દર વર્ષે 11 જુલાઈને વિશ્વ વસતિ દિવસ (World Population Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત યુનિટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા 1989માં કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ વધતી વસ્તીને લઈ વૈશ્વિક ચિંતાઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.
2025 સુધીમાં વિશ્વની વસતિ અંદાજે 8.1 અબજ (બિલિયન)ને પાર કરી ચૂકી છે, જેમાં કેટલાક દેશોની વસતિ વિશ્વના કુલ વસ્તી બોજાનું મોટું પ્રમાણ ધરાવે છે. આવો જાણીએ વિશ્વના ટોપ 10 દેશો વિશે. જેની વસતિ સૌથી વધારે છે.
ભારત
2023-24 દરમિયાન ચીનને પાછળ છોડી ભારત હવે વિશ્વનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની ચૂક્યો છે. 1.44 અબજથી વધુ વસતિ ધરાવતું ભારત આક્રમક શહેરીકરણ અને યુવા વસતિના કારણે તકો અને પડકાર બંનેનો સામનો કરી રહ્યું છે. આ વસતિમાંથી આશરે 65% લોકો 35 વર્ષથી ઓછી વયના છે, જે ભારતને યંગ નેશન બનાવે છે. પરંતુ મોટાં શહેરોમાં વસતિની ઘનતા અત્યંત વધારે છે. ઉદાહરણ તરીકે મુંબઇ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઇ જેવા શહેરોમાં ઓછી જગ્યામાં ઘણાં બધા લોકો રહે છે એટલે આ શહેરોમાં એક ચોરસ કિલોમીટરમાં હજારો લોકો વસે છે. આવું ભીડભરેલું જીવન ઘણી બધી સમસ્યાઓ ઉભી કરે છે. જેમ કે ટ્રાફિકની મુશ્કેલી, પાણીની અછત, ઘરના ભાવ ઊંચા, હોસ્પિટલ અને સ્કૂલોમાં જગ્યા ન મળવી. મોટી વસતિના કારણે રોજગારી મળવી પણ વધુ મુશ્કેલ બની રહી છે. ભારત માટે વધતી વસતિ હવે એક મોટો ચિંતાનો વિષય બની ગઈ છે.
ચીન
બીજા ક્રમે આવનાર ચીન લાંબા સમય સુધી વિશ્વમાં સૌથી વધુ વસતિ ધરાવતો દેશ રહ્યો હતો. વર્તમાન સમયમાં ચીનની વસતિ 1.42 અબજ છે. પરંતુ હવે ચીનમાં વસતિ વૃદ્ધિ દર શૂન્ય કે નકારાત્મક થઈ રહી છે. વસતિની વૃદ્ધિ રોકવા માટેના ‘એક સંતાન નીતિ’ના દુરગામી પરિણામ સ્વરૂપે આજે ચીન વૃદ્ધ જનસંખ્યા અને ઓછી શ્રમશક્તિના જેવી સમસ્યાઓથી પીડાય છે. ઉદ્યોગ ક્ષેત્રે દૈનિક ઉત્પાદન અને ટેક્નોલોજીમાં અગ્રેસર હોવા છતાં માનવ સંસાધનની અછતથી ચીનની અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી રહી છે.
અમેરિકા
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની વસતી હવે 34 કરોડથી વધુ થઈ ગઈ છે. અહીં વસતી વધવાના સૌથી મોટા બે કારણ છે. એક તો દુનિયાના ઘણા દેશોમાંથી લોકો અમેરિકામાં આવીને રહે છે (જેને સ્થળાંતર કહે છે) અને બીજું એ કે અહીં લોકો લાંબું જીવન જીવે છે. વિશ્વના ઘણા વિકાસશીલ દેશોમાં રહેતા લોકો નોકરી અને સારી જીવનશૈલીની આશાએ અમેરિકા જવાનું સપનું જુએ છે. દેશમાં ઉચ્ચ દરજ્જાની આરોગ્યસેવા, શિક્ષણ અને ટેક્નોલોજી છે, પરંતુ વસતિના વધતા દબાણ સાથે ઘરોના ભાવ, આરોગ્ય ખર્ચ અને રોજગારીમાં અસમાનતા પણ વધી રહી છે.
ઈન્ડોનેશિયા
દક્ષિણપૂર્વ એશિયામાં આવેલો ઈન્ડોનેશિયા 280 મિલિયન વસતિ ધરાવતો વિશ્વનો ચોથો સૌથી વધુ વસતિવાળો દેશ છે. લગભગ 17,000 જેટલા દ્વીપો ધરાવતો આ દેશ દરિયાના પાણીની વચ્ચે વસતી વસાહત જેવો છે. અહીંનો મોટો હિસ્સો યુવાન છે, પણ રોજગારી માટે જકાર્તા અને બાંદુંગ જેવા શહેરોમાં ભારે ઊંચાણ છે. મજૂર વિહોણાં ઉદ્યોગોમાં બહોળો વપરાશ થતો હોવા છતાં લોકોના જીવનમૂલ્યો અને જીવનશૈલીમાં મોટો તફાવત છે. શૈક્ષણિક અને આરોગ્ય સેવા નીચા સ્તરે છે.
