“આ ન્યુઝ ચેનલું શું કરી રહી છે ?”
સવાર સવારના અમે જ્યારે સરસ મઝાનું રામાયણ જોઈ રહ્યા હતા ત્યાં રણઝણસિંહે અમારો ફોન રણઝણાવી મૂક્યો.
અમે રામાયણનો અવાજ ધીમો કરતાં એમને જવાબ દીધો. “કેમ, ન્યુઝ ચેનલો પોતાનું કામ જ કરી રહી છે ને! કકળાટો કરી રહી છે, પાણીમાંથી પોરા કાઢવા જેવી ફરિયાદો કરી રહી છે… વિરોધપક્ષના નેતાઓના વાંધા-વચકાં ટેલિકાસ્ટ કરી રહી છે અને સાથે સાથે વડાપ્રધાનશ્રીનું ભાષણ લાઈવ ટેલિકાસ્ટ કરીને દેશની સેવા પણ કરી રહી છે…”
મૂળ તો અમે અમારો અંગત બળાપો કાઢ્યો કારણ કે સળંગ દસેક મિનિટ માટે કોઈપણ ન્યુઝ ચેનલ જોવાથી અમારું બ્લડ-પ્રેશર વધી જાય છે. ત્યાર બાદ ‘આસ્થા’ ચેનલ જોઈએ કે ‘સંસ્કાર’ ચેનલ… જીવને શાંતિ થતી નથી.
રણઝણસિંહ બોલ્યા “મન્નુડા, સાચું કહેજે, દેશની સાચી સ્થિતિ શું છે એની આપણને શી રીતે ખબર પડે?”
અમે માથું ખંજવાળવા લાગ્યા. રણઝણસિંહની આ બહુ ખરાબ ટેવ છે. શાંતિથી બેઠા હોઈએ ત્યાં આપણા મગજમાં કોઈ ભળતા જ વિચારની ‘જૂ’ છૂટ્ટી મુકી દે!
અમે કહ્યું :
“રણઝણસિંહ, દેશની ૯૯.૫ ટકા જનતા તો પોતપોતાના ઘરમાં બેઠી છે. જે બહાર ફરે છે એ પોલીસો છે, ડોક્ટરો છે, નર્સો છે અને થોડાઘણા શાકભાજીવાળા છે… બાકી રહ્યા છાપાં અને ટીવીના રિપોર્ટરો… એમની કુલ સંખ્યા કેટલી? ટૂંકમાં, એ મિડિયાવાળા આપણને જે ખબરો પહોંચાડે એ જ સાચી સ્થિતિ… બીજું શું?”
“જો મન્નુડા, મને મિડીયાકર્મીઓ સામે કોઈ વાંધો નથી પરંતુ રોજેરોજની રોટલી-શાક જેવી ન્યુઝ આઈટમો શોધવામાં આ ન્યુઝ ચેનલું આખી મોટી વાનગી પારખવાનું અને પીરસવાનું હંમેશા ભૂલી જાય છે.”
“હું સમજ્યો નહિ.”
“દેશમાં છેલ્લા વીસ વરસમાં બહુ મોટી મોટી ઘટનાઓ બની ગઈ. ગુજરાતનો ધરતીકંપ, દક્ષિણ ભારતનું ત્સુનામી, ૨૦૦૮નો મુંબઈ હુમલો, ઉત્તર ભારતનાં પૂર… આ તમામ ઘટનાઓ વખતે જે ટીવી કેમેરાઓમાં ઝડપાયું એ હરીફરીને કોઈ પત્રકારની હાજરીમાં શૂટ થયેલી ક્લિપોથી વિશેષ કાંઈ નથી. મન્નુડા, આમાં સમગ્ર ચિત્ર ઊભું થાય એવી ડોક્યુમેન્ટ્રીઓ ક્યાં છે?”
અમે વિચારમાં પડી ગયા. રણઝણસિંહે ચાલુ રાખ્યું :
“બિચારા રિપોર્ટરો તો દા’ડી મજદૂર જેવા નોકરીયાતો છે. એમને તો જે ચીંધ્યું હોય ઈ જ કામ કરવું પડે… પરંતુ ડોક્યુમેન્ટ્રી બનાવનાર એક વિષયની પાછળ પડી જાય તો છેક ઊંડે લગી ઉતરે… આજે કચ્છના ધરતીકંપ વિશે સત્તરસો ને સાત છૂટી છવાઈ ‘ક્લિપો’ ક્યાંક પડી હશે, પણ એક સળંગ કહી શકાય એવી ‘ડોક્યુમેન્ટ્રી’ છે ખરી? ”
રણઝણસિંહે વધુ એક ‘જૂ’ અમારા વાળમાં છૂટ્ટી મુકી દીધી.
એ બોલ્યા :
“લખી રાખજે મન્નુડા. નસીબજોગે જો આપણે કોરોના નાથવામાં સફળ થઈશું તોય એની ડોક્યુમેન્ટ્રી દસ વરસ પછી યે ગોતી નહીં જડે.”
“વાત તો સાચી. પણ ઉપાય શું?”
“ઈ જ તો મેં પૂછ્યું, મન્નુડા, કે આ ન્યુઝ ચેનલું કરે છે શું?”
– અમને મનમાં થયું કે લો, આ ત્રીજી ‘જુ’…
-મન્નુ શેખચલ્લી
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)