25 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવશે. ઘણા લોકો અત્યારથી જ એની તૈયારી કરી રહ્યા છે.
આમ તો અમેરિકા, યુરોપ જેવા ક્રિશ્ચિયન બહુમતી વસતી ધરાવતા દેશોમાં ખૂબ જ ધામધૂમથી ક્રિસમસને ઉજવવામાં આવે છે, પરંતુ આજે અહીં એવા દેશો વિશે વાત કરીએ, જ્યાં વિશેષ રીતે નાતાલની ઉજવણી કરવામાં આવે છે.
જર્મની
જર્મની એના ક્રિસમસ બજારો, વ્યંજન અને વિશેષ સજાવટ માટે જાણીતું છે. જર્મનીમાં, ક્રિસમસની ઉજવણી નાતાલના આગળના દિવસે થાય છે. એટલે કે ગિફ્ટ અને પાર્ટીનું આયોજન 25 ડિસેમ્બરની જગ્યાએ 24 ડિસેમ્બરે કરવામાં આવે છે.
પોલેન્ડ
પોલેન્ડમાં પણ નાતાલની ઉજવણીની જુદી જ પરંપરા જોવા મળે છે. અહીં નાતાલની પૂર્વસંધ્યાએ 12 પ્રકારના વ્યંજન બનાવવામાં આવે છે. જે ઈસુના 12 શિષ્યોના પ્રતિનિધિત્વને દર્શાવે છે. સ્થાનિક ચર્ચમાં મધ્યરાત્રિના સમૂહ પાસ્ટરકા (ધાર્મિક કાર્યક્રમ) સાથે ભોજન સમાપ્ત થાય છે. આ વિશેષ ઉજવણીમાં અન્ય દેશોના સહેલાણીઓ પણ આવે છે.
આઈસલેન્ડ
આઈસલેન્ડમાં ક્રિસમસ દરમિયાન યુલની ઉજવણી કરે છે. હજારો વર્ષો પહેલા શિયાળાના દિવસોમાં યુલ ઉત્સવ ઉજવવામાં આવતો. એટલે કે શિયાળાનો સૌથી ટૂંકો દિવસ અને સૌથી લાંબી રાત્રિની ઉજવણી. આ ઉત્સવના ભાગરૂપે બાળકો ઘરના દરવાજા કે બારી આગળ પગરખાં લટકાવે છે. એવી માન્યતા છે કે ક્રિસમસના દિવસોમાં યુલના દેવતા આ પગરખાંમાં ભેટ મૂકી જાય છે. વર્તમાન સમયમાં યુલની કેટલીક પરંપરાઓ, જેમ કે યુલ લોગ, ઝાડની સજાવટ, અને ભેટ આપવાની રીત, આધુનિક ક્રિસમસમાં જોડાઈ ગઈ છે.
જાપાન
જાપાન એ પરંપરાગત રીતે ખ્રિસ્તી દેશ ન હોવા છતાં, ત્યાંના લોકોએ ઘણી પશ્ચિમી ક્રિસમસ પરંપરાઓ અપનાવી છે. અહીં ક્રિસમસનો મહિમા પશ્ચિમી દેશોની સરખામણીમાં અલગ રીતે ઉજવવામાં આવે છે. અહીંના લોકો મોટે ભાગે ધાર્મિક નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક રીતે ક્રિસમસની ઉજવણી કરી નવા વર્ષને આવકારે છે. એટલું જ નહીં આ દિવસે જાપાનમાં પર કેન્ટકી ફ્રાઇડ ચિકન (KFC) ખાવાનો એક અનોખો રિવાજ છે. 1970ના દાયકાની એડવર્ટાઇઝિંગ કેમ્પેઇન “Krismas ni a Kentaki” (ક્રિસમસ માટે કેન્ટકી) પછી, લોકો આ દિવસે ફ્રાઇડ ચિકન ખાવું પસંદ કરે છે. ઘણા લોકો અગાઉથી ઓર્ડર આપે છે!
નોર્વે
નોર્વેમાં પરંપરાગત વ્યંજન અને પહેરવેશ સાથે નાતાલની ઉજવણી કરવામાં આવે છે. નોર્વેમાં ક્રિસમસને જુલ તરીકે ઓળખવામાં આવે છે. નવેમ્બર મહિનાના પહેલા શનિવારથી એડવેંટ શરૂ થાય છે. ત્યારથી નોર્વેજીયન પોતાના ઘરને ડેકોરેટ કરવાનું શરૂ કરે છે. આ ઉપરાંત ક્રિસમસના દિવસે ખાસ રિમ્બે અને પિનકોટ( ડુંગળીનું નોનવેજ શાક) બનાવવામાં આવે છે. નાતાલના દિવસે નોર્વેમાં ખાસ રિસક્રેમ(ચોખાના પાનની) નામની મીઠાઈ બનાવવાની પણ પરંપરા છે. “સેન્ટ લુસિયા દિવસ” નોર્વેની ક્રિસમસ પરંપરાનો ખાસ ભાગ છે. એ દિવસે બાળકો સફેદ કપડાં પહેરીને મીણબત્તી પ્રજવલીત કરે છે.
