ઘઉંના લોટના ક્રિસ્પી રોલ

સમોસા, કચોરી અને પકોડીનો સ્વાદ ફક્ત એક જ વાનગીમાં મળી જાય એવી આ સ્વાદિષ્ટ વાનગી બાળકો માટે તો વેરાયટી બની રહેશે! તો વાંચી લો આપેલી રીત!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 1 કપ
  • રવો 2  ટે.સ્પૂન
  • મીઠું ½ ટી.સ્પૂન અથવા સ્વાદાનુસાર
  • અધકચરા વાટેલાં લાલ મરચાં 1 ટી.સ્પૂન (અથવા ચિલી ફ્લેક્સ)
  • તેલ મોણ માટે 2  ટે.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • ટોમેટો કેચઅપ
  • લીલી ચટણી

પૂરણ માટેઃ

  • બાફેલા બટેટા 2
  • લીલા મરચાં 2
  • મરચાં પાવડર 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • શેકેલા જીરાનો પાવડર ½ ટી.સ્પૂન, ચાટ મસાલો ½ ટી.સ્પૂન

રીતઃ લોટમાં આપેલી બધી વસ્તુઓ મેળવી લો. આ લોટમાંથી 2-3  ટે.સ્પૂન લોટ એક વાટકીમાં એક બાજુએ કાઢી રાખો.

લોટના મિશ્રણમાં થોડું થોડું પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લો. આ લોટને થોડીવાર માટે ઢાંકીને મૂકી રાખો.

બાફેલા બટેટા છીણી લો અથવા એનો બારીક છૂંદો કરી લો. તેમાં લીલા મરચાં, કોથમીર સુધારીને બાકીના મસાલા મેળવી દો. મીઠું થોડું જ મેળવો. કારણ કે, ચાટ મસાલામાં પણ મીઠું હોય છે.

બાંધેલા લોટમાં ફરીથી 1 ટી.સ્પૂન તેલનું મોણ દઈ લોટ કુણી લો. એમાંથી મોટો લૂવો લઈ તેનો જાડો રોટલો વણી લો. હવે રોટલા પર બટેટાનું પૂરણ ચમચી વડે ચારેકોર ફેલાવીને એક લેયર બનાવી લો. તેની ઉપર ટોમેટો કેચઅપ તેમજ લીલી ચટણી પણ ફેલાવીને ચમચી વડે લગાડી લો.

હવે રોટલાનો રોલ વાળો અને સહેજ દબાવીને ચપટો બનાવી દો. આ રોલના ચપ્પૂ વડે કટકા કરી લો. દરેક પીસને હાથમાં લઈ ચપટા કરી લો. જેથી તે ફ્રાય કરતી વખતે કાચા ન રહે.

શરૂમાં લોટના મિશ્રણમાંથી 2 ટે.સ્પૂન લોટ એક વાટકીમાં કાઢી રાખ્યો હતો. તેમાં પાણી મેળવીને પાતળું ખીરું બનાવી લો. તેમાં થોડો હળદર પાવડર મેળવી લો. એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એક એક રોલને ચમચીમાં લઈ ખીરામાં ડુબાડીને, નિતારીને ફ્રાઈપેનમાં ગોઠવી દો. એકબાજુ સોનેરી રંગની થાય એટલે ફેરવીને બીજીબાજુ પણ સોનેરી રંગની તળી લો. ગેસની આંચ ધીમી-મધ્યમ રાખવી.

આ રોલ ટોમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે પીરસો.