રોજ સવારે એ બરાબર ચારના ટકોરે ઉઠી જતી. પપ્પાને શોરૂમ ખોલવાનો સમય પણ વહેલી સવારનો એટલે એની શરૂઆત પિતાની સેવાથી થાય. પતિને ઉઠાડવા, ગરમ પાણીની ડોલ બાથરૂમમાં મુકી આપવી, હાથમાં દાતણ આપવું, ગરમા-ગરમ ચા નાસ્તો અને પછી છેક દરવાજા સુધી પિતાને દુકાન માટે વળાવવા જવાનું. આ એનું વર્ષોનું રૂટીન કમસેકમ હું 22 વર્ષથી જોતી આવી છું.
પપ્પા જાય એટલે દાદા-દાદીનો ચા-નાસ્તો, દવા, મંદિર જવા માટે પૂજાની થાળી તૈયાર કરી આપવી. આ બધાની વચ્ચે પાછુ અમને ત્રણેય ભાઈ-બહેનોને તૈયાર કરી નાસ્તો કરાવી ટીફીન સાથે સ્કુલે જવા રવાના કરવા. સહેજ હાશ થાય અને ચાનો કપ હાથમાં લે ત્યાં સુધી તો દાદીમાં મંદિરેથી આવીને જમવાનું મેનું સંભળાવવા એને બોલાવે. બધાનું મનપસંદ જમવાનું બનાવું, પપ્પા માટે બરાબર 12ના ટકોરે ટિફીન મોકલાનું, પાછું વાસણ, કપડા, કચરા-પોતા તો ખરાજ. એટલામાં તોઅમે ત્રણેય સ્કુલેથી આવી પહોંચીએ, એટલે પાછી અમારી સેવામાં લાગી જવાનું. અમારું લેશન, ટ્યુશન બધુ એની જ જવાબદારી.
એ પૂર્ણ થાય એ પહેલા 4ના ટકોરે દાદા-દાદીને ચા અને 5ના ટકોરે નાસ્તો આપવાનો. ફરી દાદી રાડ પાડી સાંજના વાળુનું મેનું એને આપે, એ પણ આદેશ પ્રમાણે શાકભાજી લઈ આવે, ઘરમાં જોઈતી વસ્તુ લાવે અને ફરી પાછી રસોડામાં પુરાય. ગરમ ગરમ જમવાનું બધાને પીરસે, એટલામાં પપ્પા આવે, પાછી એમની સેવામાં એ લાગે, પાણી આપવાનું, હાથ-પગ ધોવે ત્યાં સુધી ટુવાલ પકડી એમની બાજુમાં ઉભા રહેવાનું, પછી જમવાનું પીરસવાનું સાથે આખો દિવસ દુકાનમાં શું થયું એ બધુ જ મૂક પ્રેક્ષક બની એને સાંભળવાનું. બધું કરીને પરવારે ત્યાં ઘડીયાળમાં 12ના ટકોરા સંભળાય. ફરી ચારના ટકોરે એનું એજ જીવનચક્ર શરૂ..
આ બધાની વચ્ચે કેટકેટલા વાર-તહેવાર, મહેમાનો,સગા-સંબંધીઓની અવરજવર, સારા-નરસા પ્રસંગો બધુ એને જ મેનેજ કરવાનું. પણ જરા અમથું એ કંઇક માગે તો સાંભળવાનું પણ ખરા કે તારે શું જરૂર છે? બધુ વગર માગે મળી તો રહે છે. એના રોજના આ જીવનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ આવે, પરંતુ એના રોજીંદાકામમાં જરાય ફર્ક ન પડે.
સવાલ એ થાય કે દર વર્ષે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે પણ એથી મહિલાઓના જીવનમાં કોઈ બદલાવ આવે છે?
મહિલા દિવસ એ માત્ર એક દિનની ઉજવણી નથી!
