Cooking Tips

આંબાની ઈન્સ્ટન્ટ બરફી

0

સામગ્રીઃ 2-3 હાફુસ અથવા કેસર કેરી, ½ કપ ખાંડ, 1 ટી.સ્પૂન ઘી, 1 ટે.સ્પૂન દળેલી ખાંડ, ¼ ચમચી એલચી પાવડર

રીતઃ કેરીનો રસ ચારણીમાં ગાળી લો. એક જાડા તળિયાવાળી કઢાઈમાં 1 ટી.સ્પૂન ઘી ગરમ કરી રસને નાખી હલાવતા રહો. રસમાં એક ઉભરો આવે એટલે ખાંડ નાખી હલાવતા રહો. રસ જાડો થઈ જામવા માંડે એટલે ગેસ પરથી ઉતારી લો. આ મિશ્રણ ઠંડું થાય એટલે દળેલી ખાંડ તેમજ એલચી પાવડર નાખી મિક્સ કરી દો. અને એક ઘી ચોપડેલી થાળીમાં એકસરખું પાથરી દો. અને ચોસલા પાડી દો. એક-બે કલાક બાદ બરફી તૈયાર થાય એટલે ડબ્બામાં ભરી લેવી.

ફરાળી માલપૂઆ

0

સામગ્રીઃ  માવો 150 ગ્રામ, શિંગોળાનો લોટ 100 ગ્રામ, સાકર 200 ગ્રામ, દૂધ 1 કપ, પિસ્તા 8-10 નંગ, એલચી પાવડર ½  ચમચી, ઘી તળવા માટે

રીતઃ માવો દૂધમાં નાખીને બ્લેન્ડર અથવા મિક્સીમાં બારીક પીસી લો. હવે એમાં શિંગોળાનો લોટ અને થોડો એલચી પાવડર તેમજ દૂધ ઉમેરીને ખીરૂં તૈયાર કરી લો. આ ખીરૂં અડધો કલાક રહેવા દો.

બીજી બાજુ સાકરની એક તારની ચાસણી બનાવી લો. 1 કપ સાકરમાં ½ કપ પાણી ઉમેરી મિશ્રણ ગરમ કરવા મૂકો. મિશ્રણ ઉકળે એટલે ચમચાથી મિશ્રણનું ટીપું એક ડીશમાં પાડીને ઠંડું થાય એટલે ચેક કરી જુઓ. જો એક તાર નીકળે તો ચાસણી તૈયાર છે. આ ચાસણીમાં બાકી રહેલો એલચી પાવડર ઉમેરીને મિશ્રણને ઠંડું થવા દો.

એક કઢાઈમાં ઘી ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી એક ચમચો મિશ્રણ હળવેથી ઘીમાં રેડીને માલપૂઆને ગોલ્ડન બ્રાઉન થવા દો. ત્યારબાદ ઉથલાવીને બીજી બાજુએથી પણ તળી લો. આ જ રીતે બધાં માલપૂઆ તળીને ઠંડાં થાય એટલે ઠંડી થયેલી ચાસણીમાં ડુબાડીને પ્લેટમાં કાઢી લો. ઉપરથી પિસ્તાની કાતરી ભભરાવી દો.

રોટલી નૂડલ્સ

0

આ રોટલીની વાનગી જમવા માટે કોઈ બાળક ના નહીં પાડે!!

સામગ્રીઃ 5 રાંધેલી રોટલી, 3 ટે.સ્પૂન તેલ, 3 લસણની કળી ઝીણી સમારેલી, 1 કાંદો ઝીણો સમારેલો,  4 ટે.સ્પૂન લીલો કાંદો ઝીણો સમારેલો, ½ કપ ગાજર તેમજ ½ કપ સિમલા મરચું પાતળી સ્લાઈસમાં સુધારેલાં, ½ કપ કોબી પાતળું સુધારેલું, 2 ટે.સ્પૂન ટોમેટો સોસ, 1 ટે.સ્પૂન વિનેગર, 1 ટે.સ્પૂન સોયા સોસ, મીઠું સ્વાદાનુસાર

રીતઃ બધી રોટલીઓને એકબીજા ઉપર ગોઠવીને ટાઈટ રોલ કરો. આ રોલને પાતળી સ્લાઈસમાં કટ કરો. આ સ્લાઈસને છૂટ્ટી પાડીને એકબાજુએ રાખો. એક કઢાઈમાં તેલ ગરમ કરી લસણ તેમજ મરચું સાંતડો. ત્યારબાદ કાંદાની સ્લાઈસ સાંતડો. હવે તેમાં ગાજર, કોબી તેમજ સિમલા મરચાંની સ્લાઈસ ઉમેરીને થોડીવાર સાંતડીને તેમાં ટોમેટો સોસ, વિનેગર, સોયા સોસ તેમજ મીઠું સ્વાદાનુસાર ઉમેરીને મિક્સ કરો. હવે એમાં રોટલીની પાતળી પટ્ટીઓ તેમજ ઝીણા સમારેલાં લીલા કાંદા નાખીને થોડીવાર ગેસ ઉપર ગરમ કરી નીચે ઉતારી લો. અને ગરમાગરમ પીરસો.

