
ભારતવર્ષમાં અનેક સ્થળોએ પૌરાણિક મંદિરો, સ્થાપત્યો, કિલ્લા-મહેલો-હેવેલીઓ જર્જરિત ખંડેર હાલતમાં આવેલી હશે. એમાંનું એક આવું સ્થળ એટલે સાબરકાંઠા જિલ્લામાં આવેલું એક પક્ષી મંદિર, કળાત્મક કુંડ સહિતનો સ્થાપત્યનો સમુહ.
ઉત્તર ગુજરાતમાં હિંમતનગરથી 18 કિ.મી.ના અંતરે ખેડ અને સાયસિંગપુરાની સીમમાં રોડા તરીકે એકદમ પ્રાચીન મંદિરોનો સમુહ છે. આ મૈત્રક કાલનાં સાત મંદિરોનો સમૂહ માનવામાં આવે છે. એમાંના કેટલાક મંદિર એકદમ જર્જરિત હાલતમાં છે. આ મંદિરો પૈકી એક સિવાયનાં બધાં મંદિર કદમાં નાનાં છે. એ ચોરસ કે લંબચોરસ ગર્ભગૃહ અને એવા ઘાટની શૃંગારચોકી કે અર્ધમંડપ ધરાવે છે. આ મંદિરો સોલંકી કાળના આરંભની વચગાળાની અવસ્થા ધરાવતા હોય એવું માનવામાં આવે છે.
રોડાનું એક મંદિર પૂર્વાભિમુખ છે, જંઘાના ગવાક્ષોમાં આવેલાં શૈવ શિલ્પો પરથી આ મંદિર શિવાલય હોવાનું સૂચિત થાય છે. અહીં કળાત્મક કુંડ પાસે આવેલું મંદિર એનાં દીવાલોમાંનાં શિલ્પો પરથી વિષ્ણુમંદિર હોવાનું જણાય છે. એક સ્થાપત્ય સૂર્યમંદિર હોવાનું એમાંનાં શિલ્પો પરથી સ્પષ્ટ થાય છે. ત્રણ મંદિર ત્રિરથ પ્રકારનાં છે; જ્યારે બે મંદિર પંચરથ પ્રકારનાં છે. એક મંદિર એકરથ પ્રકારનું છે. મંદિરોના આ સમુહમાં ગૂઢમંડપ વિશાળ છે. એની આગળ આવેલી શૃંગારચોકી નાશ પામી છે. લાડચી માતાના કુંડ તરીકે ઓળખાતા કુંડના ચાર ખૂણે આવેલાં ચાર નાનાં મંદિર સ્થાપત્ય-સ્વરૂપમાં એમાંના બે મંદિરો સાથે સામ્યતા ધરાવે છે.
આ મંદિર-સમૂહની શૃંગાર ચોકીઓ પરનાં ફાંસના પ્રકારનું છાવણ ખાસ નોંધપાત્ર છે. આ છાવણોની આગળ આવેલી રથિકાઓમાંનાં શૂરસેન મૂર્તિ શિલ્પોથી અલંકૃત છે. આ મંદિરોનાં શિખરો પરની જાલક-ભાત સૂત્રાપાડા, પાછતર અને ધ્ર્ર્રાલણવેલનાં મંદિરોનાં શિખરોની જાલક-ભાત કરતાં વધુ વિકસિત છે. આ તમામ મંદિરોની દીવાલો એના પર આવેલા સુશોભિત ગવાક્ષો સિવાય સાદી છે. આ મંદિરોનાં ગર્ભગૃહોની દ્વારશાખાઓનાં વૈવિધ્ય અને કોતરકામ એકદમ ઉત્કૃષ્ટ છે. એમાંના એક મંદિરની દ્વારશાખા એકદમ ધ્યાનાકર્ષક છે. પંચશાખ પ્રકારની આ દ્વારશાખામાં શિવ, ઉમા-મહેશ્વર, અર્ધનારીશ્વર, વિષ્ણુ અને લક્ષ્મી-નારાયણનાં શિલ્પ દર્શનીય છે. ઉત્તરાંગની ગવાક્ષ-પંક્તિમાં બ્રહ્મા, કુબેર, વિષ્ણુ, શિવ અને ગણેશનાં શિલ્પ નોંધપાત્ર છે. પ્રાય: આ મંદિર હરિ-હરનું છે. આ મંદિરોના સ્તંભ ચોરસ (રુચક) ઘાટના છે.
આમાંનાં કોઈ મંદિરોમાં અભિલેખ નથી. પરંતુ તેમના સ્થાપત્ય-સ્વરૂપ પરથી આ મંદિરોનું નિર્માણ આઠમી સદીના પૂર્વાર્ધમાં થયું લાગે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)


