ધૂળેટીમાં રમો હર્બલ રંગોથી…

ધૂળેટીનો તહેવાર નજીક આવે એ સમયે બજારમાં એની ઉજવણી માટેની સામગ્રી જોવા મળતી થઇ જાય. અબીલ ગુલાલ, જાતજાતની ડિઝાઇન ધરાવતી રંગબેરંગી પીચકારીઓ, કેસૂડાનાં ફૂલ અને કેમિકલ મેળવેલા રંગો તમારું ધ્યાન ખેંચે.

હોલિકાદહનના બીજા દિવસે લોકો ભારે ઉત્સાહથી એકબીજા પર રંગો ઉડાડીને, એકબીજાને રંગભર્યા પાણીથી ભીંજવીને ધૂળેટીની ઉજવણી કરે છે. વળી, એમાં દરેક પ્રદેશની ઉજવણીની અનોખી પરંપરા હોય. ક્યાંક પાણી તો ક્યાંક ગુલાલ. ક્યાંક રંગો તો ક્યાંક વળી રંગોનું પાણી.

એમાં પણ હવે અમુક પ્રકારના રસાયણોથી ભરેલા કલર્સનો પણ ધૂળેટીમાં વ્યાપક ઉપયોગ થાય છે એવી ફરિયાદો વચ્ચે હવે શરીરને નુકસાન ના થાય એવા હર્બલ કલર્સ અને સાત્વિક હોળીનો પ્રચાર અને પ્રસાર પણ સતત વધતો જાય છે.

રંગો બનાવતા કારખાનાઓમાં પણ હવે હર્બલ કલર્સનું ઉત્પાદન થઇ રહ્યું છે. આ રંગોમાં સ્ટાર્ચની સાથે અન્ય સામગ્રી નાંખવામાં આવે છે, જે શરીરની અંદર કે બહારના અવયવોને નુકસાન કરતી નથી. સ્ટાર્ચ અને અન્ય એડિબલ કલર્સ  નાંખી તૈયાર કરેલ રંગોને ખુલ્લી જગ્યામાં સુકવવામાં આવે છે.

આ તસવીરમાં પણ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા એક કારખાનામાં તૈયાર થઇ રહેલા રસાયણ મુક્ત હર્બલ કલર્સ દેખાઇ રહ્યા છે….

(પ્રજ્ઞેશ વ્યાસ)