‘પેલો અક્ષયકુમારવાળો વિડીયો જોયો? મુસ્કુરાયેગા ઇન્ડિયા… એમાં બધા જ છે! ટાઈગર શ્રોફ, આયુષ્યમાન ખુરાના, ભૂમિ પેન્ડનેકર, કૃતિ સેનન, કાર્તિક આર્યન…’
‘હાસ્તો !’ રણઝણસિંહ ફોનમાં જરા વિચિત્ર રીતે હસ્યા.
“સૌ પોતપોતાના આઠ-દસ કરોડની કિંમતના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની બાલ્કનીમાં ઊભા ઊભા ગાયન ગાઈને આપણને સૌને આશાવાદનું ગાજર લટકાવી રહ્યા છે, એ જ ને?”
અમારો આખો મૂડ ખલાસ થઈ ગયો.
“યાર, રણઝણસિંહ ! તમે હંમેશાં દરેક વાતને સાવ ઊંધા છેડેથી કેમ જુઓ છો ? બિચારા ફિલ્મ-સ્ટારો આ લોકડાઉનમાં પોતાની બાલ્કનીમાં ના ઊભા રહે તો ક્યાં જાય?”
“વાંક ફિલ્મ-સ્ટારોનો નથી. એમને તો કોઈએ સોંપ્યું એટલે એક રૂપિયો લીધા વિના ગીત ગાઈ નાંખ્યું.”
“તો વાંક કોનો છે? જેણે આવો વિડીયો બનાવવાનું નક્કી કર્યું એનો? ગીત લખનારનો? સંગીતકારનો? ગાયકોનો? બિચારા સૌ દેશને સંદેશો આપવામાં સહભાગી થવા માગે છે.”
“હા, બિચારા તો ખરા…” રણઝણસિંહે જરા ઊંડો શ્વાસ લીધો. “કારણ કે એ બિચારાઓ પ્રજાની નજરમાં સતત રહ્યા કરવાની આદતમાંથી બહાર આવી જ નથી શકતા. શરૂ શરૂમાં તો અમુક લોકલ ગાયકોએ પોતાને આવડે તેવાં ગીતો બનાવ્યાં. પછી એમાં સ્થાનિક એક્ટરો ઉમેરાયા. હવે અક્ષયકુમાર આવ્યો છે એટલે બીજા ફિલ્મ-સ્ટારો પોતપોતાની લોબીઓ લઈને ગુડવિલ કમાવા આવી પહોંચશે.”
“ગુડવિલ કમાવા? તમે કહેવા શું માગો છો? અક્ષયકુમારે પચ્ચીસ કરોડનું દાન કર્યું છે.”
“એ તો જેની જેવી હેસિયત! પરંતુ અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજના ડોક્ટરોએ જે વિડીયો બનાવ્યો છે તે પોતાનો નહિ પરંતુ સમગ્ર મેડિકલ પ્રોફેશનલોની ગુડવિલ ઊભી કરે છે ને?”
“હા, વાત તો સાચી.”
“બસ, આ જ ફરક છે !” રણઝણસિંહ હસી પડ્યા. “ફિલ્મી કલાકારો અને મુશાયરાના કવિઓ પોતાની પ્રસિધ્ધિની છૂપી ભૂખ ભાંગવા માટે તરત જ વિડીયોના કેમેરા સામે ધસી આવે છે! હું એમને બિચારા એટલા માટે કહું છું કે એમને પોતાને આ વાતની ખબર નથી હોતી.”
“શું એવું ખરેખર હશે?” અમે કહ્યું. “અમુક કવિઓ તો નોટબંધીથી લઈને કોઈ ચૂંટણીના રિઝલ્ટ જેવી ઘટના બને કે તરત કવિતાઓ રચી કાઢે છે.”
“એમને કદાચ ‘ગુડવિલ’ સાથે કોઈની ‘ગુડબુક’માં રહેવામાં પણ રસ હોય. પરંતુ મન્નુ, શા માટે પોલીસવાળાઓ ગાયનો ગાવા નથી આવી પહોંચતા? શા માટે રોજનું કમાઈને રોજ ખાનારા દાડી મજદૂરો પોતાના વિડીયો અપલોડ કરીને કેટલા વ્યુઝ મળ્યા તે ગણવા નથી બેસી જતા?”
અમે માથું ખંજવાળ્યું. રણઝણસિંહ જાણે અમને ફોનમાં જોઈ ગયા હોય તેમ બોલ્યા :
“મન્નુડા, માથું શું ખંજવાળે છે ? એટલું સમજી લે જેમ દેશસેવા કરનારા અને દેશસેવાનાં ગાણાં ગાનારા અલગ હોય છે… તેમ પીડા ભોગવનારા અને એમની પીડાના કોરા સાથિયા ચીતરનારા પણ અલગ- અલગ હોય છે.”
-મન્નુ શેખચલ્લી
