કોલ્હાપુરમાં પત્ની, પુત્રની હત્યા કર્યા બાદ ઉદ્યોગપતિએ આત્મહત્યા કરી

કોલ્હાપુરઃ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના ગડહિંગ્લજ શહેર-તાલુકાના અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને અર્જુન ગ્રુપના વડા સંતોષ શિંદે (46)એ શુક્રવારે રાતે એમની પત્ની તેજસ્વિની (36) અને પુત્ર અર્જુન (14) સાથે જીવન ટૂંકાવી દીધાનો આંચકાજનક બનાવ બન્યો છે. પોલીસના જણાવ્યાનુસાર, સંતોષ શિંદેએ ગઈ કાલે રાતે ગડહિંગ્લજ નગર સ્થિત એમના નિવાસસ્થાને પહેલાં એમના પત્ની અને પુત્રનું ગળું ચીરીને હત્યા કરી હતી અને ત્યારબાદ ગળું ચીરીને પોતાનું જીવન પણ ટૂંકાવી દીધું હતું. ત્રણેયના મૃતદેહ એમના બેડરૂમમાંથી મળી આવ્યા હતા. બેડરૂમમાંથી ઝેરની બાટલી અને સુસાઈડ નોટ મળી આવી હતી. માહિતી અનુસાર, સંતોષ શિંદેને બળાત્કારના એક કેસમાં ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એને કારણે તેઓ છેલ્લા અમુક દિવસોથી માનસિક તાણ હેઠળ હતા અને તેને કારણે જ એમણે પરિવારસહ જીવન ટૂંકાવી દેવાનું અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે.

પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે. એમાં શું લખ્યું છે તે પોલીસે હજી જાહેર કર્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, તે નોટમાં એ મહિલાનું નામ છે જેણે સંતોષ શિંદે અને એમના સાથી વિરુદ્ધ પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. તે કેસના સંબંધમાં શિંદેની ધરપકડ કરવામાં આવી હતી અને એક મહિનો એમણે જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. આત્મહત્યાની ઘટનાને કારણે ગડહિંગ્લજ તાલુકામાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે કોરોના કાળમાં સંતોષ શિંદેએ ઘણું સામાજિક કાર્ય કર્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, સંતોષ શિંદે શુક્રવારે રાતે એમના ઘરમાં જ હતા. એમના બેડરૂમનો દરવાજો અંદરથી બંધ હતો. આજે સવારે એમણે દરવાજો ઉઘાડ્યો નહોતો. તેથી એમના માતાએ હાંક મારી હતી. તે છતાં અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. તેથી ગભરાઈને એમના માતાએ પડોશીને જાણ કરી હતી અને દરવાજો તોડીને અંદર ગયા હતા. ત્યાં એમણે બેડરૂમમાં ત્રણેયના મૃતદેહ પડેલા જોયા હતા. મૃતદેહો પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી હતી.