“રણઝણસિંહ, થોડા દિ’થી નવો ત્રાસ ચાલુ થયો છે.” અમે રણઝણસિંહને ફરિયાદ કરવા જતા હતા ત્યાં એમણે પૂછી નાંખ્યું:
“શું થયું, મચ્છરો કરડે છે?”
“ના, કવિઓ!”
રણઝણસિંહ ખડખડ કરતાં હસી પડ્યા. “અલ્યા મન્નુડા, તને કવિઓ કરડે છે? કવિઓ?”
“કરડતા નથી પણ – હવે શું કહું?” અમે બળાપો કાઢ્યો.
“બે ચાર ઓળખીતા કવિઓ રોજ સવારે વોટ્સ-એપમાં એક કવિતા પધરાવી દે છે! ખોલીને ન વાંચીએ તો કવિને ખોટું લાગે અને વાંચીએ તો -”
“કરડે છે? ક્યાં કરડે છે? બોચીમાં? કાનમાં કે બગલમાં?”
“રણઝણસિંહ, મજાક ના કરો. ફેસબુકમાં તો રાફડો ફાટ્યો છે! એક કવિના પાંચ ચાહકો હોય, તે વળી દરેક બીજા પંદરને ટેગ કરે… ‘લાઈક’નો અંગૂઠો ય હવે તો દુઃખવા લાગ્યો છે. ”
“મન્નુડા, ફેસબુકમાં અને વોટ્સ-એપમાં ઓટો-લાઈક અને ઓટો-ડિલીટનાં ઓપ્સનું હોવા જોઈં” રણઝણસિંહને નવું સુઝ્યું.
“એમાં સામેવાળાના પેજમાં ગયા વિના કે પોસ્ટ ખોલ્યા વિના, બહારથી જ બન્ને વસ્તુ એની મેળે ‘લાઈક-ડિલીટ’ થઈ જાવી જોઈં…. મૈં ભી ખુશ, ને તુમ બી ખુશ! ”
“શું ધૂળ ખુશ ?” અમે કહ્યું. “હમણાં તો લગભગ સામટા પચાસ જેટલા કવિઓનો ઓનલાઈન મુશાયરો હાલ્યો ’તો!”
“શું વાત કર છ, મન્નુડા ! હંધીય કવિતાઉં કોરોના ઉપર?”
“ના ના, એવું નહિ, કવિતાઓ તો જુદા જુદા વિષય ઉપર, પણ -”
“બારી એક જ ટાઈપની!” રણઝણસિંહ જરા ભેદી રીતે ભારે અવાજે નિસાસો નાંખતાં બોલ્યા: “મન્નુડા, આપણે લોકો વિન્ડો-પોએટ્સ થાતા જઈ રિયા છીએ.”
“વિન્ડો-પોએટ્સ?”
“એટલે બારી-કવિઓ… બચાડો કવિ આખો દિ’ બારીમાંથી બહાર એના આસોપાલવ ઉપર આવીને બેસતી કોયલ જોઈને હરખાયા કરે… એમાં એક દિ’ કોયલનો ટહુકો ના સંભળાય તો કવિતા કરી નાંખે!”
“રણઝણસિંહ હંધી યે કવિતાઓ ટહુકા અને કોયલની નથી હોતી.”
“જાણું છું. પરંતુ આજનો ‘બારી-કવિ’ આખી વાસ્તવિક્તાને જોઈ જ શક્તો નથી એટલે એની શબ્દભંડોળની બારીમાં હાથ ઘાલીને જે પોચા-કકરા શબ્દો હાથ લાગ્યા તેના સાથિયા પૂર્યે રાખે છે. આને કવિતા નો કહેવાય.”
“તો કવિતા કોને કહેવાય?”
“મન્નુડા, કવિતા તો પોતે ભોગવેલી પીડામાંથી ઊગે, પોતે નજરે જોયેલી યાતનાઓમાંથી સર્જાય… મને સાચું કહેજે, આમાંથી કેટલા કવિએ પેલા દા’ડી મજદૂરોની પીડાને નજરે જોઈ છે. જેમણે રોજના સળંગ 20-30 કિલોમીટર ચાલીને પોતાને ગામડે પહોંચવું પડ્યું છે?”
“પણ રણઝણસિંહ, આ લોકડાઉનમાં તો જઈ જ ન શકાય ને?”
“સાચું મન્નુડા, પણ પછી તો જઈ શકાય ને? ગુજરાતે આવડો મોટો ધરતીકંપ જોયો, આટલાં મોટાં રમખાણો જોયાં… એ પછી એની ઉપર લખાયેલી કેટલી કવિતાઓ, કેટલી વાર્તાઓ, કેટલી નવલકથાઓ લખાઈ? અને લખાઈ એમાંથી આજે કેટલી યાદ રહી જાય તેવી નીવડી?”
અમે મુંગા થઈ ગયા.
રણઝણસિંહે ફોન મુકતાં પહેલાં માત્ર એટલું કીધું કે “હવે તો લેપ-ટોપમાં ય ‘વિન્ડોઝ’ છે, મન્નુડા! ”
-મન્નુ શેખચલ્લી
