‘એટલે શું તેં મને રૂમમાં બંદી બનાવી રાખ્યો છે?’

આપણને આ કોરોના બોરોના કઈ ન થાય. તું તારે ચિંતા ન કર. હું એવું છું ચક્કર મારીને.’ મુકુંદે અરીસામાં જોઈને વાળ ઓળાવતા તેની પત્ની પલ્લવીને કહ્યું.

‘મુકુંદ, કેટલા કેસ આવે છે અને તારે અત્યારે ભઈબંધીમાં ભટકવા જવું છે. જરા વિચાર તો કર કેટલું રિસ્ક છે.’ પલ્લવીએ રસોડામાંથી અવાજ દઈને તેના પતિને રોકવા મથામણ કરી.

‘તું શૈલીનું ધ્યાન રાખ જરા. રાત સુધીમાં આવી જઈશ હું. ડિનર સાથે કરીશું, બસ.’ મુકુંદે પલંગ પર રમકડાં રમતા રમતા ઊંઘી ગયેલી પોતાની બે વર્ષની બાળકી શૈલીને જોઈ અને પછી બહાર જવા બુટ પહેરવા લાગ્યો.

‘તો તું નહિ જ માને એમ ને? એક મિત્રનો બર્થડે તારા માટે એટલો ઈમ્પોર્ટન્ટ છે કે તને તારા જીવની પરવા નથી પણ આ બાળકીનું તો વિચાર. એની ઇમ્યુનીટી હજી ઓછી હોય અને એ પણ પ્રીમેચ્યુર બેબી છે આપણી. પલ્લવી હવે કિચનમાંથી બહાર આવી ગઈ હતી અને મુકુન્દને રોકવા લગભગ ગુસ્સામાં બોલી રહી હતી.

‘હા, મને ખબર છે પણ આઈ વીલ બી કેરફૂલ, ઓકે? મને ખબર છે એસ.એમ.એસ. એટલે કે સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ, માસ્ક અને સેનિટાઇઝરનું ધ્યાન રાખવાનું છે. હવે તું તારું કામ કર અને પછી થોડીવાર આરામ કરી લેજે. હું આવું છું રાત સુધીમાં.’ મુકુંદે પલ્લવીના ગુસ્સાની દરકાર કરતા કહ્યું અને ઊંઘેલી શૈલી પાસે જઈને તેના ગાલ પર કિસ કરી જવા તૈયાર હતો.

મુકુંદ અને પલ્લવીના લગ્ન થયે પાંચેક વર્ષ થયા હતા અને તેમનું પહેલું સંતાન શૈલી લગભગ બે વર્ષની થવા આવી હતી. પલ્લવી પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતી અને મુકુંદ એક કંપનીમાં ઈજનેર હતો. બંને મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા હતા અને તેમના અરેન્જ મેરેજ હોવા છતાં બંને વચ્ચે ખુબ પ્રેમ પાંગર્યો હતો. પણ બાળકી આવ્યા પછી મુકુંદ હવે તેના પર ઓછું ધ્યાન આપતો હતો તેવું પલ્લવીને લાગતું હતું. પહેલા મુકુંદ પલ્લવીને છોડીને ક્યાંયે ન જતો. હવે અવારનવાર મિત્રો સાથે જતો રહે અને કલાકો પછી આવે. રવિવારે મિત્રો સાથે બહાર જવાનો પ્રોગ્રામ બનાવી લે અને પલ્લવીને ખબર પણ ન હોય. આવું શૈલીના આવ્યા પછી જ થયું હતું.

મુકુન્દને એવું લાગતું હતું કે પલ્લ્વીનું ધ્યાન શૈલીમાં જ છે અને તેના પર હવે તે પહેલા જેટલું ધ્યાન આપતી નથી. કદાચ એ તેના શરીરમાં આવી રહેલા પરિવર્તનને કારણે હોઈ શકે. મુકુન્દને લાગતું કે હવે તેનું પેટ અને વજન થોડા વધ્યા હતા અને તેને કારણે કદાચ પલ્લવી તેને પસંદ ન કરતી હોય કેમ કે તે તો એકદમ ફિટનેસ ફ્રીક હતી. ડિલિવરી પછી પણ છ મહિનામાં જ તે પોતાના ઓરીજીનલ શેપમાં આવી ગઈ હતી.

‘મને લાગે છે કે હવે તું મને પસંદ કરતો નથી મુકુંદ. એટલે જ તો તું મારાથી દૂર રહેવા લાગ્યો છે.’ પલ્લવીએ છણકાથી કહ્યું અને રસોડામાં જતી રહી.

‘તેમાં ન ગમવાની શું વાત આવી? બધા જ તો પોતાના મિત્રો સાથે સમય વિતાવતા હોય છે. લગ્ન કરે એટલે શું ઘરની બહાર જ ન નીકળે?’ મુકુંદ હવે ચિડાયો હતો.

