CBSE ધોરણ 12 અર્થશાસ્ત્ર અને ધોરણ 10 ગણિતની પુનઃ પરીક્ષાની તારીખ જાહેર

નવી દિલ્હી– સીબીએસઈના પેપર લીકની ઘટના સામે આવ્યા પછી આજે શુક્રવારે ધોરણ 12ની પુનઃ પરીક્ષાની તારીખની જાહેરાત કરી દીધી છે. ધોરણ 12 અર્થશાસ્ત્રની પરીક્ષા 25 એપ્રિલે લેવાશે, અને ધોરણ 10માં ગણિતની પરીક્ષા દિલ્હી અને હરિયાણામાં લેવાશે. તેમજ ધોરણ 10ની ગણિતની પુનઃપરીક્ષા જુલાઈમાં લેવાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.સ્કુલ એજ્યુકેશન સચિવ અનિલ સ્વરૂપે આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે ધોરણ 10ની પરીક્ષા જુલાઈમાં થઈ શકે છે. પરીક્ષા માત્ર દિલ્હી અને હરિયાણામાં જ થશે. ધોરણ 12 અર્થશાસ્ત્રની પરીક્ષા 25 એપ્રિલે લેવાશે. અત્રે નોંધનીય છે કે સીબીએસઈના પેપર લીકની ઘટના સામે આવતાં સીબીએસઈએ સત્તાવાર રીતે વેબસાઈટ પર નોટિફિકેશન જાહેર કરીને લખ્યું હતું કે આગામી સપ્તાહે નવી તારીખો જાહેર કરશે. જો કે હજી સુધી આ મુદ્દે સીબીએસઈ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી.

અનિલ સ્વરૂપે સ્પષ્ટ કર્યું હતું કે ધોરણ 10ની ગણિતની પરીક્ષાના પેપર લીકની તપાસ ચાલુ છે. આગામી 15 દિવસોમાં તેનો નિર્ણય લેવાશે કે ધોરણ 10 ગણિતની પરીક્ષા ફરીથી કરાવવાની જરૂરિયાત છે કે નહી, અને જો પરીક્ષા ફરીથી લેવાશે તો તે ફકત દિલ્હી અને હરિયાણામાં જ લેવાશે. અને તે પરીક્ષા જુલાઈમાં લેવાશે.