શી જિનપિંગે સેનાને યુદ્ધની તૈયારી કરવાનો આદેશ આપ્યો

બીજિંગઃ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ટેન્શન જારી છે, ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સૌથી ખરાબ સ્થિતિની કલ્પના કરતાં સેનાને યુદ્ધની તૈયારીઓ તેજ કરવાનો આદેશ આપ્યો હતો અને એને પૂરી દ્રઢતા સાથે દેશની સુરક્ષા કરવાના નિર્દેશ આપ્યા હતા. દેશની સત્તારૂઢ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી (CPC)ના મહાસચિવ અને આશરે 20 લાખ સૈનિકોવાળી સેનાના પ્રમુખ 66 વર્ષીય શીએ ચાલી રહેલા સંસદ સત્ર દરમ્યાન પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અને પીપલ્સ આર્મ્ડ પોલીસ ફોર્સના પ્રતિનિધિઓની બેઠકમાં ભાગ લેતાં આ ટિપ્પણી કરી હતી. આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણે સેનાપ્રમુખો સાથે મુલાકાત કરી હતી.

સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના અહેવાલ અનુસાર શીએ સેનાને આદેશ આપ્યો છે કે તેઓ ગંભીર સ્થિતિની કલ્પના કરે. એના વિશે વિચારે અને યુદ્ધ માટેની તૈયારીઓ અને ટ્રેનિંગમાં વધારો કરે. તમામ જટિલ પરિસ્થિતિઓ સામે તત્કાળ અસરકારક રીતે કેવી રીતે કામગીરી કરવી એની તૈયારી કરે. આ સાથે પૂરી દ્રઢતાની સાથે રાષ્ટ્રીય હિતો, સુરક્ષા અને વિકાસ સંબંધી હિતોની રક્ષા કરે. તેમની ટિપ્પણી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીનની વચ્ચે આશરે 20 દિવસથી જારી રહેલા સંઘર્ષને લીધે આવી છે.

બંને સેનાઓએ સરહદે સંખ્યા બળ વધાર્યું

હાલના દિવસોમાં લદ્દાખ અને ઉત્તરીય સિક્કિમમાં ભારત અને ચીનની સેનાઓએ પોતાના સંખ્યામાં સતત વધારો કર્યો છે. આ બંને દેશોની સેનાઓની વચ્ચે અલગ-અલગ બે સપ્તાહથી ટેન્શનમાં સતત વધારો થયો છે અને બંને પક્ષો પોતાના વલણમાં નમતું જોખવા તૈયાર નથી. આશરે 3500 કિલોમીટર લાંબા LAC બંને દેશોની વચ્ચે સરહદે કામ કરે છે.

ભારત-ચીનના સૈનિકો આમને-સામને

લદ્દાખ સરહદે ભારત અને ચીનના સૈનિકો એકબીજાની વાસ્તવિક નિયંત્રણ રેખા પર આમનેસામને આવી ગયા છે. વળી ભારતના લદ્દાખ ક્ષેત્રની ગલવા ઘાટી પર ચીની દાવાએ તણાવમાં ઓર વધારો કર્યો છે.

ભારત પાછા હટવા તૈયાર નહીં

ભારત સતત એ વાતનો સંકેત આપી રહ્યું છે કે એ આ મામલે પાછા હટવા તૈયાર નથી. ભારતીય સેનાના સૂત્રોએ એ સ્પષ્ટ કર્યું છે કે ચીને વાંધો ઉઠાવ્યો હોવા છતાં સરહદી ક્ષેત્રોમાં રસ્તા અને અન્ય બાંધકામ પ્રવૃત્તિ જારકી રહેશે. લદ્દાખની સરહદ નજીક ભારતીય ક્ષેત્રમીં રસ્તા અને અન્ય નિર્માણ કાર્યને અટકાવવાના ઉદ્દેશથી ચીની સેના અતિક્રમણ કરીને ટેન્શનમાં વધારો કર્યો છે.