ગરમીમાં રાહત આપે કોકમ કઢી (સોલ કઢી)

0

કોકમ કઢી (Kokum Kadhi) મહારાષ્ટ્રીયન રસોઈમાં બનાવાતી વાનગી છે. જે સ્વાદિષ્ટ તો છે જ અને ઉનાળાની સખત ગરમી માટે શીતળ પેય પણ છે. ઉપરાંત શરીર માટે પાચક પણ છે.

નાળિયેરમાંથી દૂધ તૈયાર કરવાની સામગ્રીઃ 1 નાળિયેર ખમણેલું,  ½ કપ પાણી

રીતઃ ખમણેલું નાળિયેર મિક્સીમાં પાણી નાખીને બારીક પીસી લો. આ મિશ્રણને કોટનના બારીક કાપડમાં ગાળી લો. બચેલા નાળિયેરના કૂચામાં ફરીથી થોડું પાણી નાખીને મિક્સીમાં પીસીને ગાળી લો. આ રીતે કોપરાનું દૂધ તૈયાર થશે.

સોલ કઢી બનાવવા માટે સામગ્રીઃ 10-12 કોકમ 1 કપ પાણીમાં પલાળેલાં, 1–1½ કપ કોપરાનું દૂધ, મીઠું સ્વાદાનુસાર, 1 ટે.સ્પૂન કોથમીર ઝીણી સમારેલી
વઘાર માટેઃ 1 ટી.સ્પૂન રાઈ, 1 ટી.સ્પૂન જીરૂં, ચપટી હીંગ, થોડાં કઢી પત્તા, 4-5 લસણ છૂંદેલી, 2-3 સૂકાં કાશ્મીરી લાલ મરચાં, 1½ ટે.સ્પૂન તેલ

સોલ કઢી બનાવવાની રીતઃ કોકમને 1 કપ પાણીમાં અડધો કલાક સુધી પલાળી રાખો. પછી આ પાણી ગાળીને એમાં નાળિયેરનું દૂધ તેમજ મીઠું સ્વાદ પ્રમાણે મિક્સ કરો.

હવે આ કઢીના વઘાર માટે તેલ ગરમ થાય એટલે રાઈ તેમજ જીરૂંનો વઘાર કરો. હીંગ તેમજ કઢીપત્તા નાખી છૂંદેલી લસણ તેમજ કાશ્મીરી મરચાં વઘારમાં નાખો.

કઢીનો વઘાર કરી ગેસ ઉપર કઢીને 1-2 મિનિટ માટે ગરમ કરી નીચે ઉતારી લો. સમારેલી કોથમીર કઢી પર ભભરાવો. આ કઢી ભાત સાથે સારી લાગે છે. અથવા જમ્યા પછી પાચક પીણાં તરીકે લઈ શકાય છે.

જુવારના વડાં

0

સામગ્રીઃ  જુવારનો લોટ 1 કપ, ઘઉંનો લોટ ½ કપ, 2 ટે.સ્પૂન ચણાનો લોટ, 2 ટે.સ્પૂન દહીં, 1 ટી.સ્પૂન મરચાં પાવડર, ½ ટી.સ્પૂન હળદર, 2 ટી.સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ, 2 ટે.સ્પૂન સફેદ તલ, 1 ટી.સ્પૂન મેથીના દાણાં શેકીને બારીક વાટેલાં, ચપટી હિંગ, ચપટી  ખાવાનો સોડા, મીઠું સ્વાદાનુસાર

રીતઃ  ત્રણેય લોટમાં દહીં મિક્સ કરી ડબકાં મૂકી શકાય એટલો જાડો લોટ બનાવો. આ લોટને 4-5 કલાક માટે આથો લાવવા મૂકો. વડાં બનાવતી વખતે બાકીની સામગ્રી મિક્સ કરીને તેલમાં વડાં તળી લો. જુવારના વડાં લીલી ચટણી સાથે પીરસો.

