દિવાળીના તહેવારો પછી પણ એના આધ્યાત્મિક ઉજાસનો ઉજવણીય પ્રકાશ ભારતભરમાં ઝળહળતો રહે છે.
કેમ કે ભારતમાં દિવાળી પછી કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીનું પર્વ ઉજવવાનો મહિમા છે.
કહેવાય છે કે એ દિવસે દેવતાઓ પોતે ધરતી પર ઉતરીને દીવો પ્રગટાવે છે. ભગવાન શિવની આરાધના કરે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો સંહાર કર્યો હતો અને એ વિજયના આનંદમાં દેવતાઓએ આખા કાશીને દીવડાઓથી પ્રકાશિત કર્યુ હતું.
આજે પણ ભારતના અનેક પવિત્ર મંદિરોમાં આ ઉજવણી એ જ ભક્તિભાવથી કરવામાં આવે છે. આવો જાણીએ, દેશમાં ક્યાં ક્યાં આ રીતે ઉજવાય છે દેવ દિવાળીનું પર્વ…
કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી, ઉત્તર પ્રદેશ

દેવ દિવાળીની જન્મભૂમિ કહેવાતું કાશી વિશ્વનાથ મંદિર આ દિવસે વિશ્વભરમાંથી આવેલ લાખો ભક્તોથી છલકાય છે. કાશી વિશ્વનાથ મંદિરને બાર જ્યોતિર્લિંગોમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મંદિરના કારણે વારાણસી શહેરને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગંગાના કિનારે આવેલા ૮૦થી વધુ ઘાટો પર લગભગ ૧૦ લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવે છે. દશાશ્વમેધ ઘાટથી લઈને અસ્સી ઘાટ સુધી પ્રકાશની અવિરત લહેર ફેલાય છે. સાંજે ગંગા આરતીના શંખધ્વનિ અને મંત્રોચ્ચારથી આખી કાશી ગુજી ઉઠે છે. આ દૃશ્ય એવું લાગે છે જાણે સ્વર્ગના દેવતાઓ ધરતી પર ઉતરી આવ્યા હોય.
સંતરામ મંદિર, નડિયાદ, ગુજરાત

નડિયાદમાં આવેલું સંતરામ મંદિર દેવ દિવાળીના દિવસે પ્રકાશના મહાસાગરમાં ઝળહળતું હોય છે. આ દિવસે મંદિરમાં અંદાજે એક લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવે છે, જે મંદિરના ચોપાલથી લઈને મુખ્ય ગર્ભગૃહ સુધી ઝગમગતા રહે છે. સવારે ગાયત્રી યજ્ઞ અને હવન યોજાય છે, જ્યારે સાંજે ભવ્ય દીપોત્સવ અને આરતી થાય છે. ભક્તો આ દિવસે ખાસ પ્રકાશ યાત્રા પણ કરે છે, જેમાં દીવડાઓ સાથે ભક્તો મંદિરની પરિક્રમા કરે છે. આખું નડિયાદ શહેર સંતરામના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે. એટલું જ નહીં દેશ-વિદેશમાં વસતા લોકો ખાસ દેવ દિવાળીએ અહીં દર્શનાર્થે પણ આવે છે.
મહાકાલેશ્વર,ઉજ્જૈન

ઉજ્જૈનમાં દેવ દિવાળીનો તહેવાર ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. અહીં મહાકાલેશ્વર મંદિરના પરિસરમાં દિવાળીની રાત્રે અદભુત દૃશ્ય જોવા મળે છે. હજારો દીવડાઓથી મંદિર અને ઘાટો ઝગમગી ઉઠે છે. મંદિરમાં વિશેષ આરતી અને પૂજા-અર્ચના યોજાય છે, જેમાં હજારો ભક્તો ભાગ લે છે. “હર હર મહાદેવ”ના નાદથી આખું ઉજ્જૈન ગુંજી ઉઠે છે. આ દૈવી માહોલમાં ભક્તોને શિવના આશીર્વાદની અદભુત અનુભૂતિ થાય છે અને ઉજ્જૈનની દેવ દિવાળી આત્માને પ્રકાશિત કરતો એક અનોખો આધ્યાત્મિક તહેવાર બની રહે છે.
ત્રિવેણી સંગમ, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ

પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ સ્થાને દેવ દિવાળીનો દિવસ અતિ પવિત્ર માનવામાં આવે છે. હજારો ભક્તો અહીં ગંગાસ્નાન કરે છે. લગભગ ૨ લાખથી વધુ દીવા પાણીમાં તરતા મુકાય છે. રાત્રીના સમયે સમગ્ર સંગમ પ્રદેશ જાણે તેજસ્વી સમુદ્ર બની જાય છે. યજ્ઞ, આરતી અને મંત્રોચ્ચારની ગુંજ સાથે ભક્તો ભગવાન શિવ અને માતા ગંગાની આરાધના કરે છે.
હર કી પૌરી, હરિદ્વાર, ઉત્તરાખંડ

હર કી પૌરી એ ભારતના ઉત્તરાખંડ રાજ્યના હિન્દુ પવિત્ર શહેર હરિદ્વારમાં ગંગા નદીના કિનારે આવેલો એક પવિત્ર ઘાટ છે . એવું માનવામાં આવે છે કે આ એ સ્થાન છે જ્યાં ગંગા પર્વતો છોડીને મેદાનોમાં પ્રવેશ કરે છે. આ ઘાટ પર દેવ દિવાળીના દિવસે લગભગ દોઢ લાખ દીવા પ્રગટાવવામાં આવે છે. સાંજે ગંગા આરતી દરમિયાન ભક્તો અહીં દીવો પ્રગટાવી ઈચ્છાઓ પુરી થાય એ માટે પ્રાર્થના કરે છે.
સોમનાથ, વેરાવળ, ગુજરાત

સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર આવેલું સોમનાથ મહાદેવનું મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજનીય છે. અહીં કાર્તિક માસની તેરસથી લઈને પૂર્ણિમા સુધી ભવ્ય લોકમેળો અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાય છે, જેને દેવ દિવાળીની ઉજવણીનું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રીએ ચંદ્ર અને શિવલિંગ એક સીધી રેખામાં આવી જાય છે. જે દૈવી દૃશ્ય ભક્તો માટે અદભુત અનુભૂતિ આપે છે. દર વર્ષે હજારો ભક્તો પ્રભાસ તીર્થ ખાતે દીવા પ્રગટાવી શિવ આરાધનામાં લીન થાય છે. આખું સોમનાથ તીર્થ પ્રકાશના સમુદ્રમાં ઝળહળે છે. આ મેળો આધ્યાત્મિકતા, ભક્તિ અને સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક ઝલકનું અવિનાશી પ્રતિક છે.
છત્રપતેશ્વર મહાદેવ મંદિર, પાટણ, ગુજરાત

પાટણમાં આવેલું છત્રપતેશ્વર મહાદેવ મંદિર ધર્મ અને આસ્થાનું અદભુત પ્રતિક છે. આ મંદિરની વિશેષતા છે કે અહીં શિવ પરિવાર એક સાથે બિરાજમાન છે. જેમાં ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેયનો સમાવેશ થાય છે. ખાસ કરીને ભગવાન કાર્તિકેય સ્વામીનું મંદિર અહીંનું મુખ્ય આકર્ષણ છે, કારણ કે એનું દ્વાર વર્ષમાં માત્ર એક જ વાર, દેવ દિવાળીના દિવસે એટલે કે કાર્તિક પૂર્ણિમાએ ખોલવામાં આવે છે. દેવ દિવાળીના દિવસે આ મંદિરનું વાતાવરણ અતિ દૈવી બની જાય છે. મંદિરમાં સૈંકડો દીવડાં પ્રગટાવવામાં આવે છે. ભગવાન કાર્તિકેયના દર્શન માટે ભક્તો દૂર દૂરથી અહીં આવે છે. દેવ દિવાળીની રાત્રે ભક્તિ, આરતી અને દીપોત્સવનો અદભુત મેળો સર્જાય છે.
હેતલ રાવ


