સ્મિત પાછળની વાસ્તવિકતા ‘સ્માઇલિંગ ડિપ્રેશન’

‘તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હૈ જિસકો છૂપા રહે હો’, કૈફી આઝમીની આ શાયરી એ માત્ર એક શૅર નથી, પરંતુ ઘણાં લોકોનું સત્ય છે. રોજ આપણી આસપાસ એવા કેટલાય ચહેરાઓ જોઈએ છીએ જે હંમેશાં હસતા જોવા મળે છે. જેમને જોઈને એકાદ વાર તો મનમાં આવે કે, ‘વાહ! લાઇફ હો તો ઐસી’ પરંતુ મોટાભાગના લોકો એ સ્મિત પાછળની વાસ્તવિકતા ક્યારેય જાણતા નથી. કારણ કે એ સ્માઇલિંગ ડિપ્રેશનથી પિડાતા હોય છે. આવો જાણીએ શું છે આ સ્માઇલિંગ ડિપ્રેશન?

જાનકી (નામ બદલ્યું છે) એમબીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી હતી. રોજની જેમ જ આજે પણ સવારે વહેલા ઊઠી મમ્મી-પપ્પા સાથે ચાની ચૂસકી લેવા બેઠી. વાત વાતમાં પપ્પાને કહ્યું કે, આજે તો મને કૉલેજ જવાનું જરાય મન નથી. જાનકીના પપ્પા નિરવભાઈ (નામ બદલ્યું છે)એ તરત જ કીધું, અરે, ના જવું હોય તો ના જઈશ. ચાલ હું પણ રજા પાડી દઉં, આપણે ત્રણેય ક્યાંક ફરવા ઊપડી જઈએ. આમેય વીકેન્ડ છે તો મજા આવશે. બાપ-દીકરીની વાતમાં વચ્ચે જ ટાપશી પુરાવતાં નિશાબહેન (નામ બદલ્યું છે) બોલ્યાં, હા ચાલો, થોડું ફ્રેશ થવાશે. જાનકરી અને એનાં મમ્મી-પપ્પાએ રિસોર્ટમાં જવાની તૈયારી કરી કાર લઈ નીકળી પડ્યા.

શનિ-રવિ બે દિવસ ખૂબ એન્જોય કર્યું. જાનકીએ પોતાના બધા ફોટા સોશિયલ મીડિયા પર અપલૉડ પણ કર્યા. અરે, છસ્સો સાતસોથી પણ વધારે લાઇક અને કોમેન્ટ આવી. જાનકી હતી જ એવી પ્રેમાળ કે કોઈની પણ સાથે ઝટ દોસ્તી થઈ જાય. માટે જ એના ગ્રૂપના લોકોએ તેનું નામ ઝિંદાદિલ જાનુ પાડ્યું હતું. વીકેન્ડ પછી નિયમિત લાઇફ..નિરવભાઈ ઑફિસ ચાલ્યા ગયા. નિશાબહેન કામમાં જોતરાયાં અને જાનકી એના રૂમમાંથી બહાર ન આવી. નિશાબહેનને એમ કે આજે લેક્ચર મોડા હશે, માટે ચા પીધા પછી વાંચતી હશે, પરંતુ સમય વધારે વીત્યો ત્યારે એમણે જાનકીના રૂમનો દરવાજો ખખડાવ્યો, પણ એણે રૂમ ના ખોલ્યો, નિશાબહેને ગભરાઈ ગયા, તરત જ નિરવભાઈને કૉલ કર્યો. તેઓ દોડીને ઘરે આવ્યા. અવાજ થાવાના કારણે સોસાયટીના લોકો પણ આવી પહોંચ્યા. દરવાજો તોડ્યો તો જાનકીની બૉડી પંખે લટકતી હતી અને નીચે સ્યૂસાઇડ નોટ હતી, જેમાં માત્ર એટલું જ લખ્યું હતું કે, સૉરી મમ્મી..પપ્પા, પણ મને જીવતાં જ નથી આવડતું..માટે તમને છોડીને જઈ રહી છું..આઈ લવ યુ..તમારી જાનકી.

