નિયમિત યોગ માટે આહાર-વિહારનું મહત્વ…

“જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા બિલકુલ આહાર લેતો નથી, અતિશય ઊંઘે છે–કે પૂરતી ઊંઘ લેતો નથી,તેનામાં યોગી થવાની શક્યતા નથી. ”શ્રીમદ ભગવદગીતાજીના અધ્યાય છઠ્ઠા 16માં શ્લોકમાં આ રીતે સ્પષ્ટપણે સમજાવ્યું છે.

જે નિયમિત યોગ કરતા હોય એમને જીવનમાં આહાર-વિહારનું ધ્યાન રાખવું જોઈએ. યોગ એ માત્ર શરીર પર કામ નથી કરતો, મન પર પણ એટલી જ અસર થાય છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, શ્વાસ અને આસન સાથે આહાર વિહારથી સમતોલન જાળવી શકો છો. શરીરમાં થતાં હોર્મોન્સના અસંતુલનને સમતોલ કરવા માટે યોગ એ મોટો ભાગ ભજવે છે.

હવે અહીં અમુક પ્રેક્ટીકલ ઉદાહરણો જોઈએ. મારી પાસે યોગ કરવા આવતા ઘણા લોકો પૂરતી ઉંઘ ન લેતા હોય એટલે કોઈ મોડે સુધી મોબાઇલમાં સમય પસાર કરે, તો કોઈને ઊંઘ જ ન આવે અને સવારે યોગ કરવા આવે તો શરીર અને મનને જે ફાયદો થવો જોઈએ તે ન મળે. જો અનિદ્રા હોય તો એના માટે અમુક ખાસ આસનો છે જે કરવામાં આવે તો ચોક્કસ અનિદ્રાની તકલીફ દૂર કરી શકાય છે. પૂરતી ઊંઘ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જેમ સ્વાસ્થ્ય માટે પાણી અને હવા જરૂરી છે એટલી જ જરૂરી છે પૂરતી ઊંઘ.

પૂરતી ઊંઘ ન મળે તો સ્વભાવ ચીડિયો થઈ જાય, કોઈ નવા કામના વિચાર આવતા નથી, ક્રિએટિવિટીનો તો સવાલ જ ઉભો થતો નથી. કારણ કે રૂટીન કામમાં જ કંટાળો આવ્યા કરે, જાત પર ગુસ્સો આવ્યા કરે, પરંતુ જો ઊંઘ પૂરતી હોય તો જીવન મધુર લાગે, સ્વભાવ પ્રેમાળ થાય, જાત સાથે કે બીજા સાથે કોઈ ફરિયાદ ના હોય, નવા નવા વિચાર આવે ને કામમાં સારી રીતે આગળ વધી શકાય. એટલે જ આયંગર યોગમાં વજન સાથે સવાસન, સુપ્ત બધ્ધકોણાસન વજન કે ટેકા સાથે મકરાસન કરાવવામાં આવે છે.

હવે વાત કરીએ આહારની અને ઉપવાસની તો આહાર કેવો લેવો જોઈએ? આહાર ક્યારે લેવો જોઈએ? આહાર કેવી રીતે લો છો? એની અસર શરીર અને મન ઉપર જુદી જુદી અસર થાય છે. આહાર કેવો લેવો જોઈએ તો એના જવાબમાં શરીર એટલે કે તમારા શરીરની પ્રકૃતિ પ્રમાણે લેવો જોઈએ. આહાર ક્યારે લાવવો જોઈએ તો એના જવાબમાં તમને જ્યારે સાચી ભૂખ લાગે ત્યારે લેવો જોઈએ,પરંતુ સંધ્યાકાળ પછી આહાર ન લો તો હિતાવહ છે. આહાર કેવી રીતે લેવો જોઈએ એના માટે જવાબમાં બહુ જ ચાવીને, એક સ્થાન પર બેસીને આહાર લેવો જોઈએ. ફરતા ફરતા કે દર અડધો કલાકે થોડું થોડું ખાવું ન જોઈએ.