ચટાકેદાર પાલખની પેટીસ

0

સામગ્રીઃ 2-3 મોટા બટેટા, 2 કપ પાલખ, 1 કપ લીલાં વટાણા, 3-4 લીલાં મરચાં ઝીણા સમારેલાં, ½ કપ કોથમીર ઝીણી સમારેલી, 3 ટે.સ્પૂન ચણાનો લોટ, ¼ કપ બ્રેડ ક્રમ્સ, 2 ટે.સ્પૂન આદુ-લસણની પેસ્ટ, ½ ટી.સ્પૂન ગરમ મસાલો, ¼ ટી.સ્પૂન લીંબુનો રસ અથવા આમચૂર પાવડર, ¼ ટી.સ્પૂન ચાટ મસાલો, પેટીસ સાંતડવા માટે તેલ

રીતઃ ચણાના લોટને શેકી લો. પાલખને ધોઈને ઉકળતા પાણીમાં 2 મિનિટ માટે નાખીને કાઢી લો અને ઠંડા પાણીમાં 1 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ સારી કરીને નિતારી લો અને ઝીણી સમારી લો. વટાણા તેમજ બટેટાને બાફી લો. બટેટાને ખમણી લો. એક કઢાઈમાં આદુ-લસણની પેસ્ટ તેમજ લીલાં મરચાં સાંતડી લો અને ગરમ મસાલો થોડો સાંતડી લો. હવે એમાં સમારેલી પાલખ, કોથમીર, બટેટાનું ખમણ, તેમજ કોથમીર અને સ્વાદ મુજબ મીઠું તેમજ મસાલા ઉમેરી દો. ચણાનો લોટ મિક્સ કરીને એમાંથી 1 ટે.સ્પૂન મિશ્રણ લઈને ચપટા ગોળા વાળો. ગોળા ઢીલા હોય તો એમાં બ્રેડ ક્રમ્સ ઉમેરો. બધાં ગોળા વાળી લીધાં બાદ પેનમાં તેલ લઈને સોનેરી રંગના સાંતડી લો. આ પેટીસ ચટણી અથવા ટોમેટો સોસ સાથે પીરસો.

ક્રિસ્પી પોટેટો રોલ

0

સામગ્રીઃ ½ કપ રવો, 2 બટેટા બાફેલા, ¼ કપ દહીં, 2-3 લીલાં મરચાં ઝીણાં સમારેલાં, ½ ટી.સ્પૂન આદુ પેસ્ટ, ½ ટી.સ્પૂન ચાટ મસાલો, ½ ટી.સ્પૂન જીરૂ પાવડર, ½ ટી.સ્પૂન મરી વાટેલાં, ¼ કપ કોર્ન ફ્લોર, મીઠું સ્વાદાનુસાર, ¼ કપ ઝીણી સમારેલી કોથમીર, તેલ તળવા માટે

રીતઃ સહુ પ્રથમ રવો શેકી લો. એમાં દહીં ઉમેરીને 15-20 મિનિટ રવો પલળવા દો. ત્યારબાદ એમાં બાફેલાં બટેટા છુંદીને ઉમેરી દો. તેલ અને કોર્ન ફ્લોર  સિવાયની બાકીની સામગ્રી પણ ઉમેરી દો અને એના લંબગોળ આંગળી જેવા પતલાં રોલ વાળી દો. આ રોલને કોર્ન ફ્લોરમાં રગદોળીને તેલમાં સોનેરી રંગના તળી લો. આ તૈયાર થયેલાં રોલને ટોમેટો સોસ સાથે પીરસો.

ગોળ કેરી

0

સામગ્રીઃ કાચી કેરી 1 કિલો, ગોળ કેરી માટેનો સંભારો 200 ગ્રામ, હળદર 1 ટી. સ્પૂન, ગોળ 1 કિલો, મીઠું 6 ટી.સ્પૂન, વરિયાળી 1 ટે.સ્પૂન, આખા ધાણાં શેકીને અધકચરા વાટેલાં 2 ટે.સ્પૂન,

મસાલા સામગ્રીઃ રાઈના કુરિયા 100 ગ્રામ, મેથીના કુરિયા 100 ગ્રામ, કાશ્મીરી મરચાં પાવડર 300 ગ્રામ, હીંગ 1 ટી. સ્પૂન , તેલ 1 કપ

મસાલા રીતઃ રાઈ તેમજ મેથીના કુરિયાને મિક્સીમાં અધકચરા ક્રશ કરી લો. તેલ ગરમ કરી ઠંડું થયા બાદ એમાં કુરિયા તેમજ બાકીની સામગ્રી મિક્સ કરી લો.

