શેરબજારમાં આગઝરતી તેજી: શું ધ્યાન રાખશો?

વૈશ્વિક શેરબજારની તેજીની સાથે-સાથે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીએ પણ શુક્રવારે રેકોર્ડ ટોચ હાંસલકરવામાં સફળતા મળેવી છે. સેન્સેક્સ પ્રથમ વખત 84,000નું લેવલ ક્રોસ કરી 84,213.21ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. નિફ્ટીએ પણ 25,700 નજીકની ઐતિહાસિક ટોચ નોંધાવી છે. ત્યારે માર્કેટના આ વલણને સમજવા તેમજ રોકાણકારોએ શું સાવધાની રાખવી જોઈએ તે નિશ્ચિત કરવા માટે ચિત્રલેખા.કોમએ ‘છોટી સી મુલાકાત’ વિભાગમાં માર્કેટ એક્સપર્ટ અને કુંવરજી ગ્રુપના હેડ ઓફ રિસર્ચ ડૉ. રવિ દિયોરા સાથે વાતચીત કરી.

ચિત્રલેખા: સેન્સેક્સ નિફ્ટી ઓલ ટાઈમ હાઈ લેવલ પર છે અત્યારે તમે માર્કેટને કઈ રીતે જોઈ રહ્યા છો?

રવિ દિયોરા: સેન્સેક્સ-નિફ્ટી જે અત્યારે હાઈ લેવલ પર છે તેનું કારણ ગ્લોબલ માર્કેટ છે. તાજેતરમાં જ યુ.એસ. ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરમાં 0.50 %નો ઘટાડો કરવામાં આવ્યો હતો. કોવિડ પછી આપણે રેટ કટની સાઈકલ જોઈ, પછી રેટ હાઈની સાઈકલ જોઈ છે. પછી રેટની સ્ટેબિલિટી જોઈ હવે ફરીથી રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્લોબલી જે અસેટ ક્લાસ છે તેમાં ઈક્વિટીના રિર્ટનના કારણે સતત ભારત સહિત ગ્લોબલ ઇક્વિટી ફંડમાં મોટાં ઇનફ્લો આવી રહ્યાં છે. FIIs (Foreign Institutional Investors) મહિના પહેલાં મોટું નેટ સેલર હતું, ઈન્ડિયન માર્કેટમાં સતત FIIsનો આઉટફ્લો હતો. આ આઉટફ્લો ઇનફ્લોમાં કન્વર્ટ થયો અને આ ઇનફ્લો આ મહિનામાં ખુબ જ સ્ટેબલ રહ્યો. આ સૌથી મોટું કારણ છે. અત્યાર સુધી DIIs (Domestic Institutional Investors), એ લોકો ભારતમાં ખરીદી કરતા હતા અને FIIsનું સેલિંગ રહેતું હતું. આ હિસાબે માર્કેટ તેને બેલેન્સ કરી લેતું હતું. કારણ કે FIIs છે એ વેચે અને સામે DIIs ખરીદે એમ બેલેન્સ સેટઅપ થતું હતું. હવે બંન્ને ખરીદી કરી રહ્યા છે. તેના કારણે માર્કેટમાં સતત ફ્લો જોવા મળી રહ્યો છે. આ મહિનાની જો વાત કરીએ તો 26 ટ્રેડિંગ સેશન ગયા છે તેમાં 26,336 કરોડનો FIIsનો ઇનફ્લો છે. DIIsનો પણ 8,250 કરોડનો ઇનફ્લો ભારતમાં છે. આ બંન્ને સેક્ટર ભારતીય માર્કેટને સપોર્ટ કરી રહ્યાં છે. લિક્વિડિટી એમ્પલ છે. મ્ચ્યુલ ફંડ તરફ, SIPના જે ઇન્ફ્લુઅન્સ હતા તે માર્કેટમાં રહ્યાં છે. SIPનો 22થી 23 હજાર કરોડનો ફ્લો દર મહિને માર્કેટ ઇક્વિટીમાં ઇનફ્લો આવી રહ્યો છે. ભારતીય શેરબજારમાં તેજીના માહોલ પાછળ ઇનફ્લો સૌથી મોટું પરિબળ છે. બીજી તરફ ગ્લોબલ સેન્ટિમેન્ટ પણ સુધરી રહ્યા છે. આ બધાં મૂળભૂત કારણોને લીધે માર્કેટ હાઈ પર પહોંચી રહ્યું છે.

લોંગ ટર્મ ઈન્વેસ્ટર્સને તમે શું કહેવા માગશો?