કોલંબિયા
ક્રિસમસ પહેલા એટલે કે, 16થી 24 ડિસેમ્બર સુધી “નવેસ” નામના પ્રાર્થનાના કાર્યક્રમો થાય છે. જેમાં સમગ્ર પરિવાર ભેગા થાય છે અને ઈસુ ખ્રિસ્તના જન્મ માટે પ્રાર્થના કરે છે. જે દરમિયાન ખાસ પ્રકારના ગીતો ગાવાની પરંપરા છે. કોલંબિયામાં ક્રિસમસની ઉજવણીના ભાગરૂપે 7 ડિસેમ્બરનો દિવસ “Dia de las Velitas” તરીકે ઓળખાય છે, જ્યાં લોકો ઘર, રસ્તાઓ અને બગીચાઓને દીવાઓથી સુશોભિત કરે છે. આ દિવસ માતા મેરીના ગૌરવ માટે સમર્પિત છે. કોલંબિયાના શહેર ખાસ કરીને મેડલિન “એલુમ્બ્રાડોસ” તરીકે જાણીતા ઉજ્જવળ પ્રકાશ માટે વિશ્વ વિખ્યાત છે. જેમાં શહેરના મુખ્ય માર્ગ, પાર્ક અને નદીના કિનારાને દિવાથી શણગારવામાં આવે છે.
એસ્ટોનિયા
એસ્ટોનિયાની સૌથી પ્રાચીન અને અનોખી પરંપરા ક્રિસમસ પહેલાં સ્નાન માટે સૌના પર જવાની છે. આ સૌના શારીરિક અને માનસિક શુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. પરિવારના દરેક સભ્ય સૌનામાં સાથે જાય છે. આ ઉપરાંત એસ્ટોનિયાના ક્રિસમસ ટ્રી પણ વિશ્વ ખ્યાતિ ધરાવે છે. ઇસવિસન 1441માં પ્રથમ વખત એ ટાલીન શહેરમાં મૂકાયા હતા. વિશ્વના સૌથી જૂના ક્રિસમસ ટ્રી સ્થાપવાનો રેકોર્ડ પણ ધરાવે છે. આ પરંપરાની દર વર્ષે ટાલીન ટાઉન સ્કેવરમાં ઉજવણી થાય છે. જે ક્રિસમસના તહેવારને વિશેષ બનાવે છે.
ચેક રિપબ્લિક
ચેક રિપબ્લિક મધ્ય યુરોપમાં આવેલું છે. આ દેશ ક્રિસમસના તહેવાર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ચેક રિપબ્લિકમાં નાતાલના તહેવારને સ્થાનિક ભાષામાં “વેનોસ” કહેવામાં આવે છે. જે એક જાદુઈ સમય ગણાય છે. નાતાલની શરૂઆત અહીં 5મી ડિસેમ્બરથી થાય છે, જે દિવસ “સેન્ટ નિકોલસ ડે” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બાળકોને મુલાકાત આપવા માટે સેન્ટ નિકોલસ એન્જલ્સ અને ડેવિલ્સ સાથે આવે છે. સારા બાળકોને ઇનામ મળે છે, જ્યારે મસ્તીખોર બાળકોને હળવાશથી ઠપકો આપવામાં આવે છે. આ ઉપરાંત ચેક રિપબ્લિકનું પ્રાગ જે યુનેસ્કોના વિશ્વ ઐતિહાસિક સ્થળ તરીકે જાણીતું છે. ત્યાંનું ઓલ્ડ ટાઉન સ્ક્વેર એની વિખ્યાત ક્રિસમસ માર્કેટ માટે એક મુખ્ય આકર્ષણ છે. અહીં લોકોએ પરંપરાગત ખોરાક, પીણાં અને સુંદર હસ્તકલાની વસ્તુ ખરીદવા માટે આવે છે.
કેનેડા
કેનેડામાં શિયાળાની સુંદર હિમવર્ષામાં ક્રિસમસની ઉજવણીમાં રંગબેરંગી પ્રકાશ અને શણગારની વિશેષ ભૂમિકા રહે છે. દરેક શહેરના ઘર અને જાહેર સ્થળોને રોશનીથી શણગારવામાં આવે છે. નાયગ્રા ફોલ્સના ફેસ્ટિવલ ઓફ લાઈટ્સ ખાસ આકર્ષણ છે, જ્યાં હજારો લાઇટ્સ અને થીમ આધારિત ડિસ્પ્લે લોકોનું ધ્યાન ખેંચે છે.
