વાત એક સાહસિક કપલના અનોખા સાહસની…

અમદાવાદનું એક ડોક્ટર કપલ. પતિને સાયકલિંગનો ખૂબ જ શોખ પછીથી એમની પત્નીને ય રંગ લાગ્યો. બન્નેની દોઢ મહિનાની દીકરી પણ જોડાઈ. હમણાં આ કપલે 19 મહિનાની દીકરીને લઈને સ્વિત્ઝર્લેન્ડમાં નોન સપોર્ટેડ સાયકલ ટૂર કરી એક અનોખું સાહસ કરી બતાવ્યું છે. ફક્ત બાર જ દિવસની અંદર 7200 ફૂટની ઊંચાઈએ 300 કિ.મી. અંતર કાપીને આ તબીબ દંપતિએ નવી જ સિધ્ધિ હાંસલ કરી છે.

 

વાત છે ડૉ. જીનલ વોરા અને ડૉ. વિશ્વા વોરાની. જીનલભાઈ આર્યુવેદિક ડોક્ટર અને વિશ્વાબહેન એલોપેથી ડોક્ટર. બન્ને અમદાવાદની જાણીતી સી. એન. વિદ્યાલયમાં સાથે ભણતા ત્યારથી મિત્રો સાથે ગ્રુપમાં સાયકલિંગ કરતા. પછી કોલેજ લાઇફમાં થોડા છૂટા પડ્યા એટલે સાયકલિંગ પણ ઓછું થઇ ગયું.

અલબત્ત, એ સમયે પણ જીનલભાઈ સાયકલ લઈને વિશ્વાને કોલેજ પર મળવા જતા. એમના મતે સાયકલ શારીરિક કસરત માટે તો ઉત્તમ હોવાની સાથે ટ્રાન્સપોર્ટેશન માટે શ્રેષ્ઠ સાધન હતું. વર્ષ 2018માં બન્નેના લગ્ન થયા.

વર્ષ 2020માં ડૉ. જીનલે તેમની લગ્નની વર્ષગાંઠ પર વિશ્વાબહેનને ટેન્ડમ બાયસિકલ ભેટ આપી. પછી તો આખા દિવસની દોડભાગના અંતે એકબીજા સાથે ટાઈમ વીતાવવા માટેનો એક સરસ ઉપાય એમને મળી ગયો. સાથે સમય પણ પસાર થાય અને ફિટનેસ પણ જળવાય.

હવે એમની સવાર જ ટેન્ડમ પર 20 થી 25 કિ.મી. સાયકલિંગથી શરૂ થતી. એમાંથી હિમાચલ પ્રદેશમાં સ્પીતી વેલી પર સાયક્લિંગ કરવાનો વિચાર આવ્યો એટલે એની તાલીમ શરૂ કરી. ઓગષ્ટ, 2021માં 11 દિવસની અંદર 510 કિ.મી. અંતર કાપીને સ્પીતી વેલી સર્કિટ પૂર્ણ કરી. આ એક અનસપોર્ટેડ રાઈડ હતી, જેમાં કોઈપણ પ્રકારની મદદ વગર પોતાનો સામાન સાયકલ પર જ લઈને જ જવાનું હતું. ઉંચાઈ પર ઓક્સિજન લેવલ અને હાર્ટબીટ મેઈન્ટેઈન રાખવા એ અઘરા ટાસ્ક હતા, પણ એમણે એ કરી બતાવ્યું.

વર્ષ 2024માં ડૉ. જીનલને વિચાર આવ્યો કે હવે દીકરી સાથે સાયકલ લઈને એક ખાસ ટૂર કરવી. દીકરી હસ્તી માટે પણ ટેન્ડમ સાયકલ પર ખાસ સીટ લગાવવામાં આવી. તેને લાંબો સમય સુધી સાયકલ પર બેસવાની ટેવ પડે તે માટે કપલે સાથે ટ્રેનિંગ શરૂ કરી. અમદાવાદમાં જ દીકરીને રોજની બેથી ત્રણ કલાક માટે સાયકલિંગ કરાવતા હતા.

આ રીતે છેવટે જુલાઈ, 2024માં 19 મહિનાની દીકરી સાથે ટેન્ડ઼મ સાયકલ પર શરૂ થઇ સ્વિત્ઝર્લેન્ડની ટૂર. દીકરી નાની હતી એટલે મમ્મી વિશ્વાને થોડી ચિંતા ય હતી, પણ પતિનો આત્મવિશ્વાસ જોઇને એમનામાં પણ હિંમત આવી.

