ઋધિના પિતાને હ્રદયરોગનો હુમલો આવ્યો. સારવાર માટે તાત્કાલિક બે લાખની જરૂર પડી. ઋધિ ઘરની મોટી દીકરી હતી. ભાઈ તો હજી 12માં ધોરણમાં ભણતો હતો. પિતાજીના પેન્શનમાંથી જ ઘર ચાલતું.
હવે અચાનક બીમારીના કારણે પૈસાની જરૂરિયાત ઊભી થઈ. ઋધિ ચિંતિત હતી, પણ પતિ મૃદુલે એક ક્ષણ પણ વિચાર કર્યા વગર પોતાના બચત ખાતામાંથી પૈસાની વ્યવસ્થા કરી આપી. ઋધિની આંખોમાં કૃતજ્ઞતા ઝળકી. એને આજે પોતાના પતિમાં એક સાચો સાથીદાર દેખાયો.
પણ આ વાત જ્યારે મૃદુલના માતા-પિતાને ખબર પડી ત્યારે નવો જ વળાંક આવ્યો.
‘તારે શું જરૂર હતી પૈસા આપવાની’? મૃદુલની માતાએ કડક અવાજે પૂછ્યું. પિતા બકુલભાઈએ ઉમેર્યું, ‘તું તો એ ઘરનો જમાઈ કહેવાય. એના ઘરના ખર્ચમાં તારે પૈસા આપવાની ક્યાં જરૂર હતી’?
મૃદુલે ધીમેથી કહ્યું, ‘મમ્મી… જયારે ઋધિ પોતાનો પગાર તમારી દવાઓ માટે કે ઘરના ખર્ચ માટે આપે છે ત્યારે આપણે કદી એમ નથી કહ્યું કે એ કેમ આપે છે? આપણે તો ગર્વથી બધાને કહીએ છીએ કે આ તો અમારી વહુ નહીં, દીકરી છે. તો પછી આજે મેં એના પપ્પાને મદદ કરી એમાં ખોટું શું છે?’
‘તમને જે રીતે પોતાની વહુમાં દીકરી દેખાય છે એવી જ રીતે મને પણ મારા સાસરિયામાં માતા-પિતા દેખાય છે.’
આજના સમયમાં જ્યાં લગ્ન માત્ર લાગણી નહીં, પણ સહયોગ અને વ્યવહાર પર નિર્ભર છે ત્યાં આ પ્રશ્ન ખૂબ ગંભીર બની જાય છે કે, પુત્રવધૂની માફક જમાઈની પણ સાસરિયાંઓ માટે કોઇ જવાબદારી ખરી?
આર્થિક સંવાદિતા આદરથી શરૂ થાય છે
જો પુત્રવધુ પોતાની આવકમાંથી પોતાના સાસરિયાંને સહાય કરે છે, ઘરના ખર્ચમાં પોતાનું યોગદાન આપે છે, તો શું એ જ હક જમાઈને પણ મળવો જોઈએ? શું જમાઈ પણ પોતાની કમાણીમાંથી પોતાના સાસરિયાને મદદ કરી શકે? અને જો કરે, તો શું એને રોકવાનો કોઈને નૈતિક અધિકાર છે?
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા, ડિસ્કવરીલેન્ડ પ્રાઇવેટ લિમિટેડમાં સેન્ટ્રલ હેડ આશિતા મહેતા કહે છે કે, “લગ્ન પછી નાણાકીય જવાબદારી અને આવકનું સંચાલન ઘણીવાર જટિલ બની જાય છે. પુત્રવધૂને પોતાની આવકનો કઈ રીતે ઉપયોગ કરવો એ બાબતે સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. એના સાસરિયાંએ એના પગાર પર નિયંત્રણ રાખવું યોગ્ય નથી. જેમ પુત્ર પોતાના માતા-પિતાની ફરજ નિભાવે છે એમ પુત્રવધૂને પણ લગ્ન પછી પોતાના માતા-પિતાને આર્થિક ટેકો આપવાનો સમાન અધિકાર હોવો જોઈએ. નાણાકીય નિર્ણયો દંપતીએ મળીને લેવા જોઈએ, જેમાં એમના સામાન્ય લક્ષ્યો અને પ્રાથમિકતાઓને ધ્યાનમાં લેવી જરૂરી છે. પુત્રવધુ જેમ સાસરીમાં પોતાની આવક આપે એ રીતે જમાઈ પણ પોતાની સાસરી વિશે વિચારે એમાં જરાય ખોટુ તો નથી જ.”