કેનેડાની વૈવિધ્યસભર સંસ્કૃતિ ક્રિસમસની ઉજવણીને અનોખી બનાવે છે. ફ્રેંચ-કેનેડિયન સમુદાયમાં “રેવિઓન” નામનું રાત્રિભોજન અને મધ્યરાત્રિના પ્રાર્થનાની મુખ્ય પરંપરા છે. આઈરિશ અને સ્કોટિશ સમુદાયોમાં લોકગીતો અને પરંપરાગત નૃત્ય દ્વારા તહેવારની મજા વધારવામાં આવે છે. ટોરન્ટોમાં યોજાતી “સાન્ટા ક્લોઝ પરેડ” ક્રિસમસ તહેવારનું મુખ્ય આકર્ષણ છે, જેમાં રંગબેરંગી પ્લોટ્સ અને મ્યુઝિકલ બેન્ડ હોય છે. ક્રિસમસ ટ્રીની વાત કરીએ તો કેનેડાના ઠંડા હવામાનમાં કુદરતી ફિર્લ ટ્રી ખૂબ લોકપ્રિય છે. આ વૃક્ષોને રોશની, સ્ટાર અને રંગીન શણગારો દ્વારા સુંદર બનાવવામાં આવે છે. વિવિધ પ્રાંતો અને સમુદાય દ્વારા ઉજવાતા આ તહેવાર કેનેડાના વૈવિધ્ય ભર્યા જીવનશૈલીને ઉજાગર કરે છે.
ડેન્માર્ક
ડેન્માર્કમાં ક્રિસમસ ખાસ “જુલ” તરીકે ઉજવાય છે, જે 24 ડિસેમ્બરના ઇવથી શરુ થાય છે. આ અવસર પર, પરિવારના સભ્યો એકબીજાને ભેટો આપીને અને એક સાથે ભોજન કરી આનંદ માને છે. જેમાં “એમ્બ્રોસિયા” (રાઇસ પુડિંગ) અને “દેનિશ પેસ્ટ્રી” જેવી વાનગીઓ વિશેષ છે. આ દિવસે લોકો “ગ્લૂગી” (મોલ્ડ વાઇન) પીવું પસંદ કરે છે. સમગ્ર વિશ્વમાં સંભવત ડેન્માર્કમાં જ ક્રિસમસ ટ્રીને સોના અને ચાંદીની ઘૂઘરી અનોખા આલંકારથી સજાવવામાં આવે છે.
આ દેશોમાં નથી ઉજવાતી ક્રિસમસ અફઘાનિસ્તાનઃ આ એક એવો દેશ છે, જ્યાં આજ-કાલ નહીં પરંતુ વર્ષોથી ક્રિસમસની ઉજવણી જ કરવામાં નથી આવતી. લોકોનું માનવું છે કે, અહીંના લોકો ક્રિસમસ પર મસ્તી-ધમાલ અને પાર્ટીનો વિરોધ કરે છે. એટલે જ અહીં ક્રિસમસની ઉજવણી નથી થતી. લીબિયાઃ આફ્રિકન મહાદ્વિપ લીબિયા એક એવો દેશ છે, જ્યાં આજ-કાલથી નહીં, પરંતુ વર્ષોથી ક્રિસમસની ઉજવણી કરવામાં નથી આવતી. એવું માનવામાં આવે છે કે, ક્રિસમસ નિમિત્તે અહીંના લોકો સ્થાનિક તહેવારોને ઉજવે છે. પાકિસ્તાનઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં 25 ડિસેમ્બર એટલે કે, ક્રિસમસની ઉજવણી નથી થતી. અહીં 25 ડિસેમ્બરની રજા તો હોય છે, પરંતુ આ દિવસે દેશના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાની જયંતિ રૂપે ઉજવવામાં આવે છે. જો કે, દેશના કેટલાક ભાગોમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ મોટા પાયે નહીં. સોમાલિયાઃ આફ્રિકન દેશ સોમાલિયા એક એવો દેશ છે, જ્યાં ક્રિસમસને ઉજવવામાં નથી આવતી. આ દેશ બાબતે એવું કહેવાય છે કે, લગભગ 2015 ની આસપાસ ધાર્મિક કાનૂન લાગતાં ક્રિસમસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઈરાનઃ મધ્ય પૂર્વના આ દેશમાં ક્રિસમસની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહીં ધાર્મિક ભાવના અને કારણોથી ઘણા લોકો ક્રિસમસની ઉજવણી જ નથી કરતા. આ ઉપરાંત ભૂટાન, બહરીન, કંબોડિયા, ઉઝ્બેકિસ્તાન, ઈઝરાયલ અને તુર્કી જેવા દેશોમાં પણ ક્રિસમસની ઉજવણી કરવામાં નથી આવતી. |
હેતલ રાવ