લોંગટર્મ ઈન્વેસ્ટર્સને ઘણા બધાં સેક્ટરમાં સારો પ્રોફિટ મળી રહ્યો છે. જો કે આગળ જતાં પરિસ્થિતિમાં થોડાંક ફેરફાર થઈ શકે છે. કારણ કે રિટેલ સિઝન શરૂ થવાની છે. ગ્લોબલ ફેક્ટરમાં ખાસ કરીને અમેરિકામાં ચૂંટણી ખુબ જ નજીક છે. આ ઉપરાંત મિડલ ઈસ્ટમાં જે જીઓ-પોલિટિકલ પ્રોબ્લમ્સ ચાલી રહ્યાં છે, તેનાં કારણે આગળ જતાં કેટલાંક પ્રશ્નાર્થો પણ ઉભા થઈ શકે છે. આથી મારા મતે જ્યાં તમને સારો નફો થઈ રહ્યો છે, એમાંથી એકવાર સેક્ટર સ્પેસિફિક પ્રોફિટ બુકિંગ માટે વિચારવું જોઈએ. ઓવર વેલ્યુએશન એટલે કે સેક્ટર કરતાં આપણી પાસેની કંપનીના ભાવ વધારે હોય તો આપણે ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ માટે વિચારવું જોઈએ. સેક્ટરવાઈઝ વાત કરીએ તો ફાર્મા, રિઅલ એસ્ટેટ, ઓટોમોટિવ, એન્જિનિયરિંગ કંપનીઓ છે તેમાં ઘણાં પોઝિટિવ ફ્લો આવી રહ્યાં છે. તો ત્યાંથી પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. નવું ઈન્વેસ્ટમેન્ટ અથવા તો પછી જે નવા ઈન્વેસ્ટર્સ આવી રહ્યાં છે તેમણે ગર્વમેન્ટ, ડિફેન્સ અથવા તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ છે તેના સ્ટોક્સમાં ઈન્વેસ્ટ કરવાનું વિચારવું જોઈએ. માર્કેટ ઓલટાઈમ હાઈ છે, પરંતુ આ સેક્ટરમાં હજુ જોઈએ તેવી તેજી જોવા મળી નથી. તો ત્યાં થોડુંક ફોક્સ કરવું જોઈએ. મારા મત પ્રમાણે એકાદ મહિના પછી ફરીથી બજેટનું કાઉન્ટ ડાઉન સ્ટાર્ટ થશે. ત્યારે માર્કેટ આ સેક્ટર તરફ ફોક્સ કરતું થશે. તો તમારે નોન બેન્કિંગ ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશનસ (NBFIs), ડિફેન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ કંપની એમ ચાર સેક્ટરમાં ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ.

લિક્વિડિટી ફ્રી ફ્લો થઈ રહી છે, રોજ માર્કેટમાં નવા-નવા IPO આવી રહ્યા છે, ફંડ રેઇઝીંગ થઈ રહ્યું છે તેના વિશે શું કહેશો?