ડો. વિશ્વા ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે, “15માંથી 12 દિવસ સાયક્લિંગ કરીને અમે આખું સ્વિટ્ઝલેન્ડ હોરિઝોન્ટલી ક્રોસ કર્યું હતું. જિનીવાથી લઈને ઝ્યુરિચ સુધી  અમે 12 દિવસમાં 7200 ફૂટ ઊંચાઈએ 300 કિ.મી.નું અંતર કાપ્યું હતું, જેમાં કોઈપણ પ્રકારનો સપોર્ટ લીધો ન હતો. બધું જ જાતે પ્લાન કર્યું હતું. જાતે જ અમારો સામાન ઊંચકીને અમે આ અંતર કાપ્યું હતું. સાઈકલની ફ્રન્ટમાં બે બેગ લગાવી હતી. બીજા વ્હિલ પર બીજી બે બેગ લગાવી શકાય તેવાં હેન્ડલ તૈયાર કરાવ્યા હતા. ટેન્ટ, સ્લિપિંગ બેગ સાયકલ પર જ સાથે રહી શકે એ માટેની બધી જ તૈયારી કરી હતી.”

અલબત્ત, આ પ્રવાસમાં સૌથી મોટો પડકાર હતો ટેન્ડમ સાયકલને સ્વિત્ઝર્લેન્ડ લઈ જવી એ.  ડૉ. વિશ્વાબહેન કહે છે, “અમારે અમારી જ ટેન્ડમ બાયસિકલ પર સ્વિટ્ઝલેન્ડમાં ફરવું હતું. જેનું કારણ અમારી દીકરી હતી. અમારી સાયકલમાં અમે તેના માટે ખાસ સીટ લગાવડાવી છે. ત્યાં પહોંચ્યા પછી આ પ્રકારની બીજી સાયકલ મળે કે નહીં અને મળે તો હસ્તીને ફાવે કે નહીં એ પણ સવાલ હતો.

આ માટે એમણે આખી સાયકલ ડિસમેન્ટલ કરીને કાર્ગોમાં સ્વિટ્ઝલેન્ડ મોકલી અને ત્યાં જઇને ફરી રિએસેમ્બલ કરી. એ દરમ્યાન ગિયર ચેન્જ કરવા માટેનો એક પાર્ટ તૂટી ગયેલો એટલે થોડુંક ટેન્શન વધી ગયું, સદનસીબે એ પાર્ટ જિનીવામાં મળી ગયો એટલે વાંધો ન આવ્યો.

વિશ્વાબહેન કહે છે, “સ્વિત્ઝર્લેન્ડમાં સાયક્લિંગ માટેના વિશેષ રૂટ છે. આ રૂટ તમે સ્વિસ મોબિલીટી વેબસાઈટ પર જોઈ શકો છો. એમાંથી 9 નંબરના રૂટમાં અત્યંત સુંદર તળાવો જોવા મળે છે. અહીં કાર માટેનો રૂટ અલગ હોય, એની બાજુમાં સાયકલ માટેનો રૂટ હોય. એની બાજુમાં ચાલીને જતાં લોકો માટે ફૂટપાથ હોય અને એની બાજુમાં ટ્રેન જતી હોય. અહીંના લોકો સાયક્લિંગને લઈને ખૂબ જ જાગૃત પણ છે. અમને આ રીતે બાળક સાથે સાયક્લિંગ કરતાં જોઈને ત્યાંના લોકો ખુશ થયા. અહીં લોકો સાયકલ ચલાવે છે, પરંતુ ટેન્ડમ સાયકલ ચલાવવી એ એમના માટે ય નવી વાત હતી. અમને 15 દિવસમાં ફક્ત બે જ ટેન્ડમ બાયસિકલ જોવા મળી. એમાં પણ નાના બાળક સાથે તો એકપણ ન હતી. લોકો અમને જોઇને કહેતા કે Ohh! This is not battery power, this is muscle power!”

ડૉ. જીનલ અને ડૉ. વિશ્વા જિનિવાથી લૌઝેન, જિસ્તાડ, ગ્રુયેર્સ, સિમેનટલ, ઈન્ટરલેકન, મેરેન્જિયન, સારનેનો થઈને છેલ્લે સ્ટાન્ટસમાં રોકાયા હતા. પંદર દિવસની એમની આ સફર એમના માટે યાદગાર તો છે જ, સાથે સાથે સાહસિક પ્રવાસના શોખીનો માટે દ્રષ્ટાંતરૂપ પણ છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)