IL and FSનું નાણાંકીય સંકટઃ અનેક પાઠ ભણાવશે?

ભારતની બેંકો નાણાંકીય સંકટમાંથી હજી બહાર નીકળી નથી, તે પહેલા આઈએલ એન્ડ એફએસ ગ્રુપ નાણાંકીય કટોકટીમાં સપડાયાના સમાચાર આવ્યા હતા, અને તે પણ નાનીસુની રકમ નથી. આઈએલ એન્ડ એફએસ ગ્રુપ રૂપિયા 91,000 કરોડના દેવામાં ફસાઈ ગયું છે. જેને પગલે ભારતનુ નાણાકીય બજાર હાલકડોલક થઈ ગયું. અવિશ્વાસના વાતાવરણ વચ્ચે શેરબજાર કડડભૂસ થયું, આઈએલ એન્ડ એફએસ ગ્રુપની સાથે અન્ય ફાઈનાન્સ કંપનીઓના શેરમાં ભારે વેચવાલીથી કડાકો બોલી ગયો હતો. ચારેકોર ભારે ગભરાટ છવાઈ ગયો હતો.

માલ્યા કરતા પણ મોટું સ્કેમ બહાર આવશે, તેવી વાતો વહેતી થઈ… પણ હાલ તો છેલ્લા સમાચાર મુજબ એઈએલ એન્ડ એફએસની એજીએમમાં રાહતના સમાચાર આવ્યા છે, અને રૂપિયા 4500 કરોડના રાઈટ ઈસ્યુને મંજૂરી મળી છે. અને હવે કોઈ વાંધો નહી આવે… પણ હકીકતમાં તેનો ઉપાય આ જ હોઈ શકે… ઈન્ફ્રાસ્ટ્રચર સેકટરને ભંડોળ પુરુ પાડતું આઈએલ એન્ડ એફએસ દેવાના ડુંગર નીચે કેવી રીતે ફસાઈ, તે જાણી અને તપાસ કરવા જેવો વિષય બન્યો છે.

ફાઈનાન્સ કરતી કંપનીઓ અને બેંકોમાં આવી રીતે એનપીએ કે દેવું વધશે તો કોણ ડિપોઝિટ મુકવા આવશે. આઈએલ એન્ડ એફએસ દેવામાં ફસાઈ જે ખરેખર ચિંતાનો વિષય છે, માટે જ આપણે તેનું પોસ્ટમોર્ટમ કરવું જોઈએ. ખરેખર તો ફાઈનાન્સ કંપનીઓ પર દેખરેખ રાખતી આરબીઆઈએ તપાસના ઓર્ડર આપીને ફરજ નિભાવવી જોઈએ. રેટિંગ એજન્સીઓના રેટિંગ પણ ખોટા સાબિત થયા છે. રેટિંગના આધારે રોકાણકારો જે તે કંપનીઓમાં રોકાણ કરતી હોય છે. અને પછી આવું થાય ત્યારે રેટિંગ એજન્સીઓ પરથી વિશ્વાસ ઉઠી જાય છે અને રેટિંગ આપતી એજન્સીઓ પર સવાલો ઉઠે છે.

આઈએલ એન્ડ એફએસ પર 91,000 કરોડનું દેવું છે. તે રોકડની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ સંજોગોમાં તે વીતેલા કેટલાક મહિનાઓથી ઈએમઆઈ ચુકવી શક્યું ન હતું. સોમવારે આ મહિનામાં ત્રીજી વખત કોમર્શિયલ પેપર પર વ્યાજ ચુકવવામાં નિષ્ફળ રહ્યું છે. અને આ મહિને જ ખબર પડી કે આઈએલ એન્ડ એફએસ ગ્રુપ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા(સિડબી)ને રૂપિયા 1000 કરોડ રૂપિયાનું દેવું ચુકવી શકયું ન હતું. જ્યારે તેની એક સહયોગી કંપની પણ 500 કરોડ રૂપિયાની લોન પાછી ન આપી શકી. આઈએલ એન્ડ એફએસ આગામી 6 મહિનામાં 3600 કરોડ રૂપિયાનું દેવું ચુકવવાનું છે.

રોકડ રકમની સમસ્યામાં ફસાયેલી આઈએલ એન્ડ એફએસના સમાચાર બ્લૂમબર્ગ ન્યૂઝ એજન્સીના રીપોર્ટમાં જેમાં સિડબી બેંકના હવાલાથી આવ્યા હતા, અને તેમાં કહેવાયું હતું કે આઈએલ એન્ડ એફએસ વિરુધ્ધ કંપનીએ નેશનલ લૉ ટ્રિબ્યૂનલ(એનસીએલટી)માં ઈન્વોલ્વંસી અરજી ફાઈલ કરી હતી.

