ઈન્સ્ટન્ટ જલેબી

બાળકોને જલેબીનું નામ લેતાં જ મોઢામાં પાણી આવી જતું હોય છે. મોટેરાંઓને પણ જલેબી તો ભાવે જ છે. પરંતુ આ લૉકડાઉનમાં મીઠાઈની દુકાનો બંધ છે.

તો શું થાય? જવાબ છે: જલેબી ઘરમાં બનાવી લેવાય!!!

તો બનાવી લો, સહેલાઇથી બનતી ઈન્સ્ટન્ટ જલેબી!!


સામગ્રી:

  • 1/2 કપ મેંદો
  • 1/2 ટી.સ્પૂન ઘી
  • 1/2 કપ પાણી
  • એક સેચેટ ઈનો પાવડર
  • બદામ અથવા પિસ્તાની કાતરી
  • જલેબી તળવા માટે ઘી

ચાસણી માટે:

  • 1 કપ સાકર
  • ૧ કપ પાણી
  • 1/2 ટી.સ્પૂન એલચી પાવડર
  • કેસર હોય તો ચપટી કેસર
  • એક ચપટી ફૂડ કલર (જલેબી માટેનો પીળો કલર)

રીત:

મેંદાને એક બાઉલમાં ચાળી લો. તેમાં 1 ટી. સ્પૂન ઘી ઉમેરીને મિક્સ કરો. હવે 1/2 કપ પાણી એમાં ઉમેરો. આ મિશ્રણને જેરણી અથવા એક ચમચી વડે પાંચ મિનિટ સુધી ફેંટો. આ ખીરૂ ઢોકળાના ખીરા જેવું ઘટ્ટ હોવું જોઈએ. બહુ પાતળું ના થવું જોઈએ. પાંચ મિનિટ ખીરાને ફેંટી લીધા બાદ એને ઢાંકીને દસ મિનિટ માટે મૂકી દો.

ચાસણી માટે એક તપેલીમાં સાકર તેમજ એક કપ પાણી મિક્સ કરી ગેસ પર ગરમ કરવા મૂકો. એક ચમચા વડે મિશ્રણને હલાવો. એલચી પાઉડર તેમજ કેસર ઉમેરી દો અને જલેબીનો કલર (ફૂડ કલર) પણ મિક્સ કરી દો. ચમચા વડે ચાસણીને હલાવતા રહો. પાંચ થી દસ મિનિટ બાદ મિશ્રણમાંથી એક ટીપું આંગળી પર લઈ ચેક કરો. મિશ્રણ થોડું પણ ચીકાશવાળું લાગે અને આંગળી પર ચોંટતું લાગે એટલે ગેસ બંધ કરીને ચાસણીને ઢાંકી દો.

એક નાની પ્લાસ્ટિકની જાડી થેલી ધોઈને લો.

ઈનો પાઉડરના પેકેટમાંથી અડધું પેકેટ પાઉડર જલેબીના મિશ્રણમાં નાંખો. આ પાઉડર ઉપર અડધી ટી.સ્પૂન ગરમ પાણી રેડીને મિશ્રણને હળવું થાય ત્યાં સુધી એટલે કે બે થી ત્રણ મિનિટ સુધી ફેંટો.

થેલીના એક ભાગમાં મિશ્રણ ભરીને ઉપરથી થેલીને દોરાથી બાંધી દો. થેલીના ખૂણાને બારીક કટ કરો. (જલેબી પાડવા માટે)

એક ફ્રાઈ પેન અથવા છીછરી કઢાઈ લો. એમાં ઘી નાખીને ગેસ પર ગરમ કરવા મૂકો. ઘી વધુ ના લેતાં જલેબી ડુબે એટલું જ લેવું.

ઘી ગરમ થાય એટલે થોડું મિશ્રણ થેલીમાંથી ઘીમાં પાડી જુઓ. જલેબીનું મિશ્રણ નાખતાંવેંત ઉપર આવી જાય તો સમજવું ઘી ગરમ થઇ ગયું છે. હવે ગેસની આંચ મધ્યમ કરીને થેલી વડે જલેબી પાડી લો. જલેબી બંને બાજુએથી સોનેરી રંગની તળી લેવી.

તળેલી જલેબી બહાર કાઢો એવી તરત જ ચાસણીમાં ડુબાડી દો. 1-2 મિનિટ બાદ જલેબીની ચિપિયા વડે બહાર કાઢીને એક સ્ટીલની ચાળણીમાં મૂકી દો. જેથી વધારાની ચાસણી નિતરી જાય. ચાળણીની નીચે થાળી અથવા ડીશ મૂકવી.

જલેબીને સૂકા મેવાની કાતરીથી ગાર્નિશ કરી શકો છો.