નિરવભાઈ અને નિશાબહેનની તો જાણે એક પળમાં દુનિયા લુટાઈ ગઈ. બધા કહેવા લાગ્યા કે હજુ આજે સવારે તો એણે લાઇવ વીડિયો મૂક્યો છે. કેટલું સુંદર બોલતી હતી, કેટલી પોઝિટિવ વાત કરતી હતી, આમ અચાનક એને શું થયું.. હંમેશાં હસતી રહેતી જાનકી આત્મહત્યા કેવી રીતે કરી શકે..? હકીકતમાં આરવી સ્માઇલિંગ ડિપ્રેશનથી પીડાતી હતી.

શું કહે છે અભ્યાસ

વિશ્વભરની માનસિક સ્વાસ્થ્ય વિશ્લેષણકર્તાઓ અને સંશોધકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં “સ્માઈલીંગ ડિપ્રેશન” પર વિવિધ અભ્યાસો અને અભિપ્રાયો પ્રગટ કર્યા છે, ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા  વધુ જોવા મળે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટી દ્ધારા 1 હજાર કરતા પણ વધારે મહિલાઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાંથી 58 ટકા મહિલાઓના હસતા ચહેરા પાછળ વેદાનાઓ હતી. જયારે 10 ટકા મહિલા એવી હતી જે પોતાની લાગણી કોઈની સમક્ષ રજૂ ન કરી શકવાના કારણે સતત ચિંતામાં રહેતી હતી, છતા પણ એ મહિલાઓના ચહેરા પર ચિંતાની લકીર જોવા પણ ન મળતી. કારણ કે એ સોશિયલ મીડિયા પર પોતાના એટલા બધા ફોટા અને વિડીયો અપલોડ કરતી કે કોઈ પણ એને જોઈને અંદાજો ન લગાવી શકે કે આ મહિલા હકીકતમાં સ્માઇલિંગ ડિપ્રેશનનો શિકાર છે.

અમદાવાદના મનોચિકિત્સક ડો. પ્રિયલ ચિત્રલેખા.કોમને કહે છે કે, “નોર્મલ ડિપ્રેશનમાં રહેતી વ્યક્તિના ચહેરા પર સેડનેસ કે ચિંતા દેખાય છે. જ્યારે સ્માઇલિંગ ડિપ્રેશનથી પિડાતી વ્યક્તિના ચહેરાને જોઈને એ ડિપ્રેશનમાં છે એવુ સમજી નથી શકાતુ. કારણ કે એ પોતાની સ્માઈલથી ડિપ્રેશનના બધા લક્ષણો કવર  કરી લેતી હોય છે. પોતે ડિપ્રેશનમાં છે એ સ્વીકાર કરવા તૈયાર ન થતી વ્યક્તિ સ્માઇલિંગ ચહેરા સાથે જ જોવા મળે છે. અન્ય ક વાત એ પણ છે કે પોતાને ખબર હોય કે પોતે ડિપ્રેશનમાં છે પરંતુ અન્ય લોકોને એ બતાવવા ન માંગતી હોય કે મને ડિપ્રેશન છે, માટે પણ એ ચહેરા પર હંમેશા સ્મિત રાખે છે.

ડિપ્રેશન અને સ્માઇલિંગ ડિપ્રેશન વચ્ચેનું અંતર

ડિપ્રેશન અને સ્માઈલિંગ ડિપ્રેશન વચ્ચેના તફાવતની વાત કરીએ તો ડિપ્રેશન સામે લડતી વ્યક્તિમાં ઊર્જા ઓછી હોય છે. એને સવારે પથારીમાંથી ઉઠવું પણ મુશ્કેલ લાગે, અને એના ચહેરા પરથી, વાતો પરથી જ એ નિરાશ છે એવી ખબર પડી જાય છે. જ્યારે હસતાં ડિપ્રેશનમાં એનર્જી લેવલ પર અસર થતી નથી. એ અન્ય લોકોની સામે ખૂબ જ ઉત્સાહથી પોતાનું કામ કરે છે, દરેક વ્યક્તિ સાથે સહજ રીતે મળે છે. પોતાના સંજોગો સાથે એકલા સંઘર્ષ કરે છે. પરંતુ પોતાને ડિપ્રેશનમાં છે એ વાતની જાણ કોઈને થવા નથી દેતી. જો કે આવી સ્થિતિમાં આત્મહત્યાનું જોખમ વધી શકે છે.

