અમદાવાદ: ચાર વર્ષની ઉંમર સુધી સુંદર વિશ્વને નરી આંખે જોયા બાદ અચાનક એ આંખોની રોશની છીનવાઇ જાય તો? કુદરતની આવી ક્રૂર મજાક સામે જરાય હતાશ થયા વગર લડત આપવી અને કંઈક કરી બતાવવું એ ખરેખર બહુ મોટી વાત છે.
આ કામ કરી બતાવ્યું છે રાહુલ વાઘેલાએ. મૂળ જામનગરનો વતની અને હાલ અમદાવાદના અંધજન મંડળમાં અભ્યાસ કરતો પ્રજ્ઞાચક્ષુ રાહુલ વાઘેલા ભણવામાં તો હોંશિયાર છે જ, પણ સાથે સાથે ચેસની રમતમાં પણ તેણે સમગ્ર દેશમાં નામના મેળવી છે. રાહુલ આગામી 27મી સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી બેંગ્લોરમાં યોજાનાર પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓની વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં જોડાઈને ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
રાહુલ જ્યારે ચાર વર્ષનો હતો, ત્યારે તીવ્ર તાવમાં ખેંચ આવતાં તેણે બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી હતી. રાહુલના પરિવારમાં તેના સિવાય અન્ય બે ભાઈ, એક બહેન અને માતા-પિતાનો સમાવેશ થાય છે. રાહુલના માતા-પિતા સાવરણી બનાવીને તેનું વેચાણ કરે છે. રાહુલનો મોટો ભાઈ પણ તેનાં જેમ પ્રજ્ઞાચક્ષુ છે. જે B.A.નો અભ્યાસ કરે છે. જ્યારે નાનો પિતાને વ્યવસાયમાં મદદ કરે છે અને નાની બહેન પણ અભ્યાસ કરે છે. રાહુલે પ્રારંભિક અભ્યાસ જામનગર ખાતે અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં મેળવ્યું હતું.
ચેસ પ્રત્યેની રૂચિ વિશે ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં રાહુલ કહે છે કે, “જ્યારે હું ધોરણ-5માં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. મારા શિક્ષકે મને પૂછ્યું કે તારે એથ્લેટિક, ક્રિકેટ અને ચેસ આ ત્રણમાંથી કઈ સ્પર્ધામાં ભાગ લેવો છે. ત્યારે મેં ચેસની સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું. જેમાં હું વિજેતા પણ બન્યો. એ પછી ચેસમાં આગળ વધવા માટે મેં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું. 2022માં હું 9મા ધોરણમાં અભ્યાસ કરવા માટે અંધજન મંડળ અમદાવાદ ખાતે આવ્યો. અહીં મને પ્રજ્ઞેશ સર પાસેથી ચેસનું ઈન્ટરમિડીએટ લેવલનું નોલેજ મળ્યું. બાદમાં મેન્ટર પારિતોષ દવેએ મને પર્સનલ કોચ તરીકે જલ્પન ભટ્ટ પાસેથી કોચિંગ અપાવવાનું શરૂ કર્યું. જેથી 2023-24 માં યોજાયેલ ઓપન સ્ટેટ સિલેક્શનમાં મેં પ્રથમ રેન્ક મેળવ્યો હતો. મેં જાન્યુઆરી 2024માં નેશનલ લેવલ પર જુનિયર ચેમ્પિયનશીપમાં ચોથો રેન્ક પ્રાપ્ત કર્યો. જેના આધારે સપ્ટેમ્બર 2024માં બેંગ્લોર ખાતે યોજાનાર બ્લાઇન્ડ ખેલાડીઓની વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મને ઉત્તમ તક મળી છે.”
(રાધિકા રાઓલ – અમદાવાદ)
(તસવીરો – પ્રજ્ઞેશ વ્યાસ)