સાબુદાણાની કટલેસ

સાબુદાણા વડા સાંભળીને સહુ કોઈના મોંઢામાં પાણી આવી જાય! સાબુદાણાની કટલેસ પણ સ્વાદમાં સાબુદાણા વડા જેવી જ સ્વાદિષ્ટ બને છે! આ કટલેસ ઓછા તેલમાં શેલો ફ્રાય કરી શકાય છે.

સામગ્રીઃ 

  • બાફેલા બટાકા  ૪ નંગ
  • સાબુદાણા 1½ કપ
  • રાજગરાનો લોટ 3 ટે.સ્પૂન
  • આદુ-મરચાં પેસ્ટ 2 ટે.સ્પૂન
  • કોપરાનું ખમણ 2 ટે.સ્પૂન
  • શેકેલા શીંગદાણા 4 ટે.સ્પૂન
  • બુરું ખાંડ
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • ધોઈને સમારેલી કોથમીર

રીત: સાબુદાણાને 15-20 મિનિટ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ પાણી નિતારી નાખો. શેકેલા શીંગદાણાનો ભૂકો કરી લો. બાફેલા બટાકાનો માવો લઇ તેમાં શીંગદાણાનો ભૂકો તેમજ પલાળેલા સાબુદાણા મેળવો. હવે તેમાં કોપરાનું ખમણ, આદુ-મરચાં પેસ્ટ, કોથમીર, લીંબુનો રસ મેળવી દો.

કટલેસ બનાવવના બીબાંમાં કટલેસનું પૂરણ ભરીને કટલેસ બનાવીને કાઢો. ત્યારબાદ તેને રાજગરાના લોટમાં રગદોળીને શેલો ફ્રાય કરી લો.

આ કટલેસ કોથમીર, શીંગદાણા, આદુ-મરચાં તેમજ સિંધવ મીઠું નાખીને બનાવેલી લીલી ચટણી સાથે પીરસવી.