યોગસૂત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પેટ ભરીને જમ્યા પછી યોગાસન,પ્રાણાયામ, ધ્યાન,શુદ્ધિકરણની ક્રિયાઓ ન થાય. સાથે સાથે કલાકોના કલાકો સુધી ખાલી પેટ હોય, ઉપવાસ કરતા હોય, શરીર કથળી ગયું હોય, શરીરમાં અશક્તિ લાગતી હોય, તો ચોક્કસ યોગાસન ન કરવા જોઈએ. હા જો તમને ભૂખ ન લાગતી હોય તો એના અમુક ખાસ આસનો છે જો એ કરો તો પાચનશક્તિ નબળી પડી ગઈ છે – તો આ આસન જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. ભૂખ જ નથી લાગતી,પેટ ભારે લાગ્યા કરે છે,બેચેની લાગ્યા કરતી હોય તો યોગમાં એના માટે ખાસ આસનો છે. જો એ કરીએ તો સાચી ભૂખ ઉઘડે છે અને સાચી ભૂખ લાગે અને જો ખોરાક લો તો એમાંથી લોહી બને છે, શક્તિ વધે છે, સ્ફૂર્તિ વધે છે, અશક્તિ દુર થાય છે. આ બધામાં ખાસ પદ્ધતિથી કરવામાં આવતા યોગ ખૂબ અસરકારક નીવડે છે. સાધનો સાથે થતાં યોગમાં ફાયદો એ છે કે બધી ઉંમરના લોકો કરી શકે છે અને જે તે આસનમાં વધારે વાર રોકાઈ શકો છો.

શીર્ષાસનની વાત કરીએ તો આદરણીય યોગાચાર્ય શ્રી બી.કે.એસ આયંગરજીએ એટલા સરસ સંશોધનો કરીને સાધન બનાવ્યા છે. જેમ કે શીર્ષાસન જેમાં માથું નીચે અડતું નથી, ખભા અને ડોક પર શરીરનો ભાર આવતો નથી. શરીર એવી રીતે દોરડા પર લોક થઈ જાય છે કે પડવાનો ડર જ નથી રહેતો. અને હવે જો ફાયદાની વાત કરું તો લોહીનું પરિભ્રમણ એટલું સરસ થાય છે કે હાઈ-બીપી વાળા પણ દોરડા પર શાસન કરી શકે છે. સ્ટેમિના વધે છે અને અનિંદરાની તકલીફ ઘટે છે. હૃદયના ધબકારા અચાનક વધી જતાં હોય તો એ ઘટે છે. ફેફસાની કાર્યક્ષમતામાં વધારો થાય છે. પિચ્યુટરી અને પીનીઅલ ગ્લેન્ડ જે મગજમાં આવેલી છે તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

જેનું હિમોગ્લોબીન ઓછું રહેતું હોય તેમણે નિયમિત શીર્ષાસન કરવાથી હિમોગ્લોબિન વધારી શકાય છે. ગળામાં કાકડા, શરદી, કફની તકલીફમાં પણ સુધારો થાય છે. માત્ર ધ્યાન એટલું રાખવાનું કે જ્યારે શરદી થઇ હોય ત્યારે શીર્ષાસન ન કરવું.  શરીરમાં આવેલા પાંચ વાયુ અપાન, પ્રાણ, સમાન, ઉદાન, અને વ્યાન આ બધાનું સંતુલન સરસ રીતે થાય છે. કબજિયાત ઓછી થાય છે. શરીર હળવું ફૂલ થઇ જાય છે અને મનને સારો આરામ મળે છે,રિલેક્સ થાય છે.

હવે જો એક આસનના આટલા બધા ફાયદા હોય તો દોરડા પર કેમ શીર્ષાસન ના કરવું જોઇએ? જેમને હાઇ બી.પી. રહે છે તેમને જમીન પર શીર્ષાસન કરવું હિતાવહ નથી. શરૂઆતમાં કોઈ નિષ્ણાંતની દેખરેખ હેઠળ શીર્ષાસનનો પ્રયત્ન કરવો જોઈએ. શરીરની પ્રકૃતિ સમજીને ઉપયોગ કરવામાં આવે તો શરીર અને મન સ્વસ્થ રહે છે. આ વર્ષમાં તમે તન અને મનથી સ્વસ્થ રહો એવી શુભકામના સાથે સાલમુબારક.

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)