આલાપ,
સમયનું પણ કેવું છે કેમ..!! ક્યારેક સમય આ જ હોય છે પણ વખત નથી કપાતો હોતો અને ક્યારેક એ જ સમય પવનની પાંખે બેસીને ઉડી રહ્યો હોય છે. આજે આટલા વર્ષો પછી પણ મનેતો આપણાં સંબંધની દરેક વાતો એવીજ યાદ છે જાણે હજુ ગઇકાલની ઘટના હોય. સમયનાં ગુલ્લકમાં મીઠી યાદોનું પરચુરણ એટલા જતનથી એકઠું કર્યું છે કે આજે એ ગુલ્લક ખખડાવતાં એનો રણકાર શેષ જીવનને સુરીલું બનાવી રહ્યું છે.
આમતો તને વાંચવું બિલકુલ ગમતું નહીં. આ એકજ બાબતમાં આપણે બન્ને એકદમ ભિન્ન પ્રકૃતિના હતા. હું સતત વાંચતી રહેતી અને તને પુસ્તક મારો પહેલો પ્રેમી હોય એમ ખૂંચતુ, યાદ છે ? જો કે આ વાત મને ત્યારે ખબર પડી જ્યારે હું તને ગિફ્ટ કરવા માટે એક સુંદર પુસ્તક લાવી હતી. એ ઢળતા સૂરજની કેસરઘોળી સાંજે દરિયાકિનારે આપણે મળ્યા અને મેં તને તારી જૉબ શરૂ થયાની ખુશીમાં તને એક પુસ્તક ગિફ્ટ કર્યું. તું થોડા વિસ્મય અને થોડા અણગમા સાથે એ પુસ્તકને જોઈ રહેલો. તેં સહેજ નારાજગીના સૂરમાં કહેલું, “સારું, હું ક્યારેય બુક નથી વાંચતો. મને રીડિંગનો બિલકુલ શોખ નથી.” હું એકદમ ઉદાસ થઈ ગઈ. એ પુસ્તક હું મારી સાથે જ પાછું લઈને ઘરે આવી ગઈ.
આજે વર્ષો પછી ખૂબ જતનથી સાચવેલું એ પુસ્તક અલમારીમાંથી કાઢ્યું. ગિફ્ટ રૅપર હજુ પણ એમજ લાગેલું હતું. મેં એ ખોલ્યું. ‘…પણ હું તો તને પ્રેમ કરું છું’ પુસ્તક જાણે મારી સામે હસી રહ્યું હતું. મને એમાં અટ્ટહાસ્ય સંભળાયું, જાણે મને કહી રહ્યું હોય, “તેં પુસ્તક આપ્યું તો પણ કોને આપ્યું , એને કે જેને પુસ્તક પ્રત્યે કે તારા પ્રત્યે પ્રેમજ નથી” હું પુસ્તકના પાનાં એકદમ ઝડપથી ફેરવું છું.નજર સામે આખો ભૂતકાળ ખડો થઈ રહ્યો છે. છુટાછવાયા વળેલા પાનાં પર હાથ ફેરવતાં વિચારું છું…
ધારોકે તું પણ બુક લવર હોત… તો તને આ પુસ્તક ખૂબ ગમ્યું હોત. તું એ ગિફ્ટ લેતાં જ કેવો ખુશ થઈ ગયો હોત અને મને વળગીને કહ્યું હોત, “હા સારું, ‘પણ’ નહિ, ‘બસ’ હું તો તને પ્રેમ કરું છું. અને તું એ પુસ્તક વાંચતાં વાંચતા મેં વાળેલા પાનાંમાં લખાયેલી વાતોના મર્મને સમજ્યા પછી મારુ પાનું વાળવાનું કારણ પણ સમજી ગયો હોત. જો એવું થયું હોત તો આજે આપણે બન્ને એકજ ઝુલા પર બેસીને એક્સાથે આ ભૂતકાળની ક્ષણોને વાગોળતા હોત અને સાથે બેસીને યાદ કરેલો ભૂતકાળ જિંદગીની તૃપ્તિનો ઓડકાર આપતો હોત.
છતાં, આજે આ દર્દની ખંજવાળ પણ એકદમ મીઠી લાગી રહી છે કેમ કે એની સાથે દુઃખદ તો દુઃખદ પણ તારી યાદો જોડાયેલી છે. આજે આ પુસ્તકનું દરેક પાનું પીળું પડી ગયું છે-નિસ્તેજ થઈ ગયું છે . આજે સમજાય છે કે પીળું- નિસ્તેજ થઈ જવું એ નિયતિ છે મારી પણ અને પુસ્તકની પણ.
તું જાણે છે આલાપ? આ ઝુલો, આ પુસ્તક અને આ પ્રેમ તારી જ અમાનત છે કેમકે ‘બસ, હું તો તને જ પ્રેમ કરું છું.’
સારંગી
(નીતા સોજીત્રા)