મોગર દાળની પુરી

રાજસ્થાની આ પુરી જરા અલગ છે. પણ છે હેલ્ધી અને બનાવ્યા બાદ 2-3 દિવસ સુધી રેફ્રિજરેટરમાં રાખ્યા વિના પણ સારી રહે છે.

સામગ્રીઃ

પુરી માટેઃ

 • 1 કપ ઘઉંનો લોટ
 • ¼ ટી.સ્પૂન અજમો
 • ¼ ટી.સ્પૂન જીરૂ
 • ¼ ટી.સ્પૂન હળદર
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • ¼ ટી.સ્પૂન મરચાં પાવડર
 • 2 ટે.સ્પૂન તેલ મોણ માટે તેમજ
 • તળવા માટે તેલ

મસાલા માટેઃ

 • ½ કપ મોગર દાળ
 • ½ ટી.સ્પૂન જીરૂં
 • ½ ટી.સ્પૂન મરચાં પાવડર
 • 2-3 લીલાં મરચાં
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • અડધો ઈંચ આદુ ધોઈને સુધારેલું
 • ચપટી હિંગ
 • એક કાંદો ઝીણો સુધારેલો
 • ½ ટી.સ્પૂન ધાણા અધકચરા વાટેલાં
 • ½ કપ કોથમીર ઝીણી સમારેલી

રીતઃ પુરી માટે આપેલી સામગ્રી મિક્સ કરી લો. થોડું પાણી ઉમેરી લોટ કઠણ બાંધીને 15 મિનિટ માટે રહેવા દો.

દાળને 2-3 પાણીએથી સરખી ધોઈને પાણીમાં 3 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ એક દાણો નખ વડે તોડી જુઓ. દાળ તૂટે તો એ સરખી પલળી ગઈ છે. આ દાળને મિક્સીમાં નાખો તેમજ પુરણ માટે આપેલી સામગ્રીમાં આપેલા મસાલા તેમજ આદુ-મરચાં પાણી નાખ્યા વિના ઉમેરી દો. દાળ પિસાતી ન હોય, તો થોડું પાણી ઉમેરી શકો છો. દાળનું મિશ્રણ ઘટ્ટ રહે એવી રીતે દાળને પિસી લો. દાળને એક બાઉલમાં કાઢીને ચપટી હિંગ નાખી દો. તેમજ અધકચરા વાટેલાં ધાણા અને ઝીણો સમારેલો કાંદો અને કોથમીર મિક્સ કરી દો.

પુરીનો લોટ લઈ પુરી વણો અને એમાં કાંટા ચમચી (Fork) વડે કાણાં પાડતાં જાઓ જેથી પુરી ફુલે નહીં. બધી પુરી આ રીતે વણીને મૂકી દો.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. અને વણેલી એક-એક પુરી લઈ એની એક સાઈડ ઉપર દાળનું મિશ્રણ લગાડીને એક બાજુએ મૂકતાં જાઓ. તેલ ગરમ થાય એટલે દાળનું મિશ્રણ લગાડેલી સાઈડ તેલમાં આવે એ રીતે પુરી ઉંધી નાખતા જાઓ. 3-4 પુરી નાખવી. હવે ગેસની આંચ મધ્યમ કરી દો. પુરીને ઉથલાવી દો. લોટવાળી સાઈડ થોડી ગુલાબી થાય એટલે ફરી પુરીને ઉથલાવી દો. દાળનું મિશ્રણ બરાબર ચઢી જાય, હલકું ગુલાબી થાય એટલે પુરી તેલમાંથી કાઢી લો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]