અમેરિકા, વર્તમાન સમયના ટેરિફ કે અન્ય કોઇ મુદ્દે એના વલણના વિવાદો છતાં આજે પણ વિશ્વની સૌથી મોટી આર્થિક અને લશ્કરી મહાસત્તા છે એ વાતનો કોઇ ઇન્કાર ન કરી શકે. ઇમિગ્રન્ટ્સના દેશ તરીકે ઓળખાતા અમેરિકામાં દુનિયાભરના દેશોમાંથી આવેલા લોકોએ આ દેશને સમૃધ્ધ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે એ વાતનો પણ ઇન્કાર ન થઇ શકે. આજે પણ દુનિયાના દેશોમાં, ખાસ કરીને ભારતમાં તો વિશેષ, અમેરિકા જઇને સ્થાયી થવાનું, અહીં રહીને ડોલર કમાવવાનું લોકોનું એક સપનું હોય છે.
પરંતુ વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી વિઝાને લઇને જે એક પછી એક ધડાધડ નિર્ણયો લેવા માંડ્યા છે એનાથી ભારતીયો માટે અમેરિકાના વિઝાને લઇને ખાસ્સો ગૂંચવાડો પ્રવર્તે છે. વિઝા પોલિસીમાં સતત થઇ રહેલા બદલાવના કારણે અમેરિકાના વિઝા બાબતે અનિશ્ચિતતા પ્રવર્તે છે. ઇન્ટરવ્યુ વેઇવર પ્રોગ્રામને મર્યાદિત કરવો, ત્રીજા દેશમાં અરજીઓ પર પ્રતિબંધ, અને $250ની નવી વિઝા ઇન્ટેગ્રિટી ફી અને છેલ્લે વિઝા કેટગરીમાં ફીમાં ધરખમ વધારે…. જેવા ફેરફારોથી ભારતમાંથી અમેરિકા જવા માગતા ટૂરિસ્ટ, વિદ્યાર્થીઓ અને વર્કર્સ પર કેવી અસર પડશે તે વિશે અમે મુંબઇસ્થિત જાણીતા એક્સપર્ટ અને વિઝા કન્સલટન્ટ એડવોકેટ સુધીર શાહ સાથે ‘છોટી સી મુલાકાત’ માં વાત કરી.
ઉલ્લેખનીય છે કે, સુધીર શાહ એ અમેરિકન વિઝા બાબતોના નિષ્ણાત ગણાય છે અને વર્ષોથી એ આ મુદ્દે અનેક ફોરમમાં એમના વક્તવ્યો આપતા રહ્યા છે.
ચિત્રલેખા.કોમ: અમેરિકાના વિઝા નિયમોમાં તાજેતરમાં કેવા પ્રકારનાં ફેરફારો કરવામાં આવ્યા છે?
સુધીર શાહ: અમેરિકા હવે વિઝા નિયમોના પાલનમાં ખૂબ જ કડક બન્યું છે, જેથી કોઈ ખોટી રીતે તેમના દેશમાં લાંબો સમય સુધી રહી શકે નહીં. વિઝાના નિયમોમાં કેટલીક છૂટછાટો હતી. જે હવે અમેરિકાએ બંધ કરી દીધી છે. જેમ કે H-1B વિઝા પર કોઈ અમેરિકામાં વસવાટ કરી રહ્યું હોય. તેને ત્રણ વર્ષના વિઝા મળ્યા હોય અને ફરી બીજા ત્રણ વર્ષ માટે તેને વિઝા એક્સટેન્ટ કરાવવા હોય તો પહેલાં તો અમેરિકામાં જ આ પ્રક્રિયા થઈ જતી હતી. હવે જે તે નાગરિકે પોતાના દેશમાં જઈને પોતાના વિઝા એક્સટેન્ટ કરાવવા પડશે. આમ વિઝાધારકોને બધી તકલીફો વધી ગઈ છે. બીજું કે વિઝા આપવા માટે જે ઈન્ટરવ્યૂ લેવાય છે, જે તપાસ કરવામાં આવે છે તે ખૂબ જ સ્ટ્રીક્ટ કરી દેવામાં આવી છે. વિઝા માટે અરજી કરનાર દરેક વ્યક્તિની ઝીણામાં ઝીણી વસ્તુ ચકાસવામાં આવતી હોય છે. તમે અમેરિકાના માથે ભાર સમાન તો નહીં બની જાવ? તમે કંઈ ખોટું કામ કરવાના નથી ને? એટલે કે પહેલાં જે સરળતાથી વિઝા મળતા હતા તે હવે નહીં મળી શકે.
