અયોધ્યાના ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ચઢાવાના દાનની ચોરી અને નાણાકીય હેરાફેરીના મામલામાં તપાસ એજન્સીઓ ખૂબ જ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગઠિત વિશેષ તપાસ ટીમ (SIT) અને અયોધ્યા લોકલ પોલીસે આજે તમામ 8 આરોપીઓના ઘરો અને વિવિધ ઠેકાણાઓ પર એકસાથે ત્રાટકીને તાબડતોબ દરોડા પાડ્યા હતા. પોલીસ આ કેસમાં અગાઉ જ 80 લાખ રૂપિયાની મોટી રકમ રિકવર કરી ચૂકી છે, પરંતુ એજન્સીઓને આશંકા છે કે આરોપીઓ પાસેથી હજુ પણ મોટું કેશ કલેક્શન અને મહત્વના દસ્તાવેજો મળી શકે છે. પોલીસ અને રેવન્યુ (મહેસૂલ) વિભાગની ટીમો જ્યારે આરોપીઓના ઘરે પહોંચી ત્યારે ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. મુખ્ય આરોપી રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુના ઘરને પોલીસે છાવણીમાં ફેરવી દીધું હતું અને અંદર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, ટિન્નુ યાદવના ભત્રીજા મનીષ યાદવના ઘર પર તાળું લટકતું જોવા મળ્યું હતું.

આ સિવાય અન્ય આરોપી અનુકલ્પ મિશ્રાના હાઈવે નજીક બનેલા નવા મકાન પર પણ દરોડા પાડી તેની મિલકતોની તપાસ શરૂ કરાઈ છે. આરોપી અવિનાશ શુક્લાના ઘરે પોલીસ ફોર્સ તૈનાત છે, જ્યારે જેલમાં બંધ આરોપી લવકુશ મિશ્રાનો પરિવાર ભાડાના મકાનને તાળું મારીને ફરાર થઈ ગયો છે. પોલીસની ટીમો કરુણેશ પાંડે, રમા શંકર મિશ્રા અને સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવના ઠેકાણાઓને પણ બારીકાઈથી ખંખેરી રહી છે.
કેસની ક્રોનોલોજી: 7 June થી શરૂ થયેલો વિવાદ 28 June ના દરોડા સુધી કેવી રીતે પહોંચ્યો?
રામ મંદિર દાન કૌભાંડની તપાસ કઈ દિશામાં આગળ વધી છે, તેની વિગતવાર ડાયરી નીચે મુજબ છે:
7 June: એક સ્થાનિક નેતાના કારણે રામ મંદિર દાન કૌભાંડનો મામલો પહેલીવાર સપાટી પર આવ્યો. ત્યારબાદ સપા પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખળભળાટ મચાવ્યો. ટ્રસ્ટના ચંપત રાયે વીડિયો જાહેર કરી આરોપો નકાર્યા.
13 June: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેસની ગંભીરતા જોઈને લખનૌ કમિશનરના નેતૃત્વમાં 3 (ત્રણ) સભ્યોની હાઈ-લેવલ SIT ની રચના કરી.
15 & 16 June: SIT અયોધ્યા પહોંચી અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ગોપાલ રાવની અલગ-અલગ 6 (છો) કલાક સુધી પૂછપરછ કરી. ટ્રસ્ટના છેલ્લા 11 (અગિયાર) મહિનાના તમામ રેકોર્ડ અને દસ્તાવેજો જપ્ત કરાયા.
17, 18 & 19 June: બેંકના અધિકારીઓ, નોટ ગણવા વાળી પ્રાઇવેટ એજન્સીના પ્રતિનિધિઓ તેમજ ટ્રસ્ટના મેનેજર ડો. અનિલ મિશ્રા અને આરોપી ટિન્નુ યાદવની ક્રોસ-પૂછપરછ કરવામાં આવી. બેંક સ્ટેટમેન્ટ અને ફાઇનાન્સિયલ રજીસ્ટરની ચકાસણી થઈ.
20 & 23 June: શંકાસ્પદોના બેંક ખાતાઓ સીઝ કરાયા અને 6 (છ) દિવસની તપાસ બાદ ગૃહ વિભાગના અપર મુખ્ય સચિવ સંજય પ્રસાદને પ્રાથમિક તપાસ અહેવાલ સોંપવામાં આવ્યો.
25 & 26 June: ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહનની ફરિયાદના આધારે 8 આરોપીઓ સામે સત્તાવાર FIR નોંધાઈ. બીજા જ દિવસે પોલીસે તમામ 8 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 80 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા.
27 June: આ વિવાદ વકરતા જ નૈતિક જવાબદારી સ્વીકારીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને સભ્ય ડો. અનિલ મિશ્રાએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું.
28 June: ધરપકડ કરાયેલા તમામ આરોપીઓના ઘરો પર પુરાવા એકત્ર કરવા માટે પોલીસ અને મહેસૂલ વિભાગે સંયુક્ત મેગા સર્ચ ઓપરેશન (Raid) હાથ ધર્યું.




