|
કોટિ નામ સંસારમેં, તાતે મુક્તિ ન હોય. આદિ નામ જો ગુપ્ત જપ, બિરલા જાને કોય. |
મધ્યકાલીન સંત-કવિઓએ નામજાપને અતિ મહત્ત્વનું કાર્ય ગણ્યું છે. ગુરુ નાનક, કબીરજી, તુકારામ, મીરાં, નરસિંહ,
સૂરદાસ, તુલસીદાસ એમ સૌએ નામ-કીર્તનનો મહિમા કર્યો છે. આપણે એક નામ લઈએ અને પાડોશી અન્યનું નામ લે તેમાં તનાવ અને હિંસા થાય તેવી સ્થિતિ છે. મધ્યયુગમાં આનાથી પણ વધારે કફોડી હાલત હતી.
હરિના હજારો નામો હોય પણ એકેશ્વરવાદનો સાચો અર્થ સમજીએ તો “નામરૂપ જુજવાં પણ અંતે તો હેમનું હેમ હોય”એ ન્યાયે સર્વવ્યાપ્ત શક્તિનું દર્શન થઈ શકે. સમજણ વિના કોટી પ્રકારની નામસાધના કરીએ તો તે પોપટિયા જાપથી વિશેષ નથી. તેનાથી મુક્તિ ન થાય.

મુક્તિ માટે તો કોઈ દેખાડો કર્યા વિના મન સ્થિર કરી આદિનામ મૂળનામ લઈએ તો મુક્તિ થાય. શીખ ધર્મમાં એક શબ્દ મૂળ નામ ઓંકારનું વિશેષ સ્થાન છે. ૩ૐ શબ્દની ઉપાસનાથી શરીર-મનને શાંતિ પ્રાપ્ત થાય છે. સાચો સાધક આત્મચિંતન દ્વારા સ્વના દોષોનું નિવારણ કરે છે તેમાં નામ-મંત્રનું રટણ ઉપકારક છે. મૌન રાખી, શાંત ચિત્તે ધ્યાન કરવાથી મનના તરંગો શાંત થાય છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)


