દિલ્હી: યે ધૂંઆ કહાં સે ઉઠતા હૈ?

રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના કારણે ધૂમ્મસ થતાં તાજેતરમાં યમુના એક્સપ્રેસ વે પર અકસ્માત થતાં ડઝનથી વધુ વાહનો એકબીજા સાથે ટકરાઈ ગયાં હતાં. અકસ્માતમાં મૃત્યુ તો એક જ વ્યક્તિનું થયું પરંતુ તેનાથી સમગ્ર દેશ વધતા જતા પ્રદૂષણના કારણે ફરી એક વાર ચિંતામાં મૂકાઈ ગયો છે.દિલ્લીની વડી અદાલતે અને રાષ્ટ્રીય પર્યાવરણ ટ્રિબ્યુનલ (એનજીટી)એ દિલ્લીમાં હવાની ગુણવત્તા સુધારવા માટે કેજરીવાલ સરકારને ખખડાવી નાખી હતી. તેના પગલે કેજરીવાલ સરકાર જાગી અને ફરીથી એકી-બેકી યોજના લાગુ કરવા તૈયાર થઈ હતી.

વડી અદાલતે હેલિકૉપ્ટર દ્વારા કૃત્રિમ વરસાદ કરાવવા અંગે વિચાર કરવા પણ સૂચન કર્યું હતું, જેના લીધે વાતાવરણમાં રહેલી ધૂળ અને પર્ટિક્યુલર મેટર બેસી જાય. જોકે વડી અદાલતે કેજરીવાલ સરકારને પાર્કિંગ ફી વધારે લેવા ખખડાવી હતી અને પૂછ્યું હતું કે કોઈને હૉસ્પિટલ જવું હોય કે કોઈ અગત્યની ચીજ ખરીદવા જવું હોય તો તેણે પાર્કિંગ માટે ખૂબ જ વધુ ફી ચૂકવવી પડે છે તે વાજબી નથી.

જોકે આ વખતે પ્રદૂષણના કારણે ફટાકડા પર પ્રતિબંધ મૂકાયો તેથી પ્રદૂષણ ઘટવું જોઈતું હતું પરંતુ તેવું નથી થયું. ન્યાયતંત્ર દ્વારા મૂકાયેલો આ પ્રતિબંધ ઓછો અસરકારક સાબિત થયો. જો બીજા કઠોર પગલાં તરફ ન્યાયતંત્ર દ્વારા ધ્યાન અપાયું હોત તો કદાચ પ્રદૂષણ આટલી હદે ન વધ્યું હોત.

દિલ્લી હોય કે અન્ય કોઈ પણ નગર કે શહેર, પ્રદૂષણનાં સૌથી મહત્ત્વના કારણો પૈકીનું એક છે – વાહનો. વાહનો દ્વારા જે ગેસ નીકળે છે તે પ્રદૂષણ વધારે છે. આથી બસ, ટ્રેન, શટલ રિક્ષા જેવાં સાધનો દ્વારા મુસાફરીને પ્રોત્સાહન આપવું જોઈએ. ખાસ કરીને કારનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. કારના કારણે ટ્રાફિક જામ તો થાય જ છે, સાથે એક કે બે વ્યક્તિ જ કારમાં જાય તેથી પેટ્રોલ-ડીઝલની ખપત વધે છે, વિદેશી હુંડિયામણ પર અસર પણ પડે છે, પરિણામે દેશના અર્થતંત્રને નુકસાન પણ જાય છે અને પ્રદૂષણ તો વધે જ છે. આથી બસ, ટ્રેન, વગેરેની પ્રાપ્યતા વધારવી જરૂરી છે.

ઉપરાંત દિલ્લીમાં સૌથી વધુ પ્રદૂષણ સડક પર ઉડતી ધૂળથી થાય છે. વાહનોમાંથી નીકળતા ધૂમાડા પછી તેનો નંબર આવે છે. દિલ્લીની આસપાસ ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને નોએડાના ઉદ્યોગોમાં પારંપરિક ઈંધણોનો ઉપયોગ ચાલુ છે. ઉદ્યોગપતિઓ ખર્ચા રોકવા માટે પર્યાવરણને અનુકૂળ ઊર્જાનો ઉપયોગ કરવા તૈયાર નથી. ફરીદાબાદમાં ૧૭ હજાર ઉદ્યોગો છે જેમાંથી માત્ર ૨૧૦ જ ગેસ પર ચાલે છે.

ઉપરાંત બાંધકામનાં જે કાર્યો ચાલી રહ્યા છે તેમાં પ્રદૂષણને નજરઅંદાજ કરાય છે. મોટા ભાગની જગ્યાઓ પર ધૂળથી બચવા ગ્રીન નેટ લગાવાતી નથી. ગ્રીન નેટ લગાવ્યા વગર માટીનું ખોદકામ થાય છે. આથી આવી જગ્યાઓએથી પસાર થતા લોકોને ધૂળને શ્વાસમાં લેતાં લેતાં નીકળવું પડે છે.

ઉપરાંત કેજરીવાલ સરકાર અન્ય પક્ષોની પાછળ પડેલી રહે છે, પરંતુ દિલ્લીમાં સડકો તૂટેલી છે. આથી તેમાંથી વાહનો પસાર થાય ત્યારે ધૂળ ઊડે છે. દિલ્લીની પાસે ગુરુગ્રામનો છેલ્લા એક દશકમાં ઝડપથી વિકાસ થયો છે, પરંતુ તેના માટે અનેક વૃક્ષો કપાયાં છે. તેના બદલામાં નવાં વૃક્ષો વવાયાં નથી. ફરીદાબાદમાં મેટ્રો અને છ માર્ગીય રસ્તા માટે લગભગ ૨૦ હજાર વૃક્ષો કપાયાં હોવાનું અનુમાન છે. આમ, મેટ્રોમાં મુસાફરી કે છ માર્ગીય પર પૂરપાટ ઝડપે નીકળવું તો સારું લાગે પરંતુ વૃક્ષો કપાયાં તેના કારણે પ્રદૂષણ વધ્યું તેનું શું?

આમ, વિકાસની દોટમાં આપણે પર્યાવરણના વિનાશ તરફ આગળ વધી રહ્યા છીએ. મોટી મોટી ઈમારતો, મોટી મોટી સડકો, મોટા મોટા ઉદ્યોગો એ શું ખરેખર વિકાસ છે? તેના કારણે વધતા પ્રદૂષણ અને તેના કારણે થતી બીમારીઓ અને અકસ્માતોનું શું?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]