ભારત સિવાય આ દેશોમાં પણ ઉજવાય છે દશેરા…

વિજયાદશમી અધર્મ પર ધર્મની વિજયગાથાના જીવંત પ્રતિકસમાન તહેવાર છે. ભારતમાં આ દિવસે રામલીલા, રાવણ દહન અને અનેક મેળાઓનું આયોજન થાય છે. જો કે ભારત ઉપરાંત પણ વિશ્વમાં એવા અનેક દેશ છે જ્યાં ધામધૂમથી દશેરાની ઉજવણી થાય છે. જુદા દેશ, જુદી પરંપરાઓ પરંતુ ઉત્સવનો ધ્યેય એક હોય છે. અસત્ય પર સત્યનો વિજય.

આવો જાણીએ એવા દેશો વિશે જ્યાં રાવણની પ્રતિમાનું દહન થાય છે તો ક્યાંક પ્રભુશ્રી રામને યાદ કરવા રામલીલા ભજવાય છે. વિશ્વના વિવિધ ખૂણાઓમાં રહેલા લોકો દશેરાને ભક્તિ, આનંદ અને ઉત્સાહ સાથે ઉજવે છે. ક્યાંક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે તો ક્યાંક ધાર્મિક વિધિઓ દ્વારા તહેવાર જીવંત બને છે.

નેપાળ

નેપાળમાં દશેરાને દશૈ કહેવામાં આવે છે.  વિજ્યાદશમીને ત્યાં વર્ષનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. 15 દિવસ સુધી ચાલતા આ તહેવારમાં દેવી દુર્ગાની વિશેષ પૂજાઓ થાય છે. આ તહેવારની શરૂઆત ઘટસ્થાપનાથી થાય છે, જેમાં કુંડામાં ઘઉંના દાણા વાવી દેવીની ઊર્જા અને સમૃદ્ધિનું પ્રતીક સ્થાપવામાં આવે છે. સાતમના દિવસે ફૂલપાટીની વિધિમાં સેના અને શોભાયાત્રા યોજાય છે, જ્યાં પરંપરાગત વાદ્યો વગાડાય છે. આઠમ દેવી કાળીને અર્પિત છે, જેમાં ખડગ પૂજા કરવામાં આવે છે. દશમના દિવસે વિજય દશમ તરીકે ટીકાનું વિધાન થાય છે, જેમાં ઘટમાંથી ઉગેલા અંકુર, દહીં, ચોખા અને સિંદૂરનું મિશ્રણ વડીલો દ્વારા આશીર્વાદરૂપે માથા પર ધારણ કરાવવામાં આવે છે. દશેરાના દિવસે એકબીજાના ઘરે મળવા જવાની પણ પરંપરા છે. ભેટોની આપ-લે, મેળાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો  નેપાળને દશેરાના દિવસે વિશેષ બનાવે છે.

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ સમુદાયની સંખ્યા અન્ય દેશ કરતા ભલે ઓછી હોય, પરંતુ દશેરાની ઉજવણીની રંગત ત્યાં પણ જોવા મળે છે. દશેરાના દિવસે ઘરમાં પૂજા-પાઠ કરાવવામાં આવે છે. રાત્રે પ્રાર્થના કાર્યક્રમો અને રામલીલાનું આયોજન થાય છે. ખાસ તો ઓસ્ટ્રેલિયામાં વસતા હિન્દુ સમુદાયના પૂજારીને પોતાના ઘરે આવકાર આવી એમના હાથે ઘરને ગંગાજળ દ્ધારા પવિત્ર કરાવવાની પણ પરંપરા જોવા મળે છે.

શ્રીલંકા

આજનું શ્રીલંકા એ રામાયણકાળની લંકા હોવાનું માનવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં શ્રીલંકાને રાવણના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. રામાયણના અનેક પ્રસંગોમાં શ્રીલંકાનું મહત્વ જુદુ છે. રાવણને રાજા તરીકે શ્રીલંકામાં પૂજવામાં આવે છે. એમ છતા પણ દશેરાના દિવસે રામાયણને દર્શાવતી લોક સંસ્કૃતિના અનેક કાર્યક્રમોનું અહીં આયોજન કરવામાં આવે છે. પ્રભુશ્રી રામના જીવનને ઉજાગર કરતી વાત અહીંના લોકોની પરંપરામાં છલકે છે.

ઇન્ડોનેશિયા  

ઇન્ડોનેશિયા મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, પરંતુ પ્રાચીન કાળથી રામાયણ અને મહાભારત આ દેશની સંસ્કૃતિમાં પ્રસ્થાપિત છે. દશેરા દરમિયાન અહીં રામાયણના દૃશ્યો ભજવાય છે. રાવણનો વધ કેવી રીતે કરવામાં આવ્યો હતો એ નાટક સ્વરૂપે રજૂ થાય છે. ઇન્ડોનેશિયામાં રાવણ દહનના કાર્યક્રમો પણ લોકપ્રિય છે.

મોરેશિયસ  

મોરેશિયસ ફરવા માટે અને ફિલ્મના શુટિંગ માટે લોકપ્રિય દેશોમાંથી એક છે. ઉપરાંત અહીં ભારતીય મૂળના લોકોની મોટી સંખ્યા વસે છે. જેના કારણે અહીં પણ દશેરાની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે. ભારતના જેમ જ અહીં પણ દશેરાના દિવસે રાવણ દહન અને રામલીલાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

હેતલ રાવ