ઈન્સ્ટન્ટ ખમણ સાથે દેશી ચટણી

ઈન્સ્ટન્ટ ખમણ સાથે દેશી ચટણી ગામ તરફની પારંપરિક રીત પ્રમાણે બનાવશો તો ખમણનો સ્વાદ તો બમણો થઈ જશે. ઉપરાંત રસોઈની આપણી પરંપરા પણ જળવાઈ રહેશે અને બાળકો પણ પિઝા, બર્ગરનો સ્વાદ છોડીને ઘરની રસોઈ ખાતાં થઈ જશે!

સામગ્રીઃ

 • મોગર દાળ 500 ગ્રામ
 • લીંબુનો રસ 7 ટે.સ્પૂન અથવા ખાટી છાશ 1 કપ
 • 8-10 લીલા મરચાં
 • મીઠું સ્વાદ મુજબ
 • હળદર ½ ટી.સ્પૂન
 • ઈનો પાવડર 2 ટી.સ્પૂન
 • લીલા નાળિયેરનું ખમણ 2 કપ

ચટણી માટેઃ

 • 7-8 લીલાં મરચાં
 • લીલા નાળિયેરના ટુકડા 1 કપ
 • કાકડી અડધી
 • લીંબુનો રસ 2
 • 8-10 લીલા મરચાંના ટુકડા
 • એક કાચું લીલું ટામેટું

રીતઃ મોગર દાળને 2-3 પાણીએથી ધોઈને પાણીમાં પલાળી રાખવી. ત્યારબાદ એ પાણી કાઢીને ફરીથી 2 પાણીએથી ધોઈને તેને મિક્સીમાં બારીક પીસી લેવી. હવે તેમાં 5 ટે.સ્પૂન લીંબુનો રસ નાખો અને લીલા મરચાંને ઝીણાં સમારીને નાખો. હળદર નાખીને મીઠું પણ સ્વાદ મુજબ ઉમેરીને 5 મિનિટ માટે ઢાંકી રાખો.

ઢોકળા બાફવાના વાસણમાં પાણી ઉકાળવા મૂકી દો. પાણી ઉકળવા માંડે એટલે ખમણના ખીરામાં 2 ટી.સ્પૂન ઈનો પાઉડર નાખી તેની ઉપર 2 ટી.સ્પૂન લીંબુનો રસ નાખીને મિશ્રણને એકસરખું 1 મિનિટ માટે હલાવીને તેલ ચોપડેલી થાળીમાં રેડી દો. આ થાળી બાફવા માટે મૂકીને વાસણ ઢાંકી દો. 25 મિનિટ બાદ ચપ્પૂથી તપાસી જુઓ, જો ચપ્પૂ ચોખ્ખું બહારી નીકળી આવે એટલે કે, ચપ્પૂ પર ખમણનું ખીરું ચોંટ્યું ના હોય તો ખમણ તૈયાર છે. ખમણની થાળી નીચે ઉતારી લો. 2 મિનિટ બાદ ખમણના ચપ્પૂ વડે ચોરસ ટુકડા કટ કરી લો.

એક વઘારિયામાં 3 ટે.સ્પૂન તેલ ગરમ કરી 2 ટી.સ્પૂન રાઈ તતડાવો. આ વઘાર ખમણની થાળી પર રેડીને તવેથા વડે ફેલાવી દો. ત્યારબાદ વઘારિયામાં ફરીથી 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી લીલાં મરચાંના 2-2 ટુકડા કરી તે તેલમાં સાંતડી લો. મરચાં પર થોડું મીઠું તેમજ હળદર છાંટીને મિક્સ કરી લો. ખમણ ઉપર નાળિયેરનું ખમણ પણ ભભરાવી દો.

ચટણી માટે કોથમીર ધોઈને મોટા ટુકડામાં સમારીને મિક્સીમાં ઉમેરો, તેમાં કાકડીના ટુકડા લીંબુનો રસ, લીલાં નાળિયેરના ટુકડા, લીલાં મરચાના ટુકડા પણ ઉમેરો. કાચાં ટમેટાંના ટુકડા તેમજ થોડા રાંધેલાં ખમણના 4-5 ટુકડા મેળવીને, સ્વાદ મુજબ મીઠું ઉમેરી થોડું પાણી નાખીને ચટણી પીસી લો.

ખમણ પીરસતી વખતે થાળીમાં ચટણી તેમજ તેલમાં સાંતડેલા લીલાં મરચાંના ટુકડા પણ મૂકવા.