પાકિસ્તાન
પાકિસ્તાન પણ દુનિયાની ટોચની વસતિ ધરાવતો દેશ છે. અહીંની વસતિ 245 મિલિયન છે. અહીં વસતિ ઝડપથી વધી રહી છે, પણ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે હજુ પણ ઘણા પડકારો છે. બેરોજગારીનું પ્રમાણ ઘણું ઊંચું છે. દુર્ભાગ્યે, સ્ત્રીઓ માટેના આરોગ્ય અને કુટુંબ નિયોજન અંગે જાગૃતિની ખોટ સતત વસતિ વધારો લાવે છે. મોટા શહેરોમાં વસવાટની તંગી અને પૂરતી મૂળભૂત સુવિધાઓનો અભાવ ભારે સમસ્યા છે.
બ્રાઝિલ
દક્ષિણ અમેરિકા ખંડમાં વસેલા બ્રાઝિલની વસતિ 218 મિલિયન છે. અહીંના મોટા શહેરો જેવા કે રિયો ડી જાનેરો અને સાઓ પાઉલો વસતિની ઘનતામાં વિશ્વના સૌથી ટોચના શહેરોમાં આવે છે. ઉદ્યોગ, કૃષિ અને સેવા ક્ષેત્રે તકો હોવા છતાં બ્રાઝિલમાં પણ ધનિક-ગરીબ વચ્ચે મોટો તફાવત છે. અનેક વિસ્તારોમાં ગરીબી, ગુનાખોરી અને શિક્ષણનો અભાવ ગંભીર મુદ્દાઓ છે.
નાઇજીરિયા
આફ્રિકાના સૌથી વધુ વસતિ ધરાવતા દેશ તરીકે નાઇજીરિયાની વસતિ અતિ ઝડપથી વધી રહી છે. વર્તમાન સમયમાં આ દેશની વસતિ 223 મિલિયન છે. સંયુક્ત રાષ્ટ્રના અનુમાન પ્રમાણે 2050 સુધીમાં નાઇજીરિયા ત્રીજા સ્થાને આવી શકે છે. પરંતુ દૂરંદેશીનો અભાવ ધરાવતું શાસન અને ભ્રષ્ટાચારને કારણે રોજગારી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતોનું નેટવર્ક ખોરવાઈ ગયું છે. દેશમાં બાળકોના પોષણ અને માતૃ આરોગ્યના દર ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.
બાંગ્લાદેશ
ભારત સાથે સરહદી જોડાણ ધરાવતું બાંગ્લાદેશ વસતિના દબાણથી સતત પીડાય છે. ઓછી જમીન પર વધુ લોકો વસતા હોવાથી જીવનમૂલ્યો અત્યંત નીચા છે. 174 મિલિયન વસતિ ધરાવતા દેશનું સૌથી મોટું રોજગારી ક્ષેત્ર, રેડીમેડ ગાર્મેન્ટ ઉદ્યોગ, લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે, પરંતુ મજૂરો માટે કામની પરિસ્થિતિઓ કઠોર અને જોખમી છે. બાંગ્લાદેશે કુટુંબ નિયોજન માટે અમુક અંશે સફળ પ્રયાસો કર્યા છે.
રશિયા
વિસ્તારના પ્રમાણમાં ખુબ જ ઓછી વસતિ ધરાવતો રશિયા હવે વસતિ ઘટાડાનો સામનો કરી રહ્યો છે. યુરોપ અને એશિયા વચ્ચે આવેલા આ દેશમાં ઠંડીના કારણે ઉત્તરના વિસ્તારોમાં વસતિ ઓછી છે. આ દેશની વસ્તી 143 મિલિયન છે. યુદ્ધ, આંતરરાષ્ટ્રીય તણાવ, અને અર્થતંત્રમાં મંદીથી અહીં રોજગારીના પ્રશ્નો ઊભા થયા છે. વૃદ્ધોની સંખ્યા વધી રહી છે અને યુવા વસતિની ખોટ છે.
મેક્સિકો
મધ્ય અમેરિકાનો દેશ મેક્સિકો તીવ્ર શહેરીકરણ અને વસતિ વધારાની સાથે ઉદ્યોગ ક્ષેત્રે પણ આગળ વધ્યું છે. પરંતુ દેશમાં ગરીબી અને નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ વધુ છે. મેક્સિકોની વસતિ 129 મિલિયન છે. રોજગારીના અવસરો એવા ક્ષેત્રો માટે મર્યાદિત છે, જ્યાં વસતિ સૌથી વધુ છે. અમેરિકાની સીમા નજીક હોવાથી નોકરી માટે સ્થળાંતર અને અવૈધ ઘૂસણખોરી પણ મોટો મુદ્દો છે.
હેતલ રાવ