ભારતીય વિદ્યાર્થીઓ અને વર્કર્સ માટેના H-1B, L-1 વિઝા માટે કેવું વલણ અપનાવ્યું છે?
H-1B એટલે સ્પેશિયલી ઓક્યુપેશનલ વર્કર માટેના વિઝા હોય છે. જે લોકો ગ્રેજ્યુએટ હોય અથવા તો ગ્રેજ્યુએટ બનતા જેટલાં વર્ષ લાગ્યા હોય એનાથી ત્રણગણો કામનો અનુભવ હોય એ લોકો H-1B વિઝાને લાયક બને છે. જો કે હવેથી H-1B વિઝા ખૂબ જ હોંશિયાર લોકો અને જેમનો પગાર વધારે હોય, અનુભવ સારો હોય, હોદ્દો મોટો હોય તેમને આપવા. હવે કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈને બહાર આવેલા વિદ્યાર્થીનો પગાર વધારે ન જ હોય. પાંચથી પંદરેક વર્ષના અનુભવી લોકોનો પગાર વધારે હોય. એટલે હવે વિદ્યાર્થીઓ માટે H-1B વિઝા લેવા મુશ્કેલ બની ગયું છે. L-1 વિઝા એટલે આંતર કંપની ટ્રાન્સફરી મેનેજર, એક્ઝિક્યૂટિવ તેમજ ખાસ જાણકારીવાળી વ્યક્તિ માટેના વિઝા છે. તો આ વિઝાના પણ જે ક્રાઈટેરિયા હતા તેને તપાસવા માટેના નિયમો કડક કરી દેવામાં આવ્યા છે. H-2B વિઝા મેળવવા માટેની અરજી કરનાર લોકો માટે પણ ચકાસણી ખૂબ જ કડક કરી દેવામાં આવી છે.
સ્ટુડન્ટ વિઝા F-1, J-1 માટે પ્રસ્તાવિત 4-વર્ષની મર્યાદા અને “એક્સટેન્શન/ઓફ સ્ટે”ના નિયમોમાં જે ફેરફાર કરાયો છે તેના વિશે જણાવશો?
પહેલાં કોઈ વિદ્યાર્થી F-1, M-1 કે J-1 વિઝા લઈને અમેરિકામાં પ્રવેશે તો ઈમિગ્રેશન ઓફિસર તમારા પાસપોર્ટ પર ડ્યૂરેશન ઓફ સ્ટેટસ એવું લખે અને તમને છૂટ આપે. એટલે જ્યાં સુધી તમે વિદ્યાર્થી હોવ ત્યાં સુધી તમે અમેરિકામાં ભણી અને વસવાટ કરી શકો. એટલે ઘણી વખત કોઈ વ્યક્તિ બેચલરનો કોર્સ કરવા માટે અમેરિકામાં આવે અને ત્યાર બાદ વર્ષોના વર્ષો ભણ્યા કરીને અમેરિકામાં જ વસવાટ કરી લે. તમે એક કોર્સમાંથી બીજા કોર્સમાં એડમિશન લઈને અમેરિકામાં જ તમારા વિઝા રિન્યુ કરાવી શકતા હતા. હવે જે તે વિદ્યાર્થીએ પોતાના કોર્સ પૂરો કરીને ફરી પોતાના દેશ જઈને ફરી વિઝા લઈને અમેરિકા પરત ફરવું પડશે. F-1 વિઝા પર હવે કોઈ વિદ્યાર્થી વધુમાં વધુ ચાર વર્ષ માટે અમેરિકામાં વસવાટ કરી શકશે.
‘ઇન્ટરવ્યૂ વેઇવર પ્રોગ્રામ’માં ફેરફારથી કયા પ્રકારના વિઝા અરજદારો સૌથી વધુ પ્રભાવિત થશે?
