કસ્ટર્ડ આઈસ્ક્રીમ

ઉનાળાની આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. તો ચાલો ત્યારે બાળકોનો મૂડ ઠંડો રાખવા માટે ઓછી સામગ્રી વાપરીને આઈસ્ક્રીમ બનાવી લઈએ!

સામગ્રીઃ

  • ફુલ ફેટ દૂધ – 250 મિ.લી.
  • સાકર – ½ કપ
  • કસ્ટર્ડ પાવડર 1½ ટે.સ્પૂન
  • ક્રીમ – ½ કપ
  • ખાવાનો કલર 5-6 ટીપાં (લેમન કલર),
  • પિસ્તાની કાતરી – 1 ટે.સ્પૂન

રીતઃ દૂધને ગરમ કરીને ઠંડું કરવા મૂકવું. ઠંડું થયા બાદ તેમાંથી  ¼ કપ જેટલું દૂધ એક કપમાં કાઢી લઈ બાકીના દૂધને કઢાઈમાં મલાઈ સહિત રેડી દેવું. ½ કપ સાકર ઉમેરીને ગેસની મધ્યમ આંચે ગરમ કરવા મૂકવું. અલગ રાખેલા ¼ કપ દૂધમાં કસ્ટર્ડ પાવડર મેળવી દેવું અને કઢાઈમાં ગરમ થવા આવેલા દૂધમાં મેળવીને ઘટ્ટ થાય ત્યાં સુધી એકસરખું હલાવતા રહેવું. 5-7 મિનિટ બાદ ગેસ બંધ કરીને દૂધ ઉતારી લઈ તેને એક બાઉલમાં કાઢી લેવું. રૂમ ટેમ્પરેચરમાં ઠંડું કરી લીધા બાદ આ બાઉલને ફ્રીઝરમાં 1-2 કલાક માટે મૂકી દેવું.

બીજા એક બાઉલમાં ½ કપ ક્રીમ લઈ તેને બ્લેન્ડરથી તેમાં ફીણ આવીને ઘટ્ટ થાય તેટલું જેરી લેવું.

બે કલાક બાદ કસ્ટર્ડને ફ્રીઝરમાંથી કાઢી લઈ ક્રીમવાળા બાઉલમાં 2-3 મિનિટ માટે બ્લેન્ડર ફેરવીને મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં લેમન કલરના 5-6 ટીપાં નાખીને ફરીથી 5-6 મિનિટ માટે બ્લેન્ડ કરી લો. આ બાઉલને ટાઈટ બંધ કરીને ફ્રીઝરમાં 2-3 કલાક માટે મૂકો. ત્યારબાદ બહાર કાઢીને 5 મિનિટ માટે બ્લેન્ડ કરીને આ મિશ્રણ એરટાઈટ ડબ્બામાં રેડીને ફ્રીઝરમાં 7-8 કલાક માટે મૂકી દો.

8 કલાક બાદ આઈસ્ક્રીમ બાઉલ બહાર કાઢીને એક સાદા પાણીના વાસણમાં તળિયા સુધીના પાણીમાં થોડી મિનિટ માટે મૂકો. જેથી આઈસ્ક્રીમ સરળતાથી નીકળી આવે. આઈસ્ક્રીમને પિસ્તાની કાતરીથી સજાવી શકાય છે.

આ આઈસ્ક્રીમને ફરીથી ફ્રીઝરમાં 10 મિનિટ માટે મૂકીને ત્યારબાદ તેના પીસ કરીને ખાવા માટે લઈ શકો છો.