પલ્લવીને ખબર હતી કે પોતે ગુસ્સે હશે તો મુકુંદ તેને મનાવવા અને સમજાવવાની મહેનત તો કરશે જ.

‘તું આમ મોઢું બગાડીને ન મોકલ. અપશુકન કહેવાય બહાર જતી વખતે ઘરનું બૈરું મોઢું બગાડે તો.’ મુકુંદ આવા શુકન-અપશુકનમાં બહુ માનતો.

‘હા, ઓકે ઠીક છે ચાલ જઈ આવ. પણ એક શરતે.’ પલ્લવીએ હલકા સ્મિત સાથે મુકુંદ સામે જોયું અને મુકુન્દને લાગ્યું કે તે માની ગઈ.

‘હા, બધી શરત મંજુર તારી. બોલ બોલ શું કરું? આકાશના તારા કે પછી વાડીલાલની આઈસ્ક્રીમ. શું જોઈએ છે તારે?’ મુકુંદનો મજાકીયો સ્વભાવ ખીલ્યો એટલે પલ્લવી મનમાં વધારે ખુશ થઇ અને એટલી જ ડરી પણ ગઈ કે મુકુન્દને બહાર જવા દેવાનું રિસ્ક ન લેવાય.

‘શરત એ છે કે તું મારી પીળી સાડી અને બ્લેક બ્લાઉઝ પ્રેસ કરી દે. મારે આજ ઘણું કામ છે અને કાલે મારે તે પહેરવાનું મન છે. અમારી ઓનલાઇન લેડીઝ કીટી પાર્ટી છે.’ પલ્લવીએ એવું મીઠું સ્મિત વેર્યું કે મુકુંદ ના તો પડી જ ના શકે. મુકુંદે પણ વિચાર્યું કે ચાલ ને હમણાં પંદર મિનિટનું કામ છે, પતાવી ને જ જાઉં એટલે કોઈ કચકચ નહિ.

‘આપકી આજ્ઞા સર-આંખો પર મેડમ.’ બોલતા મુકુંદે ફિલ્મી અદાથી માથું ઝુકાવ્યું અને સલામ કરી. પલ્લવી તો તેના આવા નખરા પર ફિદા હતી.

પલ્લવીના ચેહરા પર આવી રહેલી વાળની લટને પોતાની આંગળીઓ વડે બાજુ પર કરતા મુકુંદ રસોડામાં થઈને બેડરૂમમાં ગયો અને કબાટમાંથી પલ્લવીની સાડીઓ ઉથલાવવા લાગ્યો. થોડી મથામણ પછી તેને પીળી સાડી અને બ્લેક બ્લાઉઝ મળ્યા એટલે તેણે પ્રેસ ગરમ થવા મૂકી.

મુકુંદ પ્રેસ કરી રહ્યો હતો ત્યારે પલ્લવી કિચનમાંથી તેની સાથે અહીં-તહીંની વાત કરી રહી હતી. થોડીવાર બાદ પ્રેસ થઇ ગઈ એટલે મુકુંદે સ્વીચ બંધ કરી અને સાડી તથા બ્લાઉઝ હેંગર પર લટકાવી કબાટમાં મુકવા ગયો. કબાટનો દરવાજો બંધ કરીને રૂમની બહાર આવવા પાછળ ફર્યો તો પલ્લવીએ બહારથી બેડરૂમનો દરવાજો બંધ કરીને લોક કરી દીધો.

‘ખોલ પલ્લવી, શાને દરવાજો બંધ કર્યો.’ તેને દરવાજા પર હાથ થપથપાવતા કહ્યું.

‘મુકુન્દરાય, હવે તમે પ્રેસ કરીને થાકી ગયા હશો. અંદર જ આરામ કરો અને ઈચ્છો તો ટીવી જુઓ. બહાર જવા તો નહિ મળે.’ પલ્લવીએ દરવાજા પાસે મોઢું રાખી ટીખળતાથી પતિને સમજાવ્યો.

‘એટલે શું તેં મને રૂમમાં બંદી બનાવી રાખ્યો છે?’ મુકુંદ હજુ ચિડાયો નહોતો એ પલ્લવી તેના અવાજ પરથી કહી શક્તી હતી.

‘જી, તું બરાબર સમજ્યો. તને ક્યાંય બહાર જવા નહિ મળે. આટલી મહામારીની સ્થિતિમાં હું તને બહાર જવા નહિ દઉં. તારે મિત્રોને વોટ્સએપ કરવા હોય તો કરી દેજે કે તું નહિ આવી શકે.’ પલ્લવી એટલું કહીને પછી કિચનમાં પોતાનું કામ કરવા લાગી.

રૂમની અંદરથી મુકુંદ તેને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો તેવામાં શૈલીની ઊંઘ ઉડી એટલે પલ્લવી ફરીથી તેને સુવડાવવા જતી રહી.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)