અત્યારે બહુ હેલ્ધિ માર્કેટ છે. પ્રાઈમરી માર્કેટ હંમેશા સેકન્ડરી માર્કેટના હિસાબે ફોલોઅપ થતું હોય છે. સેકન્ડરી માર્કેટના જે સેન્ટિમેન્ટ છે એ જો સારા હોય તો તેના હિસાબે પ્રાઈમરી માર્કેટને એનો સપોર્ટ મળતો જ હોય છે. પછી જ્યારે પ્રાઈમરી માર્કેટના સેન્ટિમેન્ટ ઈમ્પ્રુવ થાય તો તે સેકન્ડરી માર્કેટનું બુસ્ટર હોય છે. બંન્ને એકબીજાના પૂરક છે. અત્યારના સમયમાં પ્રાઈમરી માર્કેટ ઘણું સારું એક્ટિવ છે. જે કોઈપણ પ્રમોટર્સ છે જે ફેર વેલ્યુએશન પર કંપનીનો IPO લાવવા માગે છે, નવું ફંડ રેઇઝ કરવા માગે છે. તો ઈન્ડિયન પ્રમોટર્સનું માઈન્ડ સેટ હવે ડેથમાંથી ઇક્વિટી તરફ વળ્યું છે. કારણ કે ડેથમાં તમારી પાસે એક વર્ષનું નેટ ઓબ્લિકેશન પણ છે. તમારી પાસે જે રોકાણ આવવાનું છે તેને પરત કરવાનો ભાર પહેલાં દિવસથી જ તમારા પર હોય છે. ઉપરથી વ્યાજ ચૂકવવાનું પણ તમારા ઉપર ભારણ હોય છે. બીજી તરફ IPO દ્વારા જે પ્રમોટર્સ આવે છે, તે લોકો એક ઇક્વિટી શેરિંગ પણ આપતા હોય છે. આજે એ લોકો પોતાનો હિસ્સો વેચીને રોકાણકારોને ઇક્વિડિટી આપે છે, ત્યારે તે પોતાની અત્યાર સુધીની જે કમાણી છે, અત્યાર સુધીની જે મહેનત છે એનો થોડોક હિસ્સો બીજાને આપે છે. જેના કારણે શું થાય છે કે પહેલાં દિવસથી જ તેમની પાસે લાયેબિલિટી નથી. જે કેપિટલ છે તેને પ્રમોશનલ કેપિટલ ગણે છે. એ પ્રમોશનલ કેપિટલથી, જે કંઈ પણ કંપનીનો ગ્રોથ થાય તો તેના કારણે શેર હોલ્ડર્સને પણ ફાયદો થાય છે. આથી આ સેક્ટરમાં પણ લિક્વિડિટી ઘણી સારી છે. અત્યારે મલ્ટિપલટાઈમ IPO સબસ્ક્રાઈબ થઈ રહ્યાં છે. માર્કેટ કે પ્રમોટર્સની આશા કરતા પણ વધારે IPOને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. આથી મારા મત પ્રમાણે પ્રાઇમરી માર્કેટ હજુ પણ એક્ટિવ રહેશે. ભારતમાં નંબર ઓફ કંપનીઝ ઘણી વધી ગઈ છે. લિસ્ટેડ કંપનીઓમાં સમગ્ર વિશ્વમાં ભારત હાઈએસ્ટ નંબર પર છે. નાના કેપિટલની કંપનીઓ વધી છે. નવા પ્રમોટર્સ અને નવી કંપનીઓને પણ એક પ્લેટફોર્મ મળી રહ્યું છે. સાથે જ કંપનીઓ જ્યારે લિસ્ટ થાય ત્યારે કંપનીની એક બ્રાન્ડ પણ મજબૂત બનતી હોય છે. ઘણી બધી કંપનીઓ એવી લિસ્ટ થઈ છે કે જેના વિશે માર્કેટને કે લોકોને ખ્યાલ પણ ન હતો. નવા પ્રમોટર્સ, નવા ચહેરા, નવી યુવા પેઢીના લોકો છે, જેઓ IPO દ્વારા ફંડ રેઈઝ કરી રહ્યા છે. મારા મતે પ્રાઇમરી તેમજ સેકન્ડરી બંન્ને માર્કેટમાં હજુ પણ લિક્વિડિટી એમ્પલ રહી શકે છે.

સામાન્ય રોકાણકારે કઈ બાબતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ?

સામાન્ય રોકાણકારોને મારે બસ એટલું જ કહેવું છે કે ક્યારેય પણ બોરોડ કેપિટલ એટલે કે પૈસા ઉધાર લઈને માર્કેટમાં ક્યારેય રોકાણ કરવું જોઈએ નહીં. જે લોકો નાના ઇન્વેસ્ટર્સ છે તેમને મારે કહેવું છે કે જો તમને માર્કેટના ફંડામેન્ટલનો ખ્યાલ આવતો હોય તો ડાયરેક્ટ ઇક્વિટીમાં રોકાણ કરો. સારી કંપનીઓ પ્રિફર કરો. તમે પહેલાં નક્કી કરી લો કે તમે ટ્રેડર છો કે ઇન્વેસ્ટર છો. જો ટ્રેડર છો તો તેના માટેની સ્ટ્રેટજી, તેના માટેના માર્કેટના ફંડામેન્ટલ અલગ હોય છે. જો તમે ઇન્વેસ્ટર છો તો તમારી માટે માર્કેટના ફંડામેન્ટલ અલગ હોય છે. જો તમે માર્કેટને થોડુંક ટ્રેક કરી શકો છો તો ડાયરેક્ટલી તમારે ઇક્વિટી સારી પ્રિફર કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જો તમને ખ્યાલ નથી આવતો અને તમે માર્કેટને સમય નથી આપી શકતા તો મ્યુચલ ફંડ એક ઘણો સારો ઓપ્શન છે. SIP દ્વારા તમે એક સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટનો ફાયદો એ છે કે તમે માર્કેટના દરેક લેવલ પર એન્ટર થઈ શકો છો. તેનાથી એવરેજિંગનો બેનિફિટ પણ તમને મળશે. સાથે જ તમે તમારા બિઝનેસ કે તમારી નોકરીમાં પણ ધ્યાન આપી શકશો. માર્કેટ ઘણું સ્માર્ટ છે. માર્કેટમાં જે પણ લોકો રૂપિયા કમાય છે તેમના ઈનપુટ લોજિકલ અને રિસર્ચના આધારે હોય છે. લોકો તેના આધારે કમાણી કરે છે. આથી નાના રોકાણકારોએ મ્યુચલ ફંડ, એડવાઈઝરી પોર્ટફોલિયો હોય છે તેના ઓપ્શન પ્રિફર કરવા જોઈએ.

(રાધિકા રાઓલ – અમદાવાદ)