ઈંગ્લેન્ડના ગુરુદ્વારામાં તોડફોડ કરનાર પાકિસ્તાનીની ધરપકડ

લંડન:  ઈંગ્લેન્ડના ડર્બીશાયરના એક ગુરુદ્વારામાં તોડફોડ કરનાર એક પાકિસ્તાની મુસ્લિમની બ્રિટનની પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સ જબરદસ્તીથી ગુરુદ્વારામાં ધૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ ગુરુદ્વારાની સંપત્તિને નુક્શાન પહોંચાડવાની સાથે ત્યાં કાશ્મીર સંબંધિત એક ધમકી ભરેલી નોટ પણ લખીને છોડી ગયો હતો.

ડર્બીશાયરમાં સ્ટેનહોપ સ્ટ્રીટ સ્થિત ગુરુ અર્જન ગુરુદ્વારામાં સોમવારે સવારે દરવાજો તૂટેલો નજરે પડતા સ્થાનિકોએ ડર્બીશાયર પોલીસને તેની જાણકારી આપી. ગુરુદ્વારાના જણાવ્યા અનુસાર એક વ્યક્તિએ સવારે છ વાગ્યે ગુરુદ્વારા પરિસરમાં પ્રવેશ કરીને હુમલો કર્યો જેમાં હજારો પાઉન્ડનું નુકસાન થયું છે. જોકે આ હુમલામાં કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી. ગુરુદ્વારાએ આ તોડફોડને ‘હેટ ક્રાઈમ’ (ધર્મઝનૂની ગુનો) ગણાવ્યો છે.

હુમલો કરનાર વ્યક્તિને સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાયો છે. વિડિયોમાં ગુરુદ્વારાની અંદરમાં ઘણા કાચના ટુકડા પણ તૂટેલા જોવા મળી રહ્યા છે. હુમલો કરનાર વ્યક્તિએ અહીં એક નોટ પણ છોડી હતી જેમાં શીખ સમુદાયને કશ્મીરના લોકોને મદદ કરવાની અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત કાગળના એક છેડે ‘પાક અલ્લાહ પાક’ લખેલું હતું સાથે એ વ્યક્તિએ પોતાનો ફોન નંબર પણ આપ્યો હતો.

ડર્બીશાયર પોલીસે આ વ્યક્તિ પાકિસ્તાની મુસ્લિમ હોવાની પુષ્ટી કરી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. ગુરુદ્વારાએ એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે અત્યાર સુધી જે પુરાવાના આધારે તે વ્યક્તિને પકડવામાં આવ્યો છે તેના વસ્તુ, પત્ર અને સરનામા હેઠળ જાણવા મળ્યું છે કે તે એક મુસ્લિમ પુષ્ઠભૂમિથી આવ્યો છે. તેણે જ્યારે ગુરુદ્વારા પર હુમલો કર્યો ત્યારે ગુરુદ્વારામાં કોઇ હાજર નહોતું.