ગોળ કેરીની રીતઃ કેરીને ધોઈને 1 ઈંચના ટુકડામાં કટ કરી લો. એમાં હળદર તેમજ મીઠું મેળવીને 5-6 કલાક રહેવા દો. ત્યારબાદ એમાંનું પાણી કાઢીને કેરીને કપડા પર કોરી કરી દો. બહુ વધારે સૂકી ના કરવી. ત્યારબાદ એક તપેલીમાં કેરી લઈ એમાં ઝીણો સમારેલો ગોળ, શેકીને અધકચરા વાટેલાં ધાણાં, વરિયાળી, મસાલો તેમજ તેલ ઉમેરીને ચમચા વડે હળવેથી મિક્સ કરી લો. તપેલીને કોટન કાપડથી ઢાંકીને દોરીથી બાંધી લો. આ તપેલીને 6-8 દિવસ સુધી તડકામાં મૂકો. અને રોજ દિવસમાં બે વાર ચમચાથી અથાણાંને હલાવી મિક્સ કરો અને ફરીથી કાપડ બાંધી દો. ગોળ ઓગળે એટલે એર ટાઈટ જારમાં અથાણું ભરી લો.

રીંગણના મનભાવન ક્રિસ્પી ભજીયા

0

સામગ્રીઃ એક મોટું રીંગણ (ઓળા માટેનું), 4-5 લાલ મરચાં (લીલાં લેવા હોય તો લઈ શકો છો), 3-4 કળી લસણ, 1 કપ ચણાનો લોટ, ½ કપ ચોખાનો લોટ, 1 ટે.સ્પૂન લીંબુનો રસ, ¼  ટી.સ્પૂન હળદર, ¼  ટી.સ્પૂન અજમો, 1 ચપટી હીંગ, મીઠું સ્વાદાનુસાર, તળવા માટે તેલ

રીતઃ મરચાં, મીઠું, લીંબુનો રસ, લસણમાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો. ચણાના લોટમાં ચોખાનો લોટ તેમજ હીંગ, અજમો અને મીઠું ઉમેરીને ખીરૂં બનાવી લો. હવે રીંગણને ધોઈને એની પાતળી ગોળ સ્લાઈસ કટ કરી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો. રીંગણની એક સ્લાઈસ લઈ, તેની ઉપર મરચાંની પેસ્ટ ચોપડી લો અને એની ઉપર રીંગણની બીજી સ્લાઈસ મૂકી દો. આ સ્લાઈસ ખીરામાં બોળીને ગરમ તેલમાં તળી લો. એ જ રીતે બાકી રીંગણની સ્લાઈસ પણ રેડી કરીને તળી લો.

રીંગણના આ ક્રિસ્પી ભજીયા સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.

આઈસ હલવો

0

સામગ્રીઃ ¼ કપ કોર્ન ફ્લોર, 1 કપ સાકર, 1½ કપ દૂધ, ¼ કપ ઘી, ¼ ચમચી એલચી પાવડર, રોઝ એસેન્સ થોડાં ટીપાં, ફુડ કલર એક ચપટી જેટલો, બદામ-પિસ્તાની કાતરી ¼ કપ

રીતઃ દૂધ, સાકર, કોર્ન ફ્લોર તેમજ ઘી ગઠ્ઠાં ના રહે એ રીતે મિક્સ કરીને એક કઢાઈમાં મધ્યમ આંચે ગરમ કરવા મૂકો. અને એક ઝારા વડે એકસરખું હલાવતા રહો. મિશ્રણ પેસ્ટ જેવું ઘટ્ટ તેમજ લીસું થાય એટલે એમાં એલચી પાવડર, રોઝ એસેન્સ તેમજ કલર ઉમેરીને મિક્સ કરી લો. જો મિશ્રણ લીસું ન હોય તો એમાં થોડું વધુ ઘી ઉમેરો.

ઘટ્ટ થયેલું મિશ્રણ ઘી ચોપડેલા બટર પેપર પર પાથરી દો. એના ઉપર બીજું બટર પેપર મૂકી એક વેલણ વડે પાતળી શીટ જેવું વણી લો. હવે ઉપરનું બટર પેપર કાઢી લો તેમજ તેના ઉપર બદામ-પિસ્તાની કાતરી પાથરી દો. આ મિશ્રણ ઠંડું કરીને જમાવવા માટે 2 કલાક માટે રહેવા દો અથવા ફ્રીજમાં 15 મિનિટ માટે મૂકી દો. મિશ્રણ જામે એટલે એના 3-4 ઈંચના ચોરસ ટુકડા (બટર પેપર સાથે જ) કરી લો. આ હલવો ફ્રીજમાં એક અઠવાડિયા સુધી સારો રહે છે.

WAH BHAI WAH