અમુક ઉંમરથી નીચેના બાળકો અને અમુક ઉંમરથી ઉપરના વૃદ્ધોને રૂબરૂ ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવતા ન હતા. એમને ખાલી ફોર્મ ભરીને અરજી કરવાની રહેતી અને તેમને વિઝા આપી દેવામાં આવતા હતા. હવેથી નાના બાળકો અને વયોવૃદ્ધ લોકોને પણ વિઝા લેવા માટે ઈન્ટરવ્યૂ આપવા માટે રૂબરૂ જવું પડશે. ઇન્ટરવ્યૂ વેઇવર એટલે ઈન્ટરવ્યૂમાંથી માફી, જે હવે આપવામાં નહીં આવે. દરેક વ્યક્તિએ હવે વિઝા મેળવવા માટે કોન્સ્યૂલેટમાં જઈને ઈન્ટરવ્યૂ આપવો પડશે. જેમ-જેમ દુનિયાના કોઈ પણ ખૂણે રહેતો વ્યક્તિ અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાનો ગેરફાયદો લેતા જાય છે. તેમ-તેમ અમેરિકા તેના કાયદાઓમાં વધારેને વધારે કડકાઈ લાવતા જાય છે.
થર્ડ કન્ટ્રી વિઝા માટેની અરજીઓ કેમ બંધ કરવામાં આવી છે?
વિઝા માટેનો ઈન્ટરવ્યૂ કોલ લેવા માટે લાંબા સમયગાળાનું વેઈટિંગ રહેતું હતું. છ મહિના, વર્ષ કે બે વર્ષ સુધી ઈન્ટરવ્યૂની તારીખ મળતી નથી. વ્યક્તિને અમેરિકા જવાની ઉતાવળ હોય અને કોઈ ખાસ કારણ હોય તો તે બીજા સેન્ટર પર જઈને વિઝા માટે અરજી કરતો હતો. ભારતની વાત કરીએ તો મુંબઈમાં રહેતો ગુજરાતી કલકત્તા, દિલ્હી, હૈદ્રાબાદ કે મદ્રાસ જઈને વિઝા મેળવવાની અરજી કરતો હતો. ત્યાં પણ લાઈનો વધી તો ભારતીય વ્યક્તિ સિંગાપોર, દુબઈ, હોંગકોંગ કે કેનેડા જઈને અમેરિકા માટેના વિઝા મેળવવાની અરજી કરવા લાગ્યો. ત્યાં એપોઈન્ટમેન્ટ તરત મળી જાય એટલે ઈન્ટરવ્યૂ આપીને તાત્કાલિક વિઝા મેળવી લેતો હતો. હવેથી વ્યક્તિ જે દેશમાં રહેતો હોય તે દેશની કોન્સ્યુલેટમાં જ તે અમેરિકાના વિઝા માટેની અરજી કરી શકશે.
કોઈ પણ વ્યક્તિ જે પ્રકારના વિઝા મેળવવા માગતું હોય તે વ્યક્તિએ વિઝા મેળવવાની શું-શું લાયકાતો છે તે પહેલાં જાણી લેવી જોઈએ. પછી જો વિઝાની અરજી કરવામાં આવે તો તેને નકારવામાં આવશે નહીં. વિઝાનું જે અરજીપત્રક ભરો તેને પણ બરાબર સમજીને ભરો. ઘણા વ્યક્તિઓ અરજીપત્રક એજન્ટ પાસે ભરાવે છે. પોતાના ક્લાઈન્ટને વિઝા મળી જાય તે માટે ઘણી વખત એજન્ટ ખોટી વિગતો આપે છે અથવા તો સાચી વિગતો છુપાવે છે. અરજદારો અરજીપત્રક વાંચ્યા વિના એજન્ટ કહે તે પ્રમાણે કરતા હોય છે. અરજીપત્રકમાં કોઈ પણ ખોટી વિગત લખવી ન જોઈએ. તમે જો સાચા હશો અને ખરેખર લાયકાત ધરાવતા હશો તો ચોક્કસથી તમને અમેરિકા વિઝા આપશે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
