સરકારની ક્યાંક બેદરકારી ક્યાંક ભૂલ, જેનાથી થયાં આટલાં નુકસાન

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાના તાજેતરમાં મળેલા બે દિવસીય સત્રના અંતિમ કલાકોમાં કેગ રીપોર્ટ કોંગ્રેસના હોબાળા વચ્ચે રજૂ કરી દેવાય તો તેની વિધાનસભામાં ચર્ચા ન થાય, પણ ખણખોદિયા કેગ નિષ્ણાતો સરકારી ભાષાની આંટીઘૂટી અને આંકડાઓની માયાજાળ વીંધીને સરકારનું નાક પકડી જ લેતાં હોય છે. આ વખતે રજૂ થયેલ કેગ રીપોર્ટમાં 31 માર્ચ 2017 સુધીની નીચેની વિગતો સામે આવી છે.ભાજપની ભૂલને પરિણામે ગુજરાતને 5 સરકારી મેડિકલ કોલેજોને બદલે મળી 5 સેલ્ફફાઈનાન્સ કોલેજ: કેગ રિપોર્ટ

કેન્દ્રમાં યુપીએની સરકાર વખતે મે-2013માં ગુજરાતમાં પાંચ સરકારી હોસ્પિટલો સંલગ્ન મેડિકલ કોલેજો સ્થાપવા એમસીઆઈના નિયમો મુજબ જમીન સાથે દરખાસ્ત મોકલવા કહેવામાં આવ્યું હતું. અને પાંચ સરકારી મેડિકલ કોલેજો માટે રૂ.750 કરોડનું બજેટ આપવાની પણ ઓફર કરી હતી. પરંતુ રાજ્યમાં રહેલી ભાજપ સરકારે દરખાસ્ત ન મોકલી જેના પરીણામે ગુજરાતમાં પીપીપી મોડલ આધારીત સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને ઉત્તેજન મળ્યું. આમ ભાજપ કોંગ્રેસની હરિફાઈમાં આવનારી પેઢીને કઈ હદે નુકશાન થાય છે તે કેગના રિપોર્ટમાંથી સ્પષ્ટ થાય છે. ગુજરાતને થયેલા નુકશાનને લઈને કેગના ઓડિટરોએ ભાજપ સરકારના આવા વલણની આકરી ટીકા કરી હતી.

ગુજરાત સરકારનાં 14 એકમોએ રૂ.18,412 કરોડની જંગી ખોટ કરી

ઓડિટર સંસ્થા –કોમ્પ્ટ્રોલર  અને ઓડિટર જનરલ (કેગ)ના 31 માર્ચ 2017ના તાજા રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, ગુજરાત સરકારના 77 કાર્યરત જાહેર ઉપક્રમો પૈકી 2016-17ની સ્થિતીએ તેમના છેલ્લા નાણાંકીય હિસાબો પ્રમાણે 14 જાહેર ઉપક્રમોએ રૂ.18,412 કરોડની જંગી ખોટ કરી છે, જ્યારે 54 જાહેર ઉપક્રમોએ 3,647.96 કરોડનો નફો કર્યો છે. ખોટ કરનાર એકમોમાં ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, સરદાર સરોવર નર્મદા નિગમ, ગુજરાત રાજ્ય નાણાંકીય નિગમ, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડનો સમાવેશ થાય છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, રાજ્યના 14 જાહેર ઉપક્રમો તદન બિનકાર્યક્ષમ છે, જેમાં મુડી અને લાંબા ગાળાની લોનો પેટે રૂ.800.68 કરોડ ફસાયેલા છે. જેમાંથી 8 ઉપક્રમોને ફડચામાં લઈ જવાની કાર્યવાહી 1997થી ચાલે છે. જ્યારે અન્ય 6 ઉપક્રમોમાં કામગીરી સંદતર બંધ છે. કેગ દ્વારા એવી ટીકા કરવામાં આવી છે કે, આ બિન કાર્યરત એકમોને ફડચામાં લઈ જવાની કાર્યવાહી ન થવી એ ગંભીર બાબત છે.  આ બિનકાર્યરત જાહેર ઉપક્રમો રાજ્યના આર્થિક વિકાસમાં કોઈ ફાળો આપતા નથી.