સમાજ માટે આ સકારાત્મક સંદેશ છે
અત્યારનો સમય એવો છે કે દીકરા અને દીકરીને સમાન નજરે જોવામાં આવે છે. દરેક કામમાં એ બંને સાથે મળીને કામ કરે છે. એટલું જ નહીં, આજે તો લગભગ દરેક યુવતી પગભર બને છે. સ્વતંત્રતા સાથે આવક કરતી થઈ છે. એ જ રીતે આજના યુવાનોમાં પણ હકારાત્મક વિચારશૈલી જોવા મળે છે.
પારિવારિક બિઝનેસમાં એકાઉન્ટ વિભાગ સંભાળતા સેજલ પટેલ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં કહે છે, “મેં ઘણાં એવા ઘરોમાં જોયું છે જ્યાં જમાઈ પણ પુત્રની જેમ રહે છે. જરૂર પડે ત્યારે સાસરીયાને મદદરૂપ બને છે. પહેલાંના સમયમાં જમાઈ સાસરીમાં મહેમાન બનીને જતા, પરંતુ આજકાલની પેઢી જમાઈ તરીકે સાસુ-સસરાને માતા-પિતાની જેમ પ્રેમ કરે છે, એમની સાર સંભાળ લે છે. જેમ દીકરી લગ્ન પછી પુત્રવધૂ બનીને પોતાના સાસરીયાની ફરજ નિભાવતી હોય છે. એમ દીકરાએ પણ જ્યારે જમાઈ બને ત્યારે પોતાના સાસરીયા માટે ફરજ નિભાવવી જોઈએ. આજે ઘણા એવા પરિવારો છે જેમને સંતાનમાં એક દીકરી જ હોય છે. આવા સમયે જમાઈ પુત્ર બનીને સાસુ-સસરાની સેવા કરે છે. ઘણા જમાઈ તો પોતાના સસરા માટે ઘર ખરીદે છે અને આર્થિક રીતે પણ પૂરતું યોગદાન આપે છે. સમાજ માટે આ એક સકારાત્મક સંદેશ છે કે પુત્રવધૂ અને જમાઈ, બંને પોતાના સાસરીયાં માટે સમાન રીતે જવાબદારી વહન કરે.”
જમાઈને પણ દીકરો માનવો જોઈએ
આજના સમયમાં લગ્ન ફક્ત સંબંધનું બંધન નથી, પરંતુ બે વ્યક્તિ વચ્ચેની સમજણ, સહયોગ અને સાથે મળીને જીવન બનાવવાની સફર છે. આજના યુવાનોને જીવનસાથીમાંથી ફક્ત ભાવનાત્મક સહારો જ નહિ, પણ આર્થિક અને માનસિક રીતે પણ સમાન ભાગીદારીની અપેક્ષા હોય છે. ઘણા યુવાનો માટે એ મહત્વપૂર્ણ છે કે, એમની ભાવિ પત્ની સ્વાવલંબી હોય, પોતાની ઓળખ અને આર્થિક સ્થિરતા ધરાવતી હોય.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સરોજ ચૌહાણ કહે છે કે, ‘આજે દીકરો અને દીકરી બંને કમાતા થયા છે એટલે હવે સમયની સાથે માનસિકતા બદલવી જોઈએ. અને હા, પુત્રવધુને દીકરી કહેવા કરતા દીકરી માનવી જરૂરી છે. એ જ રીતે જમાઈને પણ દીકરો માનવો જોઈએ. જમાઈએ પણ પત્ની જેમ એના પરિવાર માટે ફરજ નિભાવે છે, એ જ રીતે એને પણ પોતાની સાસરી માટે ફરજ અદા કરવી જોઈએ.’
હેતલ રાવ
