વિસ્તારા ફ્લાઈટમાં પ્રવાસીએ ફોન પર ‘હાઈજેક’ શબ્દ ઉચ્ચાર્યો; પોલીસ આવીને પકડી ગઈ

મુંબઈઃ વિસ્તારા એરલાઈનની મુંબઈ-દિલ્હી ફ્લાઈટ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક-ઓફ્ફ કરે એની થોડી જ વાર અગાઉ 23 વર્ષનો એક પ્રવાસી યુવક એના ફોન પર કોઈકની સાથે વાત કરતો હતો. એમાં તેણે ‘હાઈજેક પ્લાન’ શબ્દો ઉચ્ચાર્યા જે વિમાનનાં ક્રૂ સભ્યોનાં કાને પડ્યાં. એમણે તરત જ પાઈલટને જાણ કરી હતી. પાઈલટે તરત જ પોલીસ સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી. પોલીસો તાબડતોબ વિમાનમાં આવી પહોંચ્યા હતા અને તે યુવકની ધરપકડ કરી હતી. તે યુવક હરિયાણાનો વતની છે.

આ ઘટના ગુરુવારે સાંજે લગભગ 6.30 વાગ્યે બની હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસોએ તરત જ આવીને તે યુવકને વિમાનમાંથી નીચે ઉતાર્યો હતો અને પૂછપરછ માટે સુરક્ષા વિભાગને હવાલે કરી દીધો હતો. ત્યારબાદ વિમાનની વ્યાપક રીતે ચકાસણી કરવામાં આવી હતી અને સત્તાવાળાઓએ મંજૂરી આપ્યા બાદ બાકીના પ્રવાસીઓ સાથે વિમાનને દિલ્હી માટે રવાના કરવામાં આવ્યું હતું.