આઈસ્ક્રીમ સેન્ડવિચ

ક્રિસ્પી કૂકીઝ સાથે આઈસ્ક્રીમની આ વાનગી છે. બાળકોને તો આ વેરાયટી આઈસ્ક્રીમ ખાવાની મઝા પડી જાય તેવી છે!

સામગ્રીઃ

કૂકીઝઃ

  • માખણ 100 ગ્રામ
  • દળેલી ખાંડ ½ કપ
  • મેંદો 1 કપ
  • ચપટી મીઠું
  • ચોકો ચિપ્સ 1 ટે.સ્પૂન

આઈસ્ક્રીમઃ

  • વ્હીપ ક્રીમ 1 કપ
  • કન્ડેન્સ્ડ મિલ્ક 50 મિ.લી.
  • વેનિલા એસેન્સ ½ ટી.સ્પૂન

રીતઃ માખણને રવઈ વડે એક દિશામાં ફેંટી લો. જ્યાં સુધી તે સ્મૂધ ન થઈ જાય. હવે તેમાં દળેલી ખાંડ પણ ઉમેરીને એક દિશામાં હલાવીને એકરસ મેળવી લો. મેંદો ચાળણીથી ચાળીને તેમાં ચપટી મીઠું પણ ઉમેરી દો. ચોકો ચિપ્સ ઉમેરીને તેનો નરમ લોટ બાંધી લેવો.

બે પ્લાસ્ટીક શીટ લેવી. એક ઉપર આ લોટનો ગોલો મૂકી તેની ઉપર બીજું પ્લાસ્ટીક મૂકીને વેલણ વડે જેટલો બને તેટલો પાતળો રોટલો વણો. હવે ઉપરનું પ્લાસ્ટીક ઉપાડી લો અને કૂકી કટરની મદદથી તેમાંથી કૂકી કટ કરતા જાઓ. એક સ્ટીલનું કાણાંવાળું ઢાંકણ લઈ તેને ઘી અથવા બટર વડે ગ્રીસ કરી લો. કટ કરેલાં કૂકીઝને ચપ્પૂ વડે ઉંચકીને આ કાણાં વાળા ઢાંકણ ઉપર આવે તેટલા ગોઠવી લો.

એક ખાલી કઢાઈમાં વાસણ મૂકવાનું સ્ટેન્ડ ગોઠવીને કઢાઈ ઢાંકી દો. આ કઢાઈ ધીમા ગેસ પર 10 મિનિટ માટે ગરમ કરવા મૂકો. ત્યારબાદ કૂકી ગોઠવેલું સ્ટીલનું કાણાંવાળું ઢાંકણ આ કઢાઈના સ્ટેન્ડ પર મૂકીને ઢાંકણ ઢાંકી દો. ગેસની ધીમી આંચ પર 15 મિનિટ સુધી કૂકી બેક થવા દો. ત્યારબાદ તૈયાર થયેલા કૂકીઝ એક પ્લેટમાં કાઢી લો. આજ રીતે બીજા કૂકીઝ પણ તૈયાર કરી લો.

એક બાઉલમાં વ્હીપ ક્રીમ લઈ હેન્ડ બ્લેન્ડર વડે એકદમ સ્મૂધ થઈને મિશ્રણ ફુલી ન જાય ત્યાં સુધી ફેંટી લો. ત્યારબાદ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક તેમજ વેનિલા એસેન્સ પણ મિક્સ કરી લો. ફ્રીઝીંગ મોલ્ડમાં બટર પેપર ગોઠવીને તેની ઉપર આ મિશ્રણ રેડી દો અને મોલ્ડને પ્લાસ્ટીક પેપર વડે પેક કરીને ઢાંકીને 6 કલાક માટે ફ્રીઝરમાં મૂકો.

6 કલાક બાદ આઈસ્ક્રીમને બહાર કાઢી તેને પણ કૂકી કટર વડે કટ કરતાં જાઓ અને દરેક બે બિસ્કીટની વચ્ચે ગોઠવીને તરત જ ખાવાના ઉપયોગમાં લઈ લો. નહીંતર આઈસ્ક્રીમ પીઘળી જશે!

જો તમને કૂકીઝ નરમ ભાવતા હોય તો આઈસ્ક્રીમ ગોઠવેલાં કૂકીઝને થોડાંક કલાક માટે ફ્રીઝરમાં મૂકી દો અને ત્યારબાદ ખાવામાં લો. કૂકીઝમાં આઈસ્ક્રીમ થોડું પચી જશે અને સ્વાદ પણ વધી જશે!

જો આઈસ્ક્રીમ ઘરે ના બનાવવું હોય તો બહારથી તૈયાર ફેમિલી પેક આઈસ્ક્રીમ લાવીને તેન કટ કરીને ઉપયોગમાં લઈ શકાય છે!’