સ્ત્રી એ માત્ર એક નામ નથી, એ એક સંભાવનાઓનો સમૂહ છે. આંકડાઓની હારમાળામાં શૂન્ય જેવું મહત્તવ ધરાવતું પ્રાત્ય છે, જે વગર બધા આંકડાઓ ફક્ત એક ડિજિટ બની જાય. એ જીવનનું અનિવાર્ય તત્વ છે, જેનાથી સમગ્ર સંસારનું સ્વરૂપ ઘડાય છે. સ્ત્રી એટલે એ નાજુક ખીલી, જે સંસારરથનાં ભારે પૈડાંને જોડીને, થાક્યા વિના જીવનને ગતિમાન રાખે છે. સંસારની ધુરામાં અથડાતી-કુટાતી છતાં, એ પોતાનું સર્વસ્વ ઝંખી, પરિવાર અને સમાજ માટે અડગ રહીને પોતાનું સ્થાન નિશ્ચિત કરે છે. પરંતુ શું સમાજમાં મહિલાને એ સ્થાન મળે છે? માત્ર મહિલા દિવસની ઉજવણી કરવાથી મહિલાઓની સમસ્યાનું નિવારણ થઈ શકે? કારણ કે હજુ પણ સમાજ સ્ત્રીને યોગ્ય માન-સમ્માન આપતો નથી. આ માટે માત્ર પુરુષપ્રધાન સંસ્કૃતિ જ જવાબદાર નથી, પરંતુ સ્ત્રીઓની પોતાની મજબૂરીઓ અને અસામર્થ્ય પણ એક કારણ છે.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘના પ્રમુખ હેતલ અમીન કહે છે, “મહિલા દિવસ, સમાજ અને લોકો માટે એક ઉજવણીનો દિવસ છે, પરંતુ ઘણી મહિલાઓ માટે આ દિવસ પોતાના અસ્તિત્વની ઓળખનો સમય પણ છે. સ્ત્રીઓ ઘણીવાર પોતાની શક્તિ અને યોગદાનને જજ કરી શકતી નથી. તેઓ રોજિંદા જીવનમાં એટલા વ્યસ્ત રહે છે કે, પોતે શું હાંસલ કર્યું છે, એ તરફ ધ્યાન જ આપતી નથી. પરંતુ જ્યારે મહિલા દિવસ ઉજવાય છે, સમ્માન થાય છે, વિવિધ કાર્યક્રમો યોજાય છે, ત્યારે અનેક મહિલાઓમાં એક નવી જાગૃતિ અને આત્મવિશ્વાસ જન્મે છે. બીજી એક વાત એ પણ છે કે,જ્યાં સુધી સ્ત્રી પોતાની જાતની કિંમત નહીં જાણે, ત્યાં સુધી સમાજ પણ એને યોગ્ય સ્થાન નહીં આપે.મહિલા દિવસએ માત્ર એક દિનની ઉજવણી નહીં, પરંતુ સ્ત્રીઓ માટે પોતાની શક્તિને ઓળખવાનો, આગળ વધવાનો અને એકબીજાને પ્રોત્સાહિત કરવાનો અવસર છે. પુરુષ પ્રધાન સમાજને બદલવાની વાત કરવી શક્ય નથી કારણ કે એ તો રહેવાનો જ. કોઈ પણ ઉચ્ચ હોદ્દા પર જ્યારે મહિલા કામ કરતી હોય ત્યારે પુરુષને એ વાત ક્યાંકને ક્યાંક ખટકે છે, જો કે એ વાતનો એ સ્વીકાર નહીં કરે. માટે મહિલાઓએ જાતે જ આ ઉજવણીનો ભાગ બની પોતાની માટે ઉભા રહેવીની જરૂર છે.”
