ખાખરા ચાટ

હળવી, ચટપટી તેમજ જલ્દી તૈયાર થતી ડીશ એટલે ખાખરા ચાટ! ડાયેટ વાનગી તરીકે પણ આ ડીશ હેલ્ધી તેમજ સ્વાદિષ્ટ રહેશે!

સામગ્રીઃ

  • ખાખરા 15-16
  • ઝીણાં સમારેલા ટામેટાં ½ કપ
  • ટોમેટો પ્યુરી ½ કપ
  • ઝીણાં સમારેલા કાંદા ½ કપ
  • પનીર ક્યુબ્સ ¼ કપ
  • બાફેલા મકાઈના દાણા ¼ કપ
  • બાફેલા લીલા વટાણા ¼ કપ
  • લાલ મરચાં પાવડર ½ ટી.સ્પૂન
  • લસણ બારીક સમારેલું 1 ટી.સ્પૂન
  • 3-4 લીલાં મરચાં ઝીણાં સમારેલાં
  • ઓરેગેનો પાવડર ½ ટી.સ્પૂન
  • તેલ 2 ટે.સ્પૂન
  • ગાર્નિશ કરવા માટે ધોઈને ઝીણી સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન, ઝીણી સેવ તેમજ દાડમના દાણા ½ કપ

રીતઃ દરેક ખાખરાને ચાર ટુકડામાં તોડી લો.

એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલો કાંદો, લસણ, લીલાં મરચાંને 1-2 મિનિટ માટે ગેસની મધ્યમ આંચે સાંતડો. ત્યારબાદ તેમાં ટોમેટો પલ્પ ઉમેરીને 2 મિનિટ સાંતડો.

હવે તેમાં સુધારેલા ટામેટાં, બાફેલા લીલા વટાણા, મકાઈના દાણા, પનીરના ટુકડા તેમજ લાલ મરચાં પાવડર તથા ઓરેગેનો પાઉડર પણ મેળવી દો. મધ્યમ આંચે 2 મિનિટ થવા દો. દરમિયાન ચમચા વડે મિશ્રણ હલાવતા  રહો. 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરીને મિશ્રણ ઉતારી લો.

એક પ્લેટમાં ખાખરાના ટુકડા ગોઠવીને મિશ્રણ ઉપર ચમચા વડે પાથરીને ઉપર કોથમીર ભભરાવી દો. ખાખરા ચાટ તૈયાર છે.