નિગમોના હિસાબોમાં રૂ.6205  કરોડ ઓછા દર્શાવાયા

કેગના ઓડિટ દરમિયાન રાજ્ય સરકારના આ એકમોના રજૂ કરેલા હિસાબોમાં મૂડી રકમમાં રૂ.1106.24 કરોડનો, લોનોની રકમમાં રૂ.1991.46 કરોડનો તેમજ બાંયધરીઓમાં રૂ.3106.82 કરોડનો વધારો શોધી કાઢ્યો હતો. આમ રાજ્ય સરકારે તેના એકમોના હિસાબોમાં કુલ રૂ.6205 કરોડ ઓછા દર્શાવ્યા. સરકારે  રૂ.12,800 કરોડનો હિસાબ કેગ સમક્ષ ન રજૂ કર્યો.

ગુજરાત એસ.ટી વિભાગનું નબળું સંચાલન કેગના રિપોર્ટમાં સામે આવ્યું છે. મુસાફરો ઘટતા એસટી વિભાગની ખોટ રૂ.2,722 કરોડે પહોંચી. વોલ્વો બસોના સંચાલનમાં મોટું નુકસાન થઈ રહ્યું હોવાનું પણ કેગના રિપોર્ટમાં બહાર આવ્યું છે. નિગમની બસો ઘટવાને કારણે અને નબળી સર્વિસને લીધે 2016-17માં પ્રવાસીઓવી સંખ્યા ઘટીને 78.87 કરોડ થઈ ગઈ. જેથી નિગમે વર્ષ 2016-17માં  રૂ.184.45 કરોડની ખોટ કરી સાથે તેની કુલ એકત્રિત ખોટ રૂ.2,721.52 કરોડે પહોંચી છે. માર્ચ 2017ની સ્થિતિએ નિગમે 39 વોલ્વો બસો ભાડે રાખી હતી, આ બસોના સંચાલનમાં  રૂ.7.03 કરોડની ખોટ થઈ હતી. આ ઉપરાંત કેગએ એવી ટિપ્પણી કરી કે, જો નિગમે પોતાના પેટ્રોલ પંપો પર ડીઝલ પુરાવ્યું હોત તો તેને  રૂ.1.36 કરોડનો ફાયદો થયો હોત.

ગુજરાતની ફેકટરીઓમાં છેલ્લા 5 વર્ષમાં 1,194 જીવલેણ અકસ્માતો થયાં

શ્રમ અને રોજગાર વિભાગના પાંચ વર્ષના ઓડિટમાં કાયદાના અમલમાં વ્યાપકપણે ઢિલાસને કારણે કામદારો અસલામત હોવાનું તારણ કેગના રિપોર્ટમાં નોંધાયું છે. ગુજરાતમાં 77,020માંથી માત્ર 57,966 ફેકટરીઓમાં જ સરકાર સુપરવિઝન કરે છે. સરકારે ફેકટરી મેનેજમેન્ટ સામે કાર્યવાહી કરવાની તસ્દી લીધી નથી તેવી આકરી ટીકા રિપોર્ટમાં કરવામાં આવી છે.

બોગસ નામ-સરનામા તેમજ ફોટા વગરના 8,797 મા કાર્ડ મળ્યા: કેગ

એપ્રિલ 2012માં ગુજરાત સરકારે મા યોજના અમલમાં મુકી ત્યારથી જ તેના બોગસ કાર્ડને લઈને આરોગ્ય વિભાગ વિવાદમાં રહ્યો છે. કેગના ઓડિટરોએ પાંચ વર્ષ દરમિયાન ઈશ્યૂ થયેલા 2,20,378 મા-કાર્ડના ઓડિટમાં ફોટા વગરના, ખોટા નામ  સરનામાવાળા 8,797 કાર્ડ પકડ્યા છે. એક લાભાર્થી પાસે એકથી વધુ કાર્ડ હોય તેવા 377 કિસ્સા કેગના ઓડિટરોએ શોધ્યા.