રાજધાનીમાં સંગીત-જલસા સાથે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી

નવી દિલ્હી: વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે ૨૪ ઓગસ્ટ ૨૦૨૫ને રવિવારે રાજધાનીમાં એક ભાષા-સાહિત્ય ગોષ્ઠી યોજાઈ. ‘મારી ભાષા ગુજરાતી’ મંચના ઉપક્રમે યોજાયેલ બેઠકમાં સંગીત-જલસો થયો હતો. જેમાં ગાયક કલાકાર યુગલ બિંદુ જોશી અને વિભુ જોષીએ ગુજરાતી ગીતો રજૂ કરી મહેફિલ જમાવી હતી.તેમણે કવિ નર્મદની રચના ‘જય જય ગરવી ગુજરાત’થી આરંભ કરીને નરસિંહ મહેતાની રચના ‘જળકમળ છાંડી જાને બાળા’ અને મેઘાણીની રચના ‘કસુંબીનો રંગ’ અને ‘મોર બની થનગાટ કરે’ની ભારે પ્રભાવશાળી જમાવટ કરી શ્રોતાઓને ડોલાવ્યા હતા. નવોદિત યુવાગાયક મૃદંગ પટેલે બોટાદકરની રચના ‘જનનીની જોડ સખી નહી જડે રે લોલ’ ભારે ગાઈને સૌનાં મન મોહી લીધાં હતાં. અનુવાદક-અભિનેતા રાજેશ પટેલે ‘રીંછ એકલું ફરવા ચાલ્યું’ તથા સ્વર-કલાકાર તથા અભિનેત્રી રાખી રાંકાએ ‘નાની મારી આંખ એ જોતી કાંક કાંક’ કાવ્ય રચના સાભિનય રજૂ કરી સૌને બાળપણમાં યાદોમાં લઈ જઈ રસતરબોળ કર્યા હતા.

આ અવસરે શ્રી દિલ્હી ગુજરાતી સમાજના ટ્રસ્ટી નિતીન આચાર્યએ જણાવ્યું, “દિલ્હીમાં ગુજરાતીઓની ઘણી વસ્તી છે અને એમાં ગુજરાતી ભાષા બોલવાનું પ્રમાણ બહુ ઓછું છે એવામાં આ અને આ પ્રકારના કાર્યક્રમ બહુ પ્રાસંગિક અને મહત્ત્વના બની રહે છે.” તેમણે ‘મારી ભાષા ગુજરાતી’ મંચની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્રના મંત્રી શૈલેન્દ્ર પંચાલે કહ્યું, “આજે માતૃભાષાનું ચલણ જોખમાતું જણાય છે, ત્યારે કુટુંબના સભ્યોએ ઘરમાં પ્રવેશ કરતાં સાથે ગુજરાતીમાં બોલવાની જૂની પરંપરા જાળવી રાખવી જોઈએ. અને તો જ  ભાષાનું જતન થશે.”‘મારી ભાષા ગુજરાતી’ના સંસ્થાપક સંયોજક તથા નાટ્યકાર ભાગ્યેન્દ્ર પટેલે જણાવ્યું, “પાંચ વર્ષ અગાઉ  લોકડાઉન સમયમાં આ મારી ભાષા મંચની રચના થયેલી અને તેના માધ્યમે અનેકવિધ અનેક કાર્યક્રમો થયેલા તે પછી એની સક્રિયતા સતત રહી છે.”

આ પ્રસંગે ‘ધૂમકેતુ’ની સુપ્રસિદ્ધ નવલિકા ‘રજપૂતાણી’નો યુટ્યુબ પર પ્રીમિયર શો યોજાયો, જે  ભાગ્યેન્દ્ર પટેલ દ્વારા ધ્વનિનાટ્ય રૂપે સંગીતબદ્ધ, સંપાદિત અને દિગ્દર્શિત કરવામાં આવેલ છે. આ સમારોહમાં જાણીતાં કુચીપુડી નૃત્યગુરુ મીનુ ઠાકુર, પરેશ કંસારા, દિલીપ શાહ, કે.કે. શાહ વગેરે અગ્રણી સાંસ્કૃતિક સંવર્ધક મહાનુભાવોએ હાજરી આપી હતી.