ચોખાના લોટના પૂડલા

ઓછા તેલમાં ઝટપટ બનતાં આ પૂડલા ચટણી સાથે તો સારાં લાગે જ છે. પણ ગ્રેવીવાળા શાક અથવા દાલ ફ્રાય સાથે પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

સામગ્રીઃ 1 કપ ચોખાનો ઝીણો લોટ, 2 કપ પાણી, મીઠું સ્વાદ પ્રમાણે, પૂડલા સાંતડવા માટે તેલ

રીતઃ એક વાસણમાં ચોખાનો લોટ, 1 ટે.સ્પૂન તેલ તેમજ મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી ધીરે ધીરે પાણી ઉમેરીને લોટમાં ગઠ્ઠાં ના પડે એ રીતે લોટ મિક્સ કરી લો. ખીરૂં ઢોસાના ખીરા કરતાં પાતળું હોવું જોઈએ. ખીરાને 15 મિનિટ રહેવા દો. અને ત્યારબાદ પૂડલા ઉતારો.

એક નોન-સ્ટીક તવો ગેસ ઉપર ગરમ થાય એટલે 1 ટી.સ્પૂન તેલ નાખીને ટીશ્યૂ અથવા અડધા કાપેલા કાંદાથી તેલ આખા તવામાં ચોપડી દો. એક ધારવાળી વાટકીમાં 1 ચમચા જેટલું ખીરૂં લો. અને તવામાં ગોળ ધાર પાડતાં જઈ પૂડલાના આકારમાં રેડી દો. (અથવા દાળ માટેની કળછીમાં ખીરૂં લઈ તવામાં રેડો). 5 મિનિટ બાદ ચેક કરી જુઓ. નીચેથી પૂડલો ગોલ્ડન બ્રાઉન શેકાય જાય અને ઉપરની બાજુએથી થવા આવે એટલે એની ઉપર  ¼ ટી.સ્પૂન તેલ રેડી દો. પૂડલાને ઉથલાવીને ફરીથી ગોલ્ડન બ્રાઉન થવા દો. અને પૂડલો શેકાઈ જાય એટલે હળવેથી ઉતારીને થાળીમાં ગોઠવી લો.

આ પૂડલા પાતળાં અને જાળીદાર બને છે.

આ પૂડલાના ખીરામાં ઝીણી સમારેલી કોથમીર, ટમેટાં તેમજ લીલાં મરચાં સુધારીને નાખો તોય સ્વાદ વધી જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]