ફ્લાવરનું સૂકું શાક

ઘણીવાર ટીફીન માટે ગૃહીણી ગડમથલમાં રહે છે કે ફ્લાવરનું શાક સૂકું, છૂટું અને સ્વાદીષ્ટ કઈ રીતે બને. આજે એ માટે થોડી ટીપ્સનો સમાવેશ છે અને એ રીતથી આ શાક સરળતાથી ઝટપટ બની પણ જાય છે. આમ પણ ફ્લાવરનું શાક જેમને ભાવતું હોય તેમને બને તેટલું શાકમાં ફ્લાવરના ટુકડા આખા રહે અને સ્વાદિષ્ટ પણ લાગે તેવું જોઈતું હોય છે.

સામગ્રીઃ

  • ફ્લાવર 250 ગ્રામ
  • બટેટું 1
  • કાંદો 1 (optional)
  • રાઈ 1 ટી.સ્પૂન
  • તેલ 2 ટે.સ્પૂન
  • હીંગ 2-3 ચપટી
  • આદુ 1 ઈંચ
  • લીલા મરચાં 2
  • લાલ મરચાં પાવડર 1 ટી.સ્પૂન
  • હળદર પાવડર ¼ ટી.સ્પૂન,
  • ટામેટું 1

રીતઃ ફ્લાવરના નાના ટુકડા કરી લો. એક મોટા વાસણમાં પાણીમાં થોડું મીઠું નાખીને ગરમ કરવા મૂકો. તેમાં 3-4 મિનિટ માટે ફ્લાવરના ટુકડા નાખો જેથી તે ચોખ્ખું થઈ જાય. થોડીવાર રાખીને ફ્લાવર એક થાળીમાં કાઢી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ તતડાવો. ત્યારબાદ તેમાં આદુના ઝીણા ટુકડા તેમજ મરચાંના 2-3 ટુકડા કરી અથવા ખમણીને તેલમાં 1 મિનિટ માટે સાંતડો. (કાંદા ખાતા હોવ તો કાંદો ઝીણો સમારીને સાંતડવો). ગેસની આંચ મધ્યમ રાખવી. હવે તેમાં બટેટાના ટુકડા નાખીને 2-3 મિનિટ થવા દઈ, તેમાં ફ્લાવરના ટુકડા નાખીને સાંતડો. હવે તેમાં હળદર પાવડર તેમજ લાલ મરચાં પાવડર નાખો, ગરમ મસાલો પણ નાખી દો. ટામેટાંના મધ્યમ આકારના ટુકડા કરીને તેમાં નાખો તેમજ મીઠું પણ ઉમેરો. સાથે કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને નાખો તેમજ કોથમીર ઝીણી સુધારેલી પણ ઉમેરી દો. હવે ગેસની આંચ ધીમી કરીને ઢાંકણ ઢાંકીને ફ્લાવરને 2-3 મિનિટ સુધી ચઢવા દો. વચ્ચે વચ્ચે તવેથા વડે શાક મિક્સ કરી લો. ફરીથી 2 મિનિટ રાખીને શાક ચઢી ગયું હોય તો ગેસ બંધ કરી દો. પણ ત્યારબાદ પણ ઢાંકણ રાખીને ગરમ રહેલાં શાકને તેમાં જ થોડું વધુ ચઢવા દો.

આ શાક ગરમાગરમ ઘી લગાડેલી ફુલકા રોટલી સાથે પીરસો.