મહિલાઓને પોતાનું સાચું સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે
મહિલા! એક એવો શબ્દ કે જેની સાથે મમતા, તાકાત, સંવેદના અને સંકલ્પ બધું જ જોડાયેલું છે. એક દીકરી, બહેન, માતા કે એક સાથીદાર, સ્ત્રી જે રોલમાં હોય, ત્યાં પ્રેમ અને સમર્પણની અનુભૂતિ કરાવે. પરંતુ, હકીકત એ છે કે આજે પણ મહિલાઓને પોતાનું સાચું સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે. આજની સ્ત્રીઓ માત્ર ઘરના ચાર દિવાલોમાં સિમિત નથી, પણ વિશ્વાસ અને મહેનતથી નવી ઊંચાઈઓ સર કરી રહી છે. વિજ્ઞાન, તંત્રજ્ઞાન, બિઝનેસ, રમતગમત, કે સામાજિક પરિવર્તનદરેક ક્ષેત્રમાં મહિલાઓએ પોતાની ક્ષમતાનો લોખંડી પુરાવા આપ્યા છે. છતાં હજી પણ ઘણી સ્ત્રીઓ માટે સ્વતંત્રતા અને સમાનતા એક સપનું જ છે. એટલે જ, એ દિશામાં પ્રયત્ન કરવા પડશે કે જ્યાં દરેક સ્ત્રી સુરક્ષિત, સશક્ત અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવે.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના નાણાકીય સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. મોના દેસાઈ કહે છે કે, “મહિલા દિવસની ઉજવણીનો વ્યાપક પ્રમાણમાં તાત્કાલિક અસર ભલે ન પડે, પરંતુ કેટલાક લોકો માટે એ પરિવર્તનનું બીજ રોપી શકે છે. સમાજના દરેક સ્તરે મોટા ફેરફાર લાવવા માટે સમય લાગે, પણ જાગૃતિ અને વિચારસરણીમાં પરિવર્તન લાવવું એ એક મહત્વપૂર્ણ પ્રોસેસ છે. જો મહિલાઓ માટે સારા વિષયવસ્તુ ધરાવતા વ્યાખ્યાન અને ચર્ચાઓ યોજવામાં આવે, તો તે ચોક્કસપણે કેટલાંક જીવનમાં હકારાત્મક બદલાવ લાવી શકે છે. દર વર્ષે આપણે ભગવાન સત્યનારણ દેવની કથા કરાવીએ છીએ, જે સાંભળીને જીવનમાં ધીમે-ધીમે પણ પોઝીટીવ ધાર્મિક અસર પડે છે. એ જ રીતે જો મહિલાઓ સંબંધિત સશક્તિકરણના વિષયો પર ચર્ચા કરવામાં આવે, જો ઉપયોગી અને પ્રેરણાદાયક પ્રવચનો યોજાય, તો એમાંથી અમુક બહેનો ચોક્કસપણે પ્રભાવિત થાય છે અને પોતાનું જીવન બદલવા પ્રેરાય છે. જો 100 સ્ત્રીઓમાંથી ફક્ત 2-4 સ્ત્રીઓ પણ આમાંથી પ્રેરાય અને પોતાની જાતમાં સુધારો લાવે, તો એ પણ એક મહત્વનો બદલાવ છે.”
મહિલા દિવસ, એક ઉજવણી કે વાસ્તવિક બદલાવ?
દર વર્ષે ૮ માર્ચે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ધૂમધામથી ઉજવાય છે. મંચ પર મહાન સ્ત્રીઓના ગૌરવગાન ગવાય, એમના ત્યાગ અને સમર્પણની વાતો થાય, અને એક દિવસ માટે સમગ્ર સમાજમાં સ્ત્રી શક્તિની પ્રશંસા થાય. પરંતુ, પછી શું? શું આ એક દિવસની ઉજવણી પછી, સ્ત્રી પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાય છે? ઉજવણી કરતા વધુ જરૂરી છે માનસિકતા બદલવી.શું મહિના કે વર્ષના એક દિવસે સ્ત્રીઓને સન્માન આપી, બાકી દિવસો એમને અવગણવી એ સાચું છે? શું ૮ માર્ચે “Respect Women” લખી, પછી સમાજમાં એમના અધિકારો માટે અવાજ ન ઉઠાવવો યોગ્ય છે? હજી પણ કેટલાક પરિવારોમાં દીકરીઓને છોકરાઓથી ઓછી ગણવી એ સાચું છે? જો સાચા અર્થમાં પરિવર્તન જોઈએ, તો આ એક દિવસની ઉજવણી પૂરતી નથી.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં સુરતની રિલાયન્સ ફાઉન્ડેશન સ્કુલમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કલ્ચર કોર્ડિનેટર તરીકે કાર્યરત પિંકલબહેન દેસાઈ કહે છે, “દર વર્ષે ૮ માર્ચે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવાય છે. શાળાઓમાં કાર્યક્રમો થાય, ઓફિસોમાં ખાસ પ્રવૃત્તિઓ યોજાય, સોશિયલ મીડિયામાં “વુમન પાવર”ના હેશટેગ ટ્રેન્ડ થાય. સ્ત્રીઓને શુભેચ્છા પાઠવવામાં આવે, કેટલાક સ્થળોએ પ્રોત્સાહન પત્રો અપાય. એક દિવસ માટે, સમગ્ર વિશ્વ સ્ત્રીશક્તિની વાતો કરે. પણ પ્રશ્ન એ છે કે, શું આ એક દિવસની ઉજવણી કાંઈક બદલાવે છે? આજે સ્ત્રીઓ વિજ્ઞાન, ટેકનોલોજી, રાજકારણ, ઉદ્યોગ અને કલા જેવા દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. પરંતુ, હકીકત એ છે કે હજી પણ લાખો સ્ત્રીઓ શિક્ષણથી વંચિત છે,Decision-making માં ભાગ નથી લઈ શકતી, અને ઘરના તથા સમાજના સંસ્કૃતિના નામે એમના સપનાઓ પર નિયંત્રણ મુકવામાં આવે છે.”
એ ઉમેરે છે કે “મહિલા દિવસની ઉજવણીની સાથે, જો સમાજની માનસિકતા ન બદલાય, તો આ એક દિવસ વાસ્તવમાં કંઈ નહીં બદલાય. આ એક દિવસના સન્માનથી શું એ સ્ત્રીની સમસ્યાઓ ઓછી થઈ જશે, જે રોજ લૈંગિક ભેદભાવનો શિકાર બને છે? શું આ એક દિવસની ઉજવણી એ મહિલાને ન્યાય અપાવી શકે, જે હજી પણ અવાજ ઉઠાવતા ડરે છે? હકીકત એ છે કે સ્ત્રીનો સમ્માન માત્ર ૮ માર્ચ સુધી મર્યાદિત નહીં, દરરોજ થવું જોઈએ. જો સાચા અર્થમાં પરિવર્તન જોઈએ, તો મહિલા દિવસ માત્ર એક ઔપચારિકતા નહીં, પણ એક ચેતના બની રહેવી જોઈએ. દરેક દીકરી માટે શિક્ષણ એ પ્રથમ અધિકાર બની રહે. કેળવણીના દ્વાર ખુલ્લા રહે. ઓફિસમાં અને ઘરનું કામ બન્ને સ્થળે સ્ત્રીઓને સમાન તક મળે. દરરોજ, દરેક સ્ત્રી માટે સલામતી, સન્માન અને સમાનતા ની સંસ્કૃતિ નિર્માણ થાય. ત્યારે જ મહિલા દિવસ એકદિવસીય નહીં, પણ કાયમી ઉજવણી બની જશે.”
“હું – એક દિવસ નહીં, દરરોજનું સન્માન!”
મારું નામ ‘મહિલા’ છે. લોકો મને જુદી જુદી ઓળખ આપે – મા, દીકરી, બહેન, પત્ની… છતાં, મારી એક એકલવાયી ઓળખ છે – હું, એક શક્તિ, એક ભાવના, એક ઉર્જા!
દર વર્ષે મારું સન્માન કરવાનું એક ખાસ દિવસ માટે મર્યાદિત કરી દે છે – ૮ માર્ચ, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’. એ દિવસે મારું મહત્વ વધે છે, ભાષણો થાય, અભિનંદન મળે, પણ… બસ એ એક જ દિવસ! બીજાં ૩૬૪ દિવસ, હું એ જ સમર્પિત સ્ત્રી – કોઈની મહત્વપૂર્ણ, પણ કદાચ કોઈની નજરો બહાર.
“મારા અસ્તિત્વનો મહોત્સવ એક દિવસ નહીં,
મારા સ્વાભિમાનની ઉજવણી દરરોજ થવી જોઈએ!”
હેતલ રાવ