ત્યાર પછી કંપનીમાં રાજીનામાનો દોર શરૂ થયો, કંપનીના સીઈઓ રમેશ સી. બાવા અને કેટલાક પ્રમુખ અને બોર્ડના સભ્યો આઈએલ એન્ડ એફએસમાં દેવું ચુકવવામાં નિષ્ફળ રહેતા અને કંપની સંચાલનની મુશ્કેલીઓ વચ્ચે રાજીનામા આપી દીધા હતા. તે ઉપરાંત કંપનીના સ્વતંત્ર ડિરેક્ટરો રેળુ ચાલ્લુ, સુરિન્દર સિંહ કોહલી, શુભલક્ષ્મી પાનસે અને ઉદય વેદની સાથેસાથે ગેરકાર્યકારી ડિરેકટર વૈભવ કપૂરે પણ રાજીનામું આપી દીધું હતું.

જો કે બીજી તરફ નાણાંકીય સંકટમાં ઝઝુમી રહેલી આઈએલ એન્ડ એફએસે દાવો કર્યો છે, કે સત્તાવાળાઓ દ્વારા ફસાયેલા 16,000 કરોડ રૂપિયા સમય મુજબ પ્રમાણે રીલીઝ કરવામાં આવ્યા ન હતા, જેને પગલે જ હાલનું નાણાકીય સંકટ ઉભુ થયું છે. જો કે આ દાવામાં કેટલી સચ્ચાઈ છે, તે તો કંપની મેનેજમેન્ટ જાણે. પણ આઈએલ એન્ડ એફએસ હાલ સંકટમાં છે, અને ફાઈનાન્સિયલ માર્કેટમાં ગભરાટ સાથે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. જો ડિફોલ્ટ થાય તો અન્ય કેટલીય કંપનીઓ પર ગંભીર વિપરીત અસર પડશે.

આઈએલ એન્ડ એફએસના બોર્ડ ઓફ ડિરેક્ટર અને એજીએમમાં નક્કી થયા મુજબ કંપની રૂપિયા 4500 કરોડનો રાઈટ ઈસ્યૂ કરશે, અને એલઆઈસી મોટો હિસ્સો ધરાવે છે, માટે એલઆઈસી રાઈટ ઈસ્યૂ ભરશે, અને કંપનીને કાર્યકારી મૂડી મળશે, જે એજીએમમાં મંજૂરી પણ મળી ગઈ છે. જેથી હાલ આઈએલ એન્ડ એફએસને જીવતદાન મળી ગયું છે, અને નાણાકીય સંકટમાંથી બહાર નીકળવાનો સમય મળ્યો છે.

પણ હવે સવાલ એ છે કે ફાઈનાન્સ કંપનીઓ પર ભરોસો કેટલો કરવો… આઈએલ એન્ડ એફએસના નાણાકીય સંકટ પછી રેગ્યુલેટર્સ 1500 જેટલી નાની મોટી થઈને 1500 જેટલી નોન-બેકિંગ ફાઈનાન્સ કંપનીઓએ કરેલી નવી અરજીની મંજૂરી મુશ્કેલીમાં આવી છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નોન બેકિંગ ફાઈનાન્સ કંપનીઓ માટેના નિયમો કડક કરશે.

અત્યાર સુધીમાં 11,400 નોન બેકિંગ ફાઈનાન્સ કંપનીઓ શંકાના દાયરામાં આવી ગઈ છે. જેમની કુલ બેલેન્સશીટ 22.10 લાખ કરોડ રૂપિયાની છે. જેમના પર કાયદાકીય નિયંત્રણ ખુબ ઓછું છે. પણ વાત એવી છે કે આઈએલ એન્ડ એફએસનું નાણાકીય સંકટ પછી ઉભી થયેલી આર્થિક સ્થિતી અનેક પાઠ ભણાવી જશે. રોકાણકારો પણ સચેત થઈ જશે, અને રેટિંગ એજન્સીઓ પર હવે વિશ્વાસ કોણ મુકશે, અને સાથે ફાઈનાન્સ કંપનીઓમાં રોકાણ ઘટી જશે. રેગ્યુલટરીએ વધુ કડક કાયદા કરીને તમામ ફાઈનાન્સ કંપનીઓ પર આકરા નિયંત્રણો લાદવા જોઈએ.