મહિલાઓ પોતાની તકલીફ છુપાવવામાં માહિર

સામાજીક કાર્યકર અને વકીલ વૈદેહી મોદી ચિત્રલેખા.કોમને કહે છે, જાહેર જીવન દરમિયાન અનેક મહિલાઓને મળવાનું થાય છે. હા એ વાત બિલકુલ સાચી છે કે મહિલાઓ પોતાની તકલીફ છુપાવવામાં માહિર હોય છે. જેની પાસે દેખાડાની ખોટી ખુશીઓ નથી એ મનમાંને મનમાં દુખી રહે છે. પરંતુ બહારના વિશ્વમાં એ વાતની કોઈને જાણ ન થાય માટે હંમેશા ચહેરા પર હાસ્ય રાખે છે. હકીકતમાં તો આવી મહિલાઓની પાસે હતાશા સિવાયા કશુ જ નથી હોતું. પરંતુ કોઈને ખબર ન પડે એ માટે હસતા ચહેરા પાછળ રુદન સહન કરે છે.

 

વ્યવસાયિક જીવનમાં ખૂબ જ સક્રિય, સમાજ અને પરિવાર સાથે ખૂબ જ ખુશ દેખાતી અને નોકરી કરતી, સુખી અને આશાવાદી વ્યક્તિની જેમ જે સામાન્ય રીતે લોકો માટે ખુશ દેખાય છે.  આવી વ્યક્તિમાં ડિપ્રેશનના લક્ષણો પણ હોઈ શકે છે. આ સમસ્યામાં દર્દી ડિપ્રેશનનો અનુભવ કરે તો પણ એ હસતી જોવા મળે. એ સામાન્ય રીતે એની પરિસ્થિતિ અન્ય લોકો સાથે શેર કરતી નથી કે એના મગજમાં શું ચાલી રહ્યું છે. કોઈ પૂછે તો પણ એ બહાના કરીને ટાળે છે અને પોતાને ખુશ બતાવે છે. આવા વ્યક્તિને લાગે છે કે પોતાની જાતને અસ્વસ્થ બતાવવી એ નબળાઈ છે અને પોતાની પરિસ્થિતિ જણાવીને કોઈને નારાજ કરશે.

સુરતના પ્રિયા દવે ચિત્રલેખા.કોમને કહે છે, મહિલાઓમાં એક પ્રકારની દેખા દેખી હોય છે. પોતાની કોઈ મિત્ર સારી જગ્યાએ ફરવા જાય, પતિ સાથે લંચ પર જાય કે પછી નવા કપડા ખરીદે તો, પોતે પણ એ બધુ કેમ નથી કરી શકતી એમ વિચારીને એ નિરાશ થાય છે. જો કે સમાજમાં એને એ વાતનો કોઈ ફર્ક નથી પડતો, પોતે પણ પરિવાર અને બાળકો સાથે ખુશ છે એવો ખોટો દેખાડો કરવા માટે હંમેશા પ્રફુલ્લીત રહેવા મજબૂર બને છે. કદાચ આ જ એક પ્રકારનું સ્માઈલિંગ ડિપ્રેશન છે. તમે જે છો એ કોઈને બતાવી ન શકો, અને જે નથી એ દર્શાવવાનો પ્રયાસ કરતા રહો છો.

 

..માટે લાગણી કરવાનું ઓછું કરે છે

અન્ય પ્રકારના ડિપ્રેશનની સાથે વ્યક્તિમાં સ્માઇલિંગ  ડિપ્રેશનના લક્ષણો પણ હોઈ શકે છે. અસફળ સંબંધ, નોકરી ગુમાવવી, સામાજિક-પારિવારિક કારણો વ્યક્તિમાં સ્માઇલિંગ ડિસઓર્ડરના લક્ષણોનું કારણ બની શકે છે. સંશોધકો માને છે કે કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિની વિચારસરણી બાહ્ય રીતે લક્ષી હોય છે, અને એ એની આંતરિક ભાવનાત્મક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ હોય છે. આવી વ્યક્તિમાં લક્ષણોના વર્તનને બદલે શારીરિક લક્ષણો દ્વારા શોધી શકાય છે.

સામાન્ય રીતે એવું પણ બને છે કે જ્યારે કોઈ એની સ્થિતિ વિશે નજીકના અને પ્રિયજનોને જણાવવા માંગે છે, તો એની અવગણના કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિ ભવિષ્યમાં આ લાગણીઓને વ્યક્ત કરવાનું ઓછું કરે છે. અને હસતા ચહેરા પાછળ પોતાનો તણાવ કાયમ માટે કેદ કરી લે છે.

હેતલ રાવ