મહિલાઓની આ સ્થિતિને કેમ સમજશો?

સ્વરા કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી સુંદર આત્મવિશ્વાસુ યુવતી. બધા સાથે હસીને બોલવું, મજાક-મસ્તી એની ઓળખ. કોલેજમાં બધા કહેતા પણ ખરા કે સ્વરાના ચહેરા પર હંમેશા સ્મિત રહે છે.  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એના સારા એવા ફોલોવર્સ પણ હતા.

રોજ કંઇકને કંઇક નવું અપડેટ કરવાની એની આદત. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એ હસવાનું ભૂલી ગઈ હતી. દરરોજ સવારે ઊઠતી ત્યારે પણ કોઈ કારણ વિના એનું મન ઉદાસ રહેતું. સોશિયલ મીડિયાથી દૂર થઈ ગઈ, મિત્રો સાથે વાત કરવાનું બંધ થઈ ગયું. એને સતત પોતાની અંદર કંઈક ખાલી છે એવો અહેસાસ થયા કરતો. એનું વજન થોડું વધી ગયું તો એને પોતાના મનગમતા કપડા પહેરવાનું પણ બંધ કરી દીધું. સ્વરાને લાગતું મારી અંદર કંઈક ખોટું થઈ રહ્યું છે, પણ શું? એ જવાબ એના ખુદ પાસે પણ નહોતો.

સમજીના શકાય એવી સ્થિતિ!

મહિલાની માનસિક સ્થિતિ અમુક સમયે એટલી બધી ખરાબ થઈ જાય છે કે એને શું થઈ રહ્યું છે એ અન્યને સમજાવવામાં નિષ્ફળ નિવડે છે. કોઈ એની સ્થિતિ સમજી પણ નથી શકતું. ઘણીવાર હોર્મોન ચેન્જ થવાના કારણે શરીરમાં થતા બદલાવ એની માનસિક સ્થિતિને ખુબ ખરાબ કરે છે.

એ એવો સમય હોય છે જ્યારે એને ઘરમાંથી બહાર નીકળવું નથી ગમતું. રોજ સીવલેસ કપડા પહેરતી મહિલા કે યુવતી,શરીરમાં આવેલા બદલાવના કારણે એવા કપડા પહેરવાનું બંધ કરે છે. મિત્રો સાથે વાત કરવી, બહાર જવાનું પણ ટાળે છે, એની એકલતા એને અંદરોઅંદર વધારે અને વધારે દુઃખી કરે છે પણ એ કોઈને કહી નથી શકતી. રોજ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી મહિલાની હાજરી ત્યાં પણ નહિવત થઈ જાય છે. ક્યારેક એને શરીરનું વજન વધારે લાગે છે તો ક્યારેક પોતાની જાતને અન્ય કરતા એકદમ નીચી આંકે છે. એની મનોસ્થિતિના સવાલોના જવાબ એની પાસે જ નથી હોતો. આવા સમયે પરિવાર અને મિત્રો જ એને સહકાર આપી શકે. આ  એવો તણાવ જેની જાણ એને પોતાને પણ નથી હોતી અને એ અન્યને પણ કહી નથી શકતી.

જ્યારે સ્વભાવ બદલાઈ જાય છે

આ ફેરફાર કોઈને અચાનક ખબર નથી પડતો. રોજ ફિટિંગ ડ્રેસ પહેરતી યુવતી ઢીલાં કપડાં પહેરવા લાગે છે, બહાર જવાનું ટાળી દે છે, પોતાનું પ્રતિબિંબ જોઈને ઉદાસ થઈ જાય છે. ક્યારેક લાગે છે કે એ વજનદાર થઈ ગઈ છે, ક્યારેક લાગે છે કે એ અન્ય કરતા હવે ઓછી સુંદર છે. આ સમય એવો હોય છે કે એ પોતાના શરીર સાથે પણ વેરઝેર કરવા લાગે છે. એના મનમાં સતત ચાલતું એક વાક્ય હોય છે, હું સારી નથી.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજિક કાર્યકર પ્રિતિ સરવૈયા કહે છે કે, “જ્યારે મહિલા પોતાની મનની વાત કોઈને કહી શકતી નથી, ત્યારે એની એકલતા એનો સૌથી મોટો શત્રુ બની જાય છે. બહારથી એ સામાન્ય દેખાય છે, પરંતુ અંદરથી ધીમે ધીમે ખાલી થતી જાય છે. રોજના કામમાં મન નથી લાગતું, હસવું જબરજસ્તી લાગે છે. એવી સ્થિતિમાં એ લોકો વચ્ચે રહીને પણ પોતાની જાતને એકલી અનુભવે છે. એ એકલતા મનમાં એવી જગ્યાએ વળી જાય છે જ્યાંથી બહાર આવવું મુશ્કેલ બને છે.”

બદલાવએ કમજોરી નહીં, પરિસ્થિતિ છે

ઘણા લોકો માનતા હોય છે કે મહિલા કે યુવતીઓમાં આવી રહેલો બદલાવ કમજોરી છે, પરંતુ હકીકતમાં એ એક માનસિક પરિસ્થિતિ છે જેનું કારણ શારીરિક ફેરફાર, હોર્મોનલ ઈમ્બેલન્સ અથવા માનસિક થાક હોઈ શકે છે. એ માટે શરમ કે અપરાધભાવની જરૂર નથી. જો સમયસર કાઉન્સેલિંગ લેવાય, થેરાપી કરવામાં આવે અથવા ફક્ત વિશ્વાસપાત્ર સાથે વાત કરવામાં આવે તો સ્થિતિ સુધરી શકે છે. પોતાનામાં થતા બદલાવને અવગણવું જોખમી છે, પરંતુ એનો સામનો કરવો શક્ય છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્યુટિશયન અલ્પા ચૌહાણ કહે છે, આવા સમયમાં સૌથી વધુ જરૂરી છે સમજ અને સહકાર. શું થયું?  એ સવાલ કરતાં હું તારી સાથે છું એ શબ્દ વધુ ઉપચાર આપે છે. જ્યારે પરિવાર અથવા મિત્રો એ સમયને ગંભીરતાથી લે છે, એ સ્ત્રી માટે એ આશાનું કિરણ બની જાય છે. ઘણીવાર એ ફક્ત એક વ્યક્તિની સમજદારીથી બહાર આવી શકે છે. પ્રેમ, સંવાદ અને સાન્નિધ્ય  આ ત્રણ વસ્તુ એના મન માટે દવા સમાન છે.

ડોક્ટર કહે છે…

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડો. દિપક વ્યાસ કહે છે કે, મહિલાના શરીરમાં થનારા હોર્મોનલ ફેરફારો ઘણીવાર એની મનોસ્થિતિ પર ગંભીર અસર કરે છે. પીરિયડ્સ પહેલાં કે પછી, પ્રેગ્નન્સી દરમિયાન કે પછી, અથવા મેનોપોઝના તબક્કે શરીરના ઈસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થતા ફેરફારો મૂડ સ્વિંગ્સ, ચીડિયાપણું, ઉદાસીનતા અને ડિપ્રેશનનું કારણ બને છે. ઘણીવાર મહિલાઓને લાગે છે કે એમની સાથે કઈ ખોટું થઈ રહ્યું છે, પરંતુ હકીકતમાં એ શરીર અને મન વચ્ચેનું એક અદૃશ્ય યુદ્ધ છે જેની ખબર અન્યને તો શું, ક્યારેક એમને ખુદને પણ નથી પડતી.

પોતાને સમય આપો, મનને સાંભળો

સ્ત્રી આખા પરિવારની ચિંતા કરતી હોય છે, પરંતુ પોતાને ભૂલી જાય છે. આ માટે જરૂર છે સેલ્ફ કેર. રોજ થોડો સમય પોતાને માટે કાઢો, ફરવા જાઓ, વાંચો, ધ્યાન કરો અથવા ફક્ત શાંતિથી બેસી રહો. મનની વાત લખો, સાંભળો, અને જરૂરી લાગે તો તબીબી સહાય લો. સૌથી અગત્યનું  પોતાને દોષ ન આપો. દરેક સ્ત્રીમાં એક શક્તિ છુપાયેલી હોય છે, ફક્ત એ શક્તિને ફરી શોધવાની જરૂર છે.

પરિવાર અને મિત્રોના સમર્થનની જરૂર

આવા સમયમાં સૌથી વધુ જરૂરી છે સમજ અને સહકાર. શું થયું? એ સવાલ કરતાં “હું તારી સાથે છું” એ શબ્દ વધુ ઉપચાર આપે છે. જ્યારે પરિવાર અથવા મિત્રો એ સમયને ગંભીરતાથી લે છે, એ સ્ત્રી માટે એ આશાનો કિરણ બની જાય છે. ઘણીવાર એ ફક્ત એક વ્યક્તિની સમજદારીથી બહાર આવી શકે છે. પ્રેમ, સંવાદ અને સાનિધ્ય આ ત્રણ વસ્તુ એના મન માટે દવા સમાન છે.

સ્ત્રીના મનમાં ઘણી વાર એવું દુઃખ હોય છે જેને શબ્દો નથી પરંતુ એને સમજદારીથી સ્પર્શી શકાય છે. જ્યારે સમાજ એની મનની સ્થિતિને સમજવા લાગશે, ત્યારે અનેક મહિલાઓ ફરી સ્મિત કરવાનું શીખી જશે.

હેતલ રાવ