો હતો. બી.એ.પી.એસ.ના તત્કાલીન ગુરુ શાસ્ત્રીજી મહારાજને સમાચાર આપવામાં આવ્યા. તેઓ તરત આવી પહોંચ્યા. પળવારમાં પરિસ્થિતિ પામી એમણે ત્યાં ઊભેલા સોમા ભગત નામના પાર્ષદને આજ્ઞા કરી: “ભગત, પથ્થર પર ચડીને દોરડાં બાંધી દો.”

મોત સાથેની રમત રમવા જેવું આ કામ હતું. કુરબાનીનો કસબ બતાવતા હોય તેમ સોમા ભગત મંદિર પર ચડયા અને કૂદ્યા સીધા પથ્થર પર. જોનારાના શ્વાસ થંભી ગયા, નીચે કંપી પરના પથ્થરને દોરડાં ખેંચીને પકડી રાખનારા 20 ભક્તોને જોરથી આંચકો લાગ્યો. શું આ છેલ્લું એક દોરડું પણ તૂટ્યું? પરંતુ સોમા ભગતે ગુરુની આજ્ઞાના બળથી છએ દોરડાં યોગ્ય રીતે બાંધ્યાં અને સડસડાટ નીચે ઊતરી ગયા. ઊંચો અભય હસ્ત કરી ઊભેલા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને આજ્ઞાપથના આ પથિકને સૌ વંદી રહ્યા.

આપણે આ અગ્નિપથિકોની હિમ્મતમાંથી પણ શીખવા જેવું નથી લાગતું?

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)