આમ મળે સમાધાન ને શાંતિ

સમાચાર છે કે વર્તમાન સમયમાં છૂટાછેડા લેનારાં દંપતીના આંકડા વધતા જાય છે. એકલા અમેરિકામાં જ છૂટાછેડાનો સરેરાશ આંક આશરે 50 ટકા છે. તો આખા વિશ્વની શું દશા હશે? પરંતુ સમાજમાં એકલાં પતિ- પત્નીના વિખવાદનો જ પ્રશ્ન નથી. સાસુ અને વહુ વચ્ચેનો અણબનાવ આદિકાળથી ચાલ્યો આવે છે. સંતાન અને માવતર વચ્ચેનો સ્નેહસંબંધ ધીરે ધીરે ઓગળતા જાય છે, વૃદ્ધાશ્રમો ઊભરાતા જાય છે. એટલું જ નહીં. પણ સિનિયર હોમ્સની સંખ્યા પણ વધતી જાય છે. હવે તો ફાઈવસ્ટાર હોટેલને ટક્કર મારે એવાં સિનિયર હોમ્સ બની રહ્યાં છે. ક્યાંક ભાઈ ભાઈ વચ્ચે મોટી ખાઈ સર્જાય છે તો ક્યાંક દેરાણી-જેઠાણી વચ્ચે ખટપટ છે. આમ સંબંધોમાં અસંતોષની ચિનગારી વધતા-ઓછા અંશે દરેકને દઝાડી રહી છે. આ અસંતોષના મૂળમાં ડોકિયું કરતાં દરેકનું હૈયું એક જ વાતની રાડ પાડી રહ્યું છે મને કોઈ સમજતું નથી.

હા, સંબંધોમાં જ્યારે તિરાડ પડે ત્યારે દરેકનો દાવો હોય છે કે હું સાચો જ છું, પણ મને કોઈ સમજતું નથી.

શું આ દાવો સાચો છે?

રામાયણનો એક પ્રસંગ છે. પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ, જાનકી ધીરજપૂર્વક વનવિચરણ કરી રહ્યાં હતાં. એક દિવસ શ્રીરામે દિવ્યદેહે ઊર્મિલાને દર્શન દીધા અને લક્ષ્મણના કુશળ સમાચાર આપતાં તેના (ઊર્મિલાના) વિરલ ત્યાગ બદલ કંઈ માગવા કહ્યું. ત્યારે ઊર્મિલાએ કહ્યું, રઘુવંશની પુત્રવધુ થવાનું મને જે સૌભાગ્ય મળ્યું છે એ શું ઓછું છે? છતાં આપવું જ હોય તો એવું કરજો કે વનવાસ દરમિયાન મારા પતિને મારું સ્મરણ સપનામાં પણ ન આવે. જેથી એમના દ્વારા આપની સેવામાં ખામી ન આવે.

કેવી મહાન માગણી!

પરંતુ એની માગણીની પ્રશંસા કરવા કરતાં એની લાગણીને સમજવી આપણા માટે વધુ આવશ્યક છે, જ્યાં 14 વર્ષ વિનાકારણે છતાં પતિએ પતિવિહોણા રહેવાની ફરિયાદ નહોતી. સાસુ પ્રત્યે ઘૃણા નહોતી. પતિ માટે રોષ નહોતો. પિયર જતા રહેવાની ધમકી નહોતી. કે લક્ષ્મણને પાછા બોલાવી લેવાની રોકકળ નહોતી. મહેલમાં રહીને તપસ્યા કરનારી એ પતિવ્રતાના મનમાં એક જ અભિલાષા હતી. લક્ષ્મણની કર્તવ્યનિષ્ઠામાં આંચ ન આવવી જોઈએ. પોતાની પરિસ્થિતિને રડવા કરતા એણે લક્ષ્મણની પરિસ્થિતિને સમજવામાં શાણપણ માન્યું.

તો સામે લક્ષ્મણ પણ મોટા ભાઈ અને ભાભીની પરિસ્થિતિ સમજ્યા અને સેવક બનીને ચાલી નીકળ્યા. ભગવાન શ્રીરામ પિતાના પરવશપણાને સમજ્યા અને રાજગાદીને ઠોકરે ચડાવી. માતા કૌશલ્યા પણ કૈકેયીની પ્રકૃતિને સમજ્યાં અને પોતાના લાડકવાયા કુંવરના માથે સુવર્ણ મુગટ મૂકવાની જગ્યાએ કાંટાળી કેડીએ પ્રસ્થાન કરવા આશીર્વાદનો અભયહસ્ત મૂક્યો.

-પણ જો આમાંથી કોઈ એકે સ્વકેન્દ્રિત થઈને બળવો પોકાર્યો હોત તો શ્રીરામને યુદ્ધ ખેલવા સાગર વળોટવો ન પડ્યો હોત. અયોધ્યા જ પોતે સમરાંગણ બની લંકાની જેમ બળીને ખાખ થઈ જાત, પરંતુ જ્યારે દરેક વ્યક્તિ બીજાને સમજવા તત્પર હોય ત્યારે હૃદયમાં અને પરિવારમાં કેટલી શાંતિ સ્થપાય છે, તેનું આ ઉદાહરણ છે. કેવળ ઉદાહરણ નહી પણ માનવહૃદયમાં સળગતા પ્રશ્નનો ઉકેલ છે.

કહે છેને કે. ઈટ ઈઝ મોર ઈમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ અધર્સ, ધેન ટુ બી અન્ડરસ્ટુડ. મને કોઈ સમજતું નથી એવો કકળાટ કરવાને બદલે બીજાની લાગણી સમજવી વધારે મહત્વની છે.

1975ના ફેબ્રુઆરીમાં પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ આણંદ શહેરમાં ઘરે ઘરે પધારી રહ્યાં હતા. પોતાના સ્વાસ્થ્ય અને થાકને અવગણી તેઓ દરેક ખોરડા, ઓરડા ધૂમી, શેરીઓ ખૂંદીને બપોરે બે વાગ્યે ભોજન માટે ડાહ્યાભાઈ ગુજ્જરના ઘેર પધાર્યા. હજી તો પાત્રમાં થોડું ભોજન લીધું ત્યાં જ એક ભક્ત આવી ચડયા: ‘સ્વામી મારે ત્યાં પધરામણી રહી ગઈ છે.”

સંતોએ એમને જવાબ આપ્યો: ‘અરે મનુભાઈ, અમે તમારે ત્યાં પધરામણી કરી, ઘરમાં પુષ્પો પણ છાંટ્યાં,

મનુભાઈ કહે: ‘હા, પણ તે વખતે હું ઘરે નહોતો.’

સંતો વધુ કંઈ કહે તે પહેલાં સ્વામીશ્રી મનુભાઈના મનને સમજી ગયા. એમણે જમવાનું પાત્ર બાજુએ ઠેલી મનુભાઈને રાજી કર્યા: ‘ચાલો, તમારા ઘરે,’

હા, ઈટ ઈઝ મોર ઈમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ અધર્સ, ધેન ટુ બી અન્ડરસ્ટુડ: બીજાને સમજવામાં જ સમાધાન છે, શાંતિ છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)