મહિલાઓના ડ્રાઇવિંગ માટે આવો પૂર્વગ્રહ કેમ?

દસ વર્ષનો આરવ મમ્મી રશ્મિને પૂછે છે, “મમ્મી, તમે કાર કેમ નથી ચલાવતા? તમને મન નથી થતું?” રશ્મિ જવાબ આપે એ પહેલાં જ એના પિતા નીરવ બોલી ઉઠ્યાઃ “સારું છે તારી મમ્મી કાર નથી ચલાવતી, નહીંતર રોજ કાર અથડાવીને આવે. મહિલા ડ્રાઈવ કરે એટલે અંદર બેઠેલા કે આસપાસ ડ્રાઇવ કરતા લોકો સુરક્ષિત નથી રહેતા” નીરવની વાત સાંભળીને રશ્મિ ચૂપચાપ રૂમમાંથી નીકળી ગઇ, પરંતુ આરવને આ વાત ગળે ન ઉતરી.

એ ફરી મમ્મી પાસે જાય છે. રશ્મિ ધીમા સ્વરે કહે છે “હા બેટા, મને કાર ચલાવતા આવડતી નથી, પરંતુ જો તારી ઇચ્છા છે તો હું જરૂર શીખીશ. જો મહિલાઓ આખું ઘર, પરિવાર અને દેશ ચલાવવાની શક્તિ ધરાવે છે, તો એમના માટે કાર ચલાવવી એ મોટું કામ નથી… ”

હકીકતમાં રશ્મિ સાચું કહેતી હતી. આજે તો મહિલાઓ વિમાન અને રોકેટ સુધી ઉડાવે છે, તો પછી કાર ચલાવવી તો ખરેખર સહેલું જ કહેવાય. મૂળ મુદ્દો માનસિકતાનો છે.

આ મુશ્કેલી ડ્રાઈવિંગથી નહીં..

આજકાલ મહિલાઓ કાર ચલાવે એ સામાન્ય છે, છતાં સમાજમાં એમની આવડતને શંકાની નજરે જોવામાં આવે છે. “મહિલા ડ્રાઈવ કરે એટલે અકસ્માતની શક્યતા વધારે” એવી માન્યતા એમનો આત્મવિશ્વાસ તોડી નાખે છે. હકીકતમાં આ મુશ્કેલી ડ્રાઈવિંગથી નહીં, પરંતુ સ્ત્રી પ્રત્યેના પૂર્વગ્રહોથી જન્મે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મૈત્રી યશ ચૌહાણ કહે છે, “રસ્તા પર જ્યારે કોઈ મહિલા ધીમે કાર ચલાવે કે પાર્કિંગમાં થોડી ગડબડ કરે, ત્યારે માત્ર પુરુષો જ નહીં, ઘણીવાર મહિલાઓ પણ ટીકા કરે છે કે આને તો બરાબર પાર્કિંગ કરતા પણ નથી આવડતું! શું જોઈને કાર લઈને નીકળી પડી છે. આવી ટિપ્પણીઓથી પૂર્વગ્રહો મજબૂત થાય છે, ડ્રાઇવિંગ કરતી મહિલાને બાહ્ય દબાણ ઉપરાંત આંતરિક સંકોચનો સામનો કરવો પડે છે. આ સમસ્યા આ પ્રકારના પૂર્વગ્રહોનું પરિણામ છે. સાચી સમાનતા ત્યારે આવશે જ્યારે સ્ત્રીઓ એકબીજાની ટીકા નહીં, પરંતુ પ્રોત્સાહન આપશે, અને પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ કરશે.”

જાહેર ક્ષેત્રમાં હજી પણ અવરોધો છે

મહિલાઓ માટે કાર ચલાવવું માત્ર એક કુશળતા નથી, એ એક સ્વતંત્રતાનું પ્રતિક છે. સ્ટિયરિંગ પાછળ બેસતાં જ સ્ત્રી પોતાની પસંદગીનો રસ્તો પોતે નક્કી કરી શકે છે. ઘણીવાર મહિલાઓ જ્યારે એકલી લાંબી મુસાફરી કરે છે, ત્યારે આસપાસના લોકો ચકિત પણ થઈ જાય છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એકાઉન્ટન્ટ શિરીન સોની કહે છે, મહિલાઓ હવે કૌટુંબિક ક્ષેત્રે કે ખાનગી ક્ષેત્રમાં આત્મવિશ્વાસ સાથે કાર ચલાવે છે અને સામાજિક ટીકાઓથી બહુ પ્રભાવિત થતી નથી. તેમની ક્ષમતા પર પણ સવાલ ઉઠતા નથી. જોકે, જાહેર પરિવહન ક્ષેત્રે આ ચિત્ર અલગ છે. મહિલાઓ બસ કે જનરલ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે ભાગ લેતી નથી, જોકે રિક્ષા ચલાવવામાં થોડીઘણી સહભાગીતા દેખાય છે. આ દર્શાવે છે કે જાહેર ક્ષેત્રમાં હજુ પણ સામાજિક પૂર્વગ્રહો અને અન્ય અવરોધો મહિલા ડ્રાઇવરોની સહભાગીતાને અસર કરે છે.

રસ્તા પર ચાલતી કારનું મૂલ્યાંકન ડ્રાઈવિંગથી થવું જોઈએ

ડ્રાઈવિંગ કરતી મહિલાઓ માટે સૌથી મોટો પડકાર ટ્રાફિક નહીં, પરંતુ લોકોની નજર હોય છે. રસ્તા પર જો કોઈ પુરુષ ટ્રાફિક નિયમ તોડે તો એને બેદરકાર ડ્રાઈવર ગણવામાં આવે છે, જ્યારે એ જ ભૂલ મહિલા કરે તો તરત જ એ તો મહિલા છે માટે આવી ભૂલ તો થવાની જ આવી ટિપ્પણી થાય છે. આ દ્વિધા દર્શાવે છે કે સમસ્યા ડ્રાઈવિંગ કૌશલ્યની નથી, પરંતુ માનસિકતાની છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજિક કાર્યકર પ્રિયા વ્યાસ કહે છે કે, “કેબ ડ્રાઈવરથી લઈને રેલ ડ્રાઈવર સુધી, મહિલાઓ એ સાબિત કર્યું છે કે હિંમત અને તાલીમ હોય તો સ્ટિયરિંગ પુરુષ કે સ્ત્રી કોઈના હાથમાં પણ સુરક્ષિત છે. સમાજે હવે આ વાત સમજવી પડશે કે રસ્તા પર ચાલતી કારનું મૂલ્યાંકન એની ડ્રાઈવિંગથી થવું જોઈએ, ડ્રાઈવર સ્ત્રી છે કે પુરુષ એથી નહીં.”

સંશોધન દર્શાવે છે કે મહિલાઓ પુરુષોની તુલનામાં વધુ સલામત રીતે વાહન ચલાવે છે. પુરુષો વધુ ઝડપથી ડ્રાઇવિંગ કરે છે, નિયમોનો ભંગ વધારે કરે છે અને વ્યસન કરીને પણ ડ્રાઇવ કરવાની ઘટનાઓમાં એમનો હિસ્સો વધુ હોય છે. ભારતમાં રોડ અકસ્માતોમાં મહિલાઓનો પ્રતિશત પુરુષોની તુલનામાં બહુ ઓછો જોવા મળે છે. મહિલાઓ નિયમોનું પાલન કરે છે, સીટબેલ્ટ અને હેલમેટ વાપરવામાં આગળ રહે છે. ફ્રાન્સ જેવા દેશોમાં તો “ડ્રાઇવ લાઈક અ વુમન” જેવા અભિયાનથી પણ સાબિત થયું છે કે મહિલાઓ ગંભીર અકસ્માતોમાં ઓછો હિસ્સો ધરાવે